બોડો વિસ્તારોના રૂ. 1500 કરોડના વિકાસ પેકેજનું કામ શરૂ કરી દેવાયું છે: નરેન્દ્ર મોદી

નવી દિલ્હી, 30-01-2020

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બોડો સમજૂતી કરારને આસામમાં શાંતિ અને વિકાસનો ઐતિહાસિક અધ્યાય ગણાવ્યો છે. બોડો સમજૂતીને આવકારતા તેમણે જણાવ્યું હતું કે, આ સમજૂતી ‘સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ’નો મંત્ર તેમજ ‘એક ભારત – શ્રેષ્ઠ ભારત’ની લાગણીથી પ્રેરિત છે.

પ્રધાનમંત્રીએ શ્રેણીબદ્ધ ટ્વીટ કરી જણાવ્યું હતું કે, “ભારત અત્યારે પૂજ્ય બાપુને તેમની પુણ્યતિથિએ યાદ કરી રહ્યું છે ત્યારે, આસામમાં શાંતિ અને વિકાસનો એક ઐતિહાસિક અધ્યાય શરૂ થયો છે. 50 વર્ષની પ્રતિક્ષા પછી, બોડો મિત્રો સાથે આ સમજૂતીથી એક નવી શરૂઆત થઇ છે. તેનાથી આસામમાં એકતા વધુ મજબૂત થશે અને વિકાસ થશે તેમજ ઉજળા ભાવિનું ઘડતર થશે.

બોડો સંગઠનો સાથે આ ઐતિહાસિક કરાર પર હસ્તાક્ષર કર્યા પછી, બોડો વિસ્તારોમાં વિકાસના કાર્યો અમારી સરકાર માટે સૌથી પહેલી પ્રાથમિકતા છે. રૂપિયા 1500 કરોડના વ્યાપક પેકેજ પર કામ શરૂ કરી દેવાયું છે. અમારું વિશેષ ધ્યાન ખાસ કરીને અહીંના લોકોનાં જીવનનિર્વાહમાં સરળતા લાવવા પર અને સરકારી યોજનાઓનો બોડો લોકોને પૂરો લાભ મળે તે સુનિશ્ચિત કરવા પર છે.

બોડો મિત્રો અમારી સાથે શાંતિના માર્ગે જોડાયા છે તે સ્પષ્ટ સંદેશ આપે છે કે, જ્યારે આપણે હિંસાનો માર્ગ છોડીએ અને લોકશાહી તેમજ બંધારણમાં વિશ્વાસ મૂકીએ ત્યારે સમસ્યાઓનો ઉકેલ લાવવો શક્ય છે. હું મારા બોડો મિત્રોને મુખ્ય પ્રવાહમાં આવકારું છું. અમે બોડો વિસ્તારોનો વિકાસ સુનિશ્ચિત કરવા કટિબદ્ધ છીએ.

આજે પૂજ્ય બાપુની પુણ્યતિથિએ 5 દાયકા જૂના બોડો મુદ્દાનો ઉકેલ આવ્યો છે. બોડો સમૂહો અને સરકાર વચ્ચેની સમજૂતીથી આસામની એકતા અને અખંડિતતા વધુ મજબૂત થશે. હું મારા બોડો મિત્રોના હિંસા છોડવાના તેમજ લોકશાહી અને બંધારણમાં ભરોસો મૂકવાના આ નિર્ણયને આવકારું છું.

આપણા બોડો મિત્રો સાથે થયેલી આ સમજૂતી આસામ અને દેશના અન્ય હિંસાગ્રસ્ત વિસ્તારો માટે સંદેશો છે. માત્ર હિંસા અને ભય મુક્ત માહોલમાં જ દેશના વિકાસને ગતિ આપી શકાય. મને ખુશી કે આપણા બોડો મિત્રોની સંપૂર્ણ શક્તિ આસામના વિકાસને વધુ મજબૂત બનાવશે.

આસામના અન્ય સમુદાયોના હિતોનું રક્ષણ કરતી વખતે આપણા બોડો મિત્રો સાથે સમજૂતી કરવામાં આવી છે. આ સૌનો વિજય છે, આ સમગ્ર માનવજાતનો વિજય છે. આ ‘સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ’ મંત્ર તેમજ ‘એક ભારત – શ્રેષ્ઠ ભારત’ની લાગણીથી પ્રેરિત છે.