ભાજપના આશા પટેલ ઊંઝા શહેરમાં એક પણ સાભા કરી શક્યા નહીં, કાર્યાલય બંધ કરાવી દેવાયું  

ગરમ મસાલાનું વિશ્વનું સૌથી મોટું બહાર જ્યાં આવેલું છે તે ઊંઝા રાજકીય મસાલા સાથે ગરમ બની ગયું છે. પક્ષપલટો કર્યો હોવાથી લોકોનો ભારે રોષ આશા પટેલ સામે ઊંઝામાં થઈ રહ્યો છે. 3000 ભાજપના કાર્યકરોએ આશાને હરાવવા માટે ઊંઝામાં પ્રતિજ્ઞા લીધા બાદ સ્થિતી અત્યંત સ્ફોટક બની ગઈ છે. ગંભીર બાબત એ છે કે આશા પટેલ ઊંઝા શહેરમાં એક પણ જાહેર સભા ભરી શક્યા નથી. તેઓ સભાનું આયોજન કરે છે અને પડતું મૂદી દેવું પડે છે. ઊંઝાના લોકો આશા પટેલને હવે જોવા કે સાંભળવા તૈયાર નથી. તેઓ આશા પટેલને ઘરભેગા કરવા માટે તમામ તૈયારી કરી ચૂક્યા છે.

કાર્યાલય બંધ કરાવી દીધું

ઊંઝા પાટણ રોડ પર આશા પટેલે ભાજપનું કાર્યાલય શરૂં કર્યું હતું. જે લોકોએ બંધ કરાવી દીધું છે. ભાજપના લોકો અને ઊંઝાના સામાન્ય લોકોએ ભાજપના આ કાર્યાલય શરૂં થતાં જ બંધ કરાવવા પહોંચી ગયા હતા. આશા પટેલ અને તેમની સ્નેહી ભાજપના નેતા કે સી પટેલનો હુરીયો બોલાવીને કાર્યાલય ખાતે સતત વિરોધ થતો હતો. લોકોએ આશા પટેલને કહી દીધું છે કે, તમારો પગ ઊંઝા શહેરમાં મૂકશો તો જોવા જેવી થશે. તેથી અમે કાર્યાલય પણ બંધ કરાવીએ છીએ. ઊંઝામાં 2.11 લાખ મતદારોમાંથી 75 હજાર કડવા પાટીદાર મતદાર છે. 49 હજાર ઠાકોર છે. 16 દલિત અને 16 હજાર મુસ્લિમ છે. તેમાંથી તમામ મતદારો આશા પરેલથી નિરાશ છે. તેથી લોકો તેમનો સતત પીછો કરતાં રહે છે અને પ્રચાર કરવા જાય ત્યાં વિરોધ કરે છે.

આશાની આશા ઠગારી નિકળી

આશા પટેલ ઘણી આશાઓ લઈને લોકો સાથે દ્રોહ કરીને પક્ષપટો માર્યો હતો. સત્તા મેળવવા ગયેવલા આશા પટેલ ઊંઝામાં ભારે આફતમાં છે. તેઓ એકલા પ્રચારમાં ક્યાંય નિકળી શકતા નથી. મહેસાણા લોકસભાના ભાજપના ઉમેદવાર શારદા પટેલને આગળ કરીને તેઓ ગામોમાં જાય છે. પણ લોકો આશા પટેલને બોલવા દેતા નથી. આશા પટેલ જેવા બોલવા ઊભા થાય તેની સાથે લોકો વિરોધ ચાલુ કરી દે છે. તેમની સામે સૂત્રો પોકારે છે. તેથી તેમને ભાષણ આપવા દેવામાં આવતું નથી. તેને બેસાડી દેવામાં આવે છે. ટુંડાઉ ગામ, ત્રાસવાડા જેવા અનેક ગામોમાં આવી ઘટના બની છે.

આશાને પોલીસ પર આશા

આશા પટેલ સામે વિરોધ એટલો વ્યાપક છે કે, નેતીએ પોલીસ રક્ષણ સાથે ગામમાં જવું પડે છે. 7 જેટલી ગાડી સાથે પોલીસ તેમની સાથે જાય છે અને તેઓ ગામમાં પ્રવેશ કરવા પ્રયાસ કરે છે. જો શારદા પટેલ સાથે હોય તો ગામમાં જઈ શકે છે નહીંતર તેઓ પ્રવેશ કરી શકતાં નથી. તેમને ભગાડી મૂકવામાં આવે છે.

આશાનો સાથ છોડી દેતાં તેના જ કાર્યકરો

ભાજપની નેતી અને પૂર્વ ધારાસભ્ય આશા પટેલના પક્ષપલટા વખતે ભાજપમાં જોડાયેલા ઊંઝા તાલુકા પંચાયતના કોંગ્રેસના તમામ 13 સભ્યોએ આશા પટેલનો સાથ છોડીને તેઓ ફરી કોંગ્રેસમાં જતાં રહ્યાં છે. જેથી ઊંઝા તાલુકા પંચાયતમાં ફરી કોંગ્રેસના પ્રમુખ બનશે. આશા પટેલના રાજીનામા બાદ કોંગ્રેસના બળવાખોરોએ ઊંઝા તાલુકા પંચાયતમાં ભાજપની વિચારધારાવાળા અપક્ષ પ્રમુખની નયુક્તિ કરી હતી. ઊંઝા તાલુકા પંચાયતમાં કોંગ્રેસના 13 સભ્યો અને ભાજપના એક અને અપક્ષના 4 સભ્યો ચૂંટાયા હતા.

આશા પટેલ ઊંઝામાં જીતી શકે તેમ ન હોવાનું જણાતાં આ પક્ષપલટુઓએ ફરી કોંગ્રેસ તરફ પ્રયાણ કરી દીધું છે. ઊંઝામાં આશા પટેલ સામે ભારે વિરોધ થઈ રહ્યો છે.