અમદાવાદ,12
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તા.૨૦ ઓક્ટોબરે લેવાનારી બિનસચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા ગઈકાલે અચાનક રદ કરી દેવામાં આવી હતી. આ ઘટનાના હાલમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આજે એનએસયુઆઇ, વિદ્યાર્થીસેના સહિતનાં વિદ્યાર્થી સંગઠનોએ જુદાજુદા સ્થળે દેખાવો યોજીને આગામી દિવસોમાં સરકારે આ રીતે વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડાં કરવા બદલ નવનિર્માણ જેવા આંદોલનનો સામનો કરવાની તૈયારી રાખવી પડશે તેવી ચીમકી આપી હતી.
ગૌણ સેવા પસંદગી પરીક્ષા રદ કરવાના વિરોધમાં એનએસયુઆઈએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો, જેમાં એવો ઉલ્લેખ કરાયો હતો કે ‘છેલ્લાં ત્રણ વર્ષથી દરેક પરીક્ષાઓનાં પેપર લીક થવા અથવા તો છેલ્લી ઘડીએ કોઈને કોઈ કારણોસર પરીક્ષા રદ કરવામાં આવી રહી છે. સરકારના આ પ્રકારના નિર્ણયના કારણે લાખો બેરોજગાર વિદ્યાર્થીઓ-યુવકોએ આર્થિક ઉપરાંત માનસિક અને શારીરિક યાતનાઓ પણ સહન કરવી પડે છે. કઈ કઈ પરીક્ષા રદ કરવામાં આવી તેમાં કોન્સ્ટેબલ ૨૦૧૮, મુખ્ય સેવિકા ૨૦૧૮, નાયબ ચિટનીસ ૨૦૧૮, હાઈકોર્ટ પ્યૂન ૨૦૧૮-૧૯, આઇઆઇટી સુપરવાઈઝર ઇન્સ્ટ્રક્ટર, બિન સચિવાલય ક્લાર્ક ૨૦૧૯ આર્મ. છેલ્લાં બે વર્ષમાં સરકારે સળંગ ૬ જેટલી પરીક્ષા એક યા બીજા કારણોસર રદ કરતાં વિદ્યાર્થીઓમાં ભારે હતાશા ઊભી થઈ છે. એનએસયુઆઇએ એવી પણ ચીમકી આપી છે કે, હવે પછી આવી કોઈ પરીક્ષા રદ કરવામાં આવશે તો સરકારે નવનિર્માણ આંદોલન જેવા વધુ એક આંદોલનનો સામનો કરવાની તૈયારી રાખવી પડશે. બીજી બાજુ વિદ્યાર્થીસેના દ્વારા આજે ગુજરાત યુનિવર્સિટી ખાતે દેખાવો કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થી સેનાએ આગામી દિવસોમાં જુદાજુદા સ્થળે દેખાવો યોજીને સરકારની નીતિનો વિરોધ કરવાની જાહેરાત કરી હતી.