અમદાવાદ, તા. 6.
શહેરના વેપારીએ ચાઈનાથી દવાનો કાચો માલ મગાવ્યો હતો. જે અંગે ચાઈનાની કંપનીના ભળતા મેઈલ એડ્રેસ પરથી કોઈએ મેસેજ કરીને પેમેન્ટ મગાવ્યું હતું. જે અંગે વેપારીએ જમા કરાવેલા 31,600 ડોલરમાંથી 25300 ડોલરની રકમ ઉપાડી છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાવી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ શહેરના વસ્ત્રાલ રોડ ઉપર મહાદેવનગરમાં રહેતા નરેશકુમાર રાણાજી કિરીની કલોલની સહિજ જીઆઇડીસીમાં સુમર બાયટેક નામની કંપની ધરાવે છે અને એસજી હાઇવે ઉપર સોલા ખાતે ગણેશ મેરેડિયનમાં તેમની ઓફિસ ધરાવે છે. તેઓ તેમની કંપનીમાં વિદેશમાંથી દવાઓને લાગતો કાચો માલ મગાવીને તેમના પર પ્રોસેસ કરીને તેનું બજારમાં વેચાણ કરે છે. ઓગસ્ટ-2019માં તેમણે ચાઈનાની બ્રાઈટ જિની બાયોમેડિકલ ટેક્નોલોજી કંપની લિમિટેડમાંથી દવાઓને લાગતો કાચો માલ મંગાવ્યો હતો. આ કંપનીના ભળતા મેઈલ એડ્રેસ પરથી તેમના મેઈલ એડ્રેસ પર તેમણે મંગાવેલી દવાઓને લગતા માલ-સામાનના ચૂકવણી અંગે ઉઘરાણી કરી હતી. જેથી નરેશકુમાર દ્વારા સામાનની ચૂકવણી પેટે તેમની બેન્કમાંથી મેઈલમાં જણાવેલ બેન્ક ખાતામાં 31,600 ડોલર જમા કરાવ્યા હતા. આ રકમ જમા કરાવ્યા બાદ ચાઈનાની કંપની સાથે વાત કરી હતી કે, નાણાં મળી ગયા? જેથી કંપનીએ જણાવેલ કે અમે કોઈ મેસેજ કર્યો નથી, કોઈએ તમારો મેસેજ હેક કરીને ભળતા મેઈલ એડ્રેસ પરથી મેસેજ કર્યો છે. જેથી નરેશભાઈએ તેમના ખાતામાં તપાસ કરતાં તેમણે જમા કરાવેલ ડોલરમાંથી 25,600 ડોલરની રકમ ઉપડી ગઈ હતી. જેથી તેમણે બાકી રહેલા 6296 ડોલરની રકમ બ્લોક કરાવી દીધી હતી. તેમણે જમા કરાવેલા ડોલરમાંથી 25,600 ડોલર લંડનની બાર-કલે બેંકમાં જમા થયેલ હોવાનું જણાયું હતું. આથી તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી છે.