અમદાવાદ, તા. 8. શહેરના બોડકદેવ વિસ્તારમાં આવેલી એક કેક શોપના શટરનું તાળું તોડીને તસ્કરો રૂ. 12 હજારની રોકડ રકમ ચોરી કરી લઈ ગયા હતા. જે અંગે શોપ માલિકે વસ્ત્રાપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ શહેરના ચાંદખેડા વિસ્તારમાં રહેતા દિલીપકુમાર દોલતરામ ભૂરાની બોડકદેવ વિસ્તારમાં જૈન ડેરીની બાજુમાં આવેલા કલાસિસ પેલેસ નામની બિલ્ડીંગમાં કભી ભી બેકરી નામની દુકાન ધરાવે છે. જેમાં તેઓ બેકરીની વસ્તુઓ તેમજ કેક, પેસ્ટ્રી જેવી પ્રોડક્ટ્સનું વેચાણ કરે છે. ગત તા. 6ઠ્ઠીના રોજ રાત્રે 11 વાગ્યે દુકાન બંધ કરી હતી, ત્યારે તેમણે તે દિવસનો થયેલો વકરો રૂ. 12 હજારનો થયો હતો, તે રકમને તેમણે કાઉન્ટરના ડ્રોવરમાં મૂક્યા હતા. બીજા દિવસે સવારે તેમની દુકાનના કર્મચારી પાયલ બારોટ દુકાને આવ્યા હતા ત્યારે તેમણે દુકાનના શટરનું તાળું તૂટેલું જોયું હતું. જેથી પાયલ બારોટે દિલીપકુમાર ભૂરાનીને વાત કરી હતી. આ મામલે દિલીપકુમારે વસ્ત્રાપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જે અંગે પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.