બે લાખના તોડમાં પોલીસ કૌશલ ભટ્ટની રાતે ધરપકડ ને બપોરે છૂટી

નવરંગપુરાના યુવકની સગાઈની પૂર્વ રાતે ક્રિકેટ સટ્ટાના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી બે લાખ રૂપિયાનો તોડ કરનારા અને આત્મહત્યાની ચિમકી આપીને ગુમ થયેલો કોન્સ્ટેબલ કૌશલ ભટ્ટ શુક્રવારે રાતે વકીલ સાથે તપાસ અધિકારી સમક્ષ હાજર થયો હતો. જો કે, તોડ કેસમાં સામેલ એલઆરડી જીગર સોલંકીનો હજુ સુધી પતો લાગ્યો નથી. કૌશલ ભટ્ટના રિમાન્ડ નામજૂંર કરી અદાલતે તેને તોડ કેસમાં જામીન મુક્ત કર્યો હતો. કૌશલ જામીન મુક્ત થતા જીગર સોલંકી પણ નજીકના સમયમાં હાજર થાય તેવી સંભાવના પોલીસ અધિકારીએ વ્યક્ત કરી છે.

નોકરી દરમિયાન ચોકક્સ લોકોને ટાર્ગેટ કરી તેમની પાસેથી લાખો રૂપિયા પડાવનાર કોન્સ્ટેબલ કૌશલ ભટ્ટ અને નવરંગપુરામાં ફરજ બજાવતા એલઆરડી જીગર સોલંકી સામે નિશિત ગજ્જર નામના યુવાને બે લાખ રૂપિયાના તોડની ફરિયાદ ચાર દિવસ અગાઉ કરી હતી. નિશિત ગજ્જરના મોબાઈલ ફોનમાં રહેલી ક્રિકેટ સટ્ટાની એપ્લિકેશનની માહિતી તેના મિત્ર થકી મેળવી કૌશલ અને જીગરે તોડનું કાવતરૂ રચ્યું હતું. વાહન ચેકીંગના નામે નિશિતને રોકી એલઆરડી જીગર સોલંકીએ લાફા મારી મોબાઈલ ફોન મેળવી લઈ ક્રિકેટ સટ્ટાનો કેસ કરવાની ધમકી આપી પાંચ લાખ માંગ્યા હતા. દરમિયાનમાં કોન્સ્ટેબલ કૌશલ ભટ્ટ આવતા બે લાખ રૂપિયા આપીને નિશિત ગજ્જરે મામલો પતાવ્યો હતો. તોડ પ્રકરણ નવરંગપુરા પીઆઈ પી.બી.દેસાઈ સમક્ષ આવતા તેમણે નિશિતની ફરિયાદ નોંધવાના બદલે અરજી લઈ તપાસ શરૂ કરી હતી.

તોડબાજ કૌશલ ભટ્ટ અને જીગર સોલંકી અરજીની તપાસમાં સહકાર આપવાના બદલે લાપતા થઈ ગયા હતા. ગુમ થતા પહેલા પીઆઈ દેસાઈ, તેમના વહીવટદારો, રાઈટર અને એસીપીના ત્રાસથી આપઘાત કરવો પડે તેવી સ્થિતિ સર્જાઈ હોવાની બંને જણા સ્યૂસાઈડ નોટ લખી તેમજ પોલીસ કંટ્રોલ રૂમમાં પણ જાણ કરી હતી. સમગ્ર મામલે નવરંગપુરા પીઆઈ પી.બી.દેસાઈ ભીંસમાં મુકાતા તેમણે નિશિત ગજ્જરને બોલાવી બે લાખ રૂપિયાના તોડની ફરિયાદ નોંધી હતી.