પાલનપુર, તા.12
દાંતાના ગુગરમાળ ગામે 16 જુલાઈ 2017એ ચાર શખ્સોએ ભાઈને મારતાં બચાવવા ગયેલા સગા ભાઈને લાકડી તેમજ ધોકાનો માર મારી હત્યા કરી હતી. જે કેસ પાલનપુરની સેશન કોર્ટે બે વર્ષ બાદ શુક્રવારે હત્યારાઓને આજીવન કેદની સજા ફટકારી હતી.
દાંતાના ગૂગરમાળ ગામે 16 જુલાઈ 2017એ સાંજે છ વાગ્યે બળદ લઇ ઘર તરફ જતાં લલિતભાઇને 4 શખ્સોએ ”અમારૂ ખેતર છોડીને જતો રહે” તેવું કહી લાકડી તેમજ ધોકા વડે હુમલો કર્યો હતો. લલિતભાઇએ બૂમાબૂમ કરતા તેમના ભાઇ ભરતભાઇ તેમજ તેમની માતા ઉજળીબેન તેમજ ભરતભાઈની પત્ની લલિતભાઇની બૂમાબૂમ સાંભળી દોડી આવ્યા હતા. તે સમયે 4 શખ્સોએ લલિતભાઇ સહિત તેમના ભાઇ ભરતભાઇ તેમજ તેમની માતા અને ભાભીને માર માર્યો હતો.
ભરતભાઇને લાકડી તેમજ ધોકા વડે માર મારતાં ગંભીર ઇજા થતાં મોત નીપજ્યું હતું. જે બાબતે 17 જુલાઈ 2017એ મૃતક ભરતભાઈની માતા ઉજળીબેન અનાભાઇ ગમારએ દાંતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જે કેસ પાલનપુરની સેશન કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ સી જી રાજપૂતની દલીલોને પગલે જજ વી.બી. ગોહિલએ ભરતભાઇની હત્યા મામલે 4 હત્યારાઓને શુક્રવારે આજીવન કેદની સજા ફટકારીને દંડની જોગવાઈ કરતા પંથકમાં ચકચાર મચી હતી.
આ કેસમા સરકારી વકીલ દ્વારા 20 સાહેદોની જુબાની લેવાઇ હતી. ઉપરાંત તપાસ કરનારા અધીકારી દાંતા પીએસઆઇ બી.કે. ગૌસ્વામીએ ગુનાની ગંભીરતા જોતા તટસ્થ તપાસ કરી આરોપીઓ વિરૂધ્ધ પુરતા પુરાવા એકત્રીત કર્યા હતા. જે સજાના કામે ઉપયોગી થયા હતા.