વિશ્વની 7 મોટી નદીઓ પૈકીની એક નર્મદા નદી સૂકાઈ ગયા બાદ ભરૂચના નિલકંઠેશ્વર મંદિર પાસે આલીયા બેટ પર 200 હેક્ટર (20,00,000 ચોરસ મીટર) જમીન પર વ્યક્તિગત રીતે ભવ્ય ટાપુ બનાવવામાં આવી રહ્યો છે. ઝાડેશ્વર પંચાયતમાં આવતાં આ ટાપુ પર વૃક્ષોનું નિકંદન કાઢીને ટાપુ બનાવી ત્યાં રહેવા માટેની સુવિધા ઊભી કરવામાં આવી રહ્યો છે. ટાપુ નિર્માણ માટે બિલ્ડીંગ મટીરીયલ લઈ જવા માટે નર્મદા નદીમાં પાળા બનાવી રસ્તો બનાવવામાં આવ્યો છે. ટાપુ પર ફાર્મ હાઉસ બની રહ્યું છે એવું ભૂસ્તર વિભાગ માની રહ્યું છે. જ્યાં સરકારી ગૌચરની જમીન છે, તેના પર દબાણ થયું છે. આ ટાપુ પર આદિવાસીઓ રહે છે તેથી ત્યાં 73-એએ પ્રમાણે કોઈ જમીન ખરીદી ન શકે પણ અહીં ખાનગી બાંધકામ થઈ રહ્યું છે. તે અંગે કલેક્ટર કચેરી પાસે પણ વિગતો નથી.
છેલ્લાં 500 વર્ષના રાજકીય શાસનમાં આવું અગાઉ ક્યારેય થયું નથી. ભરૂચ પર દિલ્હી સલ્તનતનું શાસન 94 વર્ષ, ગુજરાતની સ્વતંત્ર સલ્તનતનું રાજય 181 વર્ષ, મોગલ શાસન 164 વર્ષ, સ્વતંત્ર અમીરોનું રાજય 36 વર્ષ તથા મરાઠાઓનું આધિપત્ય 19 વર્ષ સુધી રહ્યું હતું. કોંગ્રેસના 22 વર્ષના શાસનમાં પણ કંઈ થયું ન હતું. હવે ભાજપના 23 વર્ષના ગુજરાતના શાસનમાં ટાપુ પર કોઈક કબજો જમાવી રહ્યાં છે.
આલીયા બેટ ભરૂચ પાસે અરબી સમુદ્રમાં મળતી નર્મદા નદીના ત્રિકોણ પ્રદેશમાં આવેલો છે. તે કાંપ-માટી પથરાવાને કારણે બન્યો છે. આલિયા બેટ નર્મદા નદીમાં આવેલા સુંદર બેટ પૈકીનો એક બેટ છે. 75થી 90 સે.મી.ના દરિયાઈ કાચબા આ બેટ પર ઈંડા મૂકવા આવે છે. વાગરા તાલુકાનો 11 માઈલ લાંબો અને 3 માઈલ પહોળો ટાપુ છે. બેટ પર કુદરતી સોંદર્ય છલકે છે. તેથી શ્રીમંત લોકોનું આકર્ષે છે. આ બેટ પર વસતા લોકો પશુપાલનનો વ્યવસાય કરે છે.
આ બેટ પર હાંસોટથી અથવા વાગરા તાલુકામાંથી હોડીમાં બેસી જઈ શકાય છે.