મહેસાણા, તા.૧૯
3 વર્ષ અગાઉ વિજાપુર તાલુકાની એક જ પરિવારની બે સગીર બહેનોનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યા બાદ બેથી વધુ જગ્યાએ પૈસા લઇ વેચી મારનારા વિજાપુર તાલુકાના નવા સંઘપુરના જીતેન્દ્ર ઉર્ફે લાલાજી ઠાકોરને શુક્રવારે મહેસાણાની સ્પેશિયલ પોક્સો કોર્ટે 10 વર્ષની કેદની સજા ફટકારી હતી.
ગત 2 જૂન, 2016ના મજૂરીએથી પરત ફરેલા શ્રમિકે ઘરે બે સગીર પુત્રીઓના જણાતાં શોધખોળને અંતે એક મહિના બાદ પત્તો લાગ્યો હતો અને ઘરે લઇ ગયા હતા. બંનેએ પૂછપરછમાં ચોંકાવનારુ નિવેદન આપ્યું હતું. જેમાં બંને કિશોરીઓ રિક્ષામાં બેસીને તેની બહેનપણી સવિતાના ઘરે ગયા હતા. ત્યારે નવા સંઘપુર ગામના લાલજી શંકરજી ઠાકોર બે પૈકી એક કિશોરીને ધમકાવી ગાભાજીના પુત્ર રાજુ સાથે લગ્ન કરાવતાં તેણે દુષ્કર્મ આચર્યુ હતું.
માણસા ગેસ્ટ હાઉસમાં 5થી 6 દિવસ સુધી રાખી અલગ અલગ માણસો બોલાવીને નાણાં લઇ દુષ્કર્મ આચરાવતો હતો. ત્યારબાદ પાટણના 1ગામમાં ખેતરમાં રહેતા રામાજી ઠાકોર પાસેથી રૂ.80 હજાર લઇ કિશોરી તેના ઘરે મૂકી ગયો હતો. જેની ઉપર તેમણે દુષ્કર્મ આચર્યુ હતું. જ્યારે અન્ય એક કિશોરીને લાલજી, કૌશિક અને સવિતાએ રૂ.60 હજારમાં લાલજી હરિજી ઠાકોરને વેચી મારી હતી. જેણે કિશોરી પર 3 દિવસ સુધી દુષ્કર્મ આચર્યુ હતું.
આ અંગે નોંધાયેલી ફરિયાદ અંતર્ગત જીતેન્દ્ર ઉર્ફે લાલાજી શકરાજી ઠાકોર (રહે. નવા સંઘપુર, તા.વિજાપુર, હાલ ગોવિંદપુરા ટીંબા)ની ધરપકડ કરી હતી.આ કેસ મહેસાણા સ્પેશિયલ પોક્સો જજ એચ.આર. રાવલ સમક્ષ ચાલતાં સરકારી વકીલ પરેશકુમાર કે. દવેની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે જીતેન્દ્ર ઉર્ફે લાલાને સજાનો હુકમ કર્યો હતો.