છાપી, તા.૨૮
વડગામ તાલુકાના ભાંગરોડીયાના વતની અને સીઆરપીએફમાં સુરક્ષાકર્મી તરીકે ફરજ બજાવતા ફલજીભાઈ સરદારભાઈ ચૌધરીનું ગુરુવારે મહારાષ્ટ્રના નાગપુર પાસે માર્ગ અકસ્માતમાં કરુંણ મોત નિપજતા વડગામ તાલુકામાં વીર શહીદને લઈ શોક છવાયો હતો. જ્યારે શુક્રવારે શહીદને પોતાના વતન ભાંગરોડીયામાં ગાર્ડ ઓફ ઓનર સાથે અશ્રુભીની આંખે અંતિમ વિદાય આપવામાં આવી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ મહારાષ્ટ્રના ચન્દ્રપુર-નાગપુર વચ્ચે હાઇવે ઉપર પૂર્વ કેન્દ્રીય મંત્રી હંસરાજ આહીરનો કાફલો પસાર થઈ રહ્યો હતો.તે દરમિયાન સુરક્ષા કાફલામાં તૈનાત સુરક્ષા કર્મીઓના વાહન સામે કાલમુખી ટ્રક ઘુસી જઇ સુરક્ષાકર્મીઓના વાહન સાથે જોરદાર અથડાતાં ઘટના સ્થળે સુરક્ષા કર્મી ફલજીભાઈ સરદારભાઇ ચૌધરી રહે. ભોગરોડીયા, તા.વડગામ સહિત ડ્રાઇવરનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે ચારથી પાંચ સુરક્ષકર્મીઓ ઘાયલ થયા હતા. આ ઘટનાના સમાચાર વાયુવેગે તાલુકામાં પ્રસરતા સમગ્ર તાલુકામાં શોકની કાલીમાં છવાઈ ગઈ હતી. શહીદ વીર જવાનના મૃતદેહને શુક્રવાર બપોરે અંતિમ ક્રિયા માટે વતન ભાંગરોડીયામાં લાવવામાં આવતાં શહીદના દર્શન કરવા હજ્જારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી વીર શહીદ અમર રહોના નારાથી અંતિમ વિદાય આપવામાં આવી હતી. શહીદની અંતિમ ક્રિયામાં સીઆરપીએફના ઓફિસરો છાપી પોલીસ સહિત જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓર્નર આપી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. જ્યારે શહીદની અંતિમ યાત્રામાં તાલુકાના રાજકીય આગેવાનો વિવિધ સમાજના અગ્રણીઓ પણ જોડાઈ શ્રદ્ધાંજલિ આપી હતી.