અમદાવાદ, તા.13
મોમાઈ ભક્ત મંડળ ટ્રસ્ટના બેંક એકાઉન્ટમાં લાખો રૂપિયા ધરાવતો ધનજી ઓડ ઉર્ફે ઢબુડી એક ઘર્મશાળા અને હોલ બનાવવાની ઈચ્છા ધરાવે છે. પેથાપુર પોલીસ સ્ટેશનમાં થયેલી અરજીની તપાસમાં ચાંદખેડા ખાતે ભાડે રાખવામાં આવેલા બંગલાનું દર મહિને 36,500 રૂપિયા ભાડું ટ્રસ્ટમાંથી ચૂકવાયા છે. ધનજી ઓડ પાસે માલિકીનું ગણાય તેવું રૂપાલમાં એક માત્ર વડિલોપાર્જિત એક રૂમનું સરકારી આવાસ છે.
દર્શનમાં માતાજીએ મને ઢબુડી સ્વરુપે દર્શન આપ્યા હતા
સ્વામીના ગઢડાના ભીખાભાઈ માણિયાએ ધનજી ઓડ સામે પેથાપુરમાં આપેલી અરજીના સંદર્ભેમાં ત્રણ સાક્ષીઓના નામપોલીસને આપ્યા છે. કેન્સરગ્રસ્ત પુત્રના મોત માટે ધનજી ઓડ જવાબદાર હોવાનો આરોપ લગાવનાર ભીખાભાઈને ધનજીઓડ ઉર્ફે ઢબુડીએ ઓળખતા નહીં હોવાનો દાવો કર્યો છે. ધનજી ઓડે પેથાપુર પોલીસ સ્ટેશનમાં આપેલા નિવેદનમાં કહ્યું છે કે,હું ધૂણવા બેસું છું ત્યારે ચૂંદડી ઓઢી હોય છે એટલે કોણ આવે અને કોણ જાણ તેની ખબર નથી હોતી. વર્ષ 2017માં જોગણીમાતાએ દર્શન આપી તું મારો અંશ છે તેમ કહેતા ધૂણવાનું શરૂ કર્યું હતું અને દર્શનમાં માતાએ ઢબુડી સ્વરૂપે દર્શન આપ્યા હતા.
મોમાઈ ભકત મંડળ નામથી ખોલાવેલા એકાઉન્ટમાં લાખો રુપિયાના વ્યવહાર
પોલીસ નિવેદનમાં જણાવ્યાનુસાર ધનજી ઓડ તેની પત્ની, બે બાળકો અને એક અવિવાહિત ભાઈ સાથે રહે છે. ધનજી ઓડ,તેની પત્ની અને બાળકોના બેંક એકાઉન્ટ છે. જ્યારે મોમાઈ ભક્ત મંડળ નામથી યુનિયન બેંકમાં ખોલાવેલા એકાઉન્ટમાં લાખોરૂપિયાના વ્યવહારો છેલ્લા બે વર્ષમાં થયા છે. પોલીસે આ બેંક એકાઉન્ટની માહિતી મેળવી તપાસ આરંભી છે.ધનજી ઓડે બેંક એકાઉન્ટમાં પડેલા લાખો રૂપિયા પ્રસાદના હોવાનું કહ્યું છે. આ રૂપિયાથી જમણવાર થાય છે અને આગામીદિવસોમાં ધર્મશાળા અને હોલ પણ બાંધવાનો હોવાનો દાવો કર્યો છે.
એક સમયે ધનજી છુટક મજુરી કરતો હતો
વર્ષ 2017 પહેલા ધનજી ઓડ રિક્ષા ચલાવી, માટી કામતેમજ છૂટક મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. હાલમાં પોતાની કોઈ આવક નહીં હોવાનું જણાવતા ધનજીઓડનો તેમજ પરિવારનો ખર્ચ ભક્તો ભોગવતા હોવાનું સામે આવ્યું છે.
પેમ્ફલેટ કોણે છપાવ્યુ?
પેથાપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ એ.જે.એનરકરે જણાવ્યું છે કે, વિજ્ઞાન જાથાવાળાએ એક પેમ્ફલેટ આપ્યું છે. જેમાંમાતાજી બાધા આપે છે. નિસંતાનને સંતાન આપે છે. કેન્સરની બિમારી પણ મટી શકે છે તેવું લખાણ છે. વર્ષ 2019માં પ્રિન્ટ થયેલું આ પેમ્ફલેટ ક્યાં છપાયું છે અને કોણે છપાવડાવ્યું છે તેની પણ તપાસ કરવામાં આવશે.