ભરવાડ યુવાનની હત્યા થઇ હોવાનું બહાર આવતા પોલીસની તપાસનો ધમધમાટ

રાજકોટઃતા:10 કોઠારીયા સોલવન્ટ મચ્છોનગર-૧માં રહેતાં પરેશગોહેલ (ઉ.૪૨) નામના ભરવાડ યુવાનની કોઠારીયા સોલવન્ટ પાણીની ટાંક પાસેથી આદર્શ ગ્રીનસીટી સામે આવેલા મેદાનમાંથી લાશ મળી આવી હતી. ગળા પર નિશાન હોઇ પોલીસને હત્યાની શંકા ઉપજી હતી. ફોરેન્સિક પોસ્ટ મોર્ટમમાં આ શંકા સાચી ઠરી હતી અને યુવકને કોઇએ ગળાટૂંપો આપી મોતને ઘાટ ઉતાર્યાનું ખુલતાં આજીડેમ પોલીસે હત્યાનો ભોગ બનેલા આ યુવાનના ભાઇ કાળુભાઇ નાથાભાઇ ગોહેલ (ઉ.૪૫-રહે. મછોનગર)ની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સ કે તપાસમાં ખુલે તેની સામે આઇપીસી ૩૦૨ મુજબ હત્યાનો ગુનો નોંધ્યો હતો. હત્યા કોણે અને શા માટે કરી? તે અંગે તપાસ કરવા પોલીસે જુદી-જુદી દિશામાં દોડધામ આદરી છે. હત્યાનો ભોગ બનનાર મોબાઇલ ફોન પણ વાપરતા નહોતાં. તેને સંતાનમાં બે પુત્ર છે. કોઇ સાથે માથાકુટ હતી કે કેમ? તે પણ સામે આવ્યું નથી. ઇન્ચાર્જ પી.આઇ. એમ. જે. રાઠોડની તથા ટીમે તપાસ યથાવત રાખી છે. પોલીસને આશા છે કે ભેદ ઝડપથી ઉકેલાઇ જશે.