ભાજપના ઈસનપુરના કોર્પોરેટર પુલકીત વ્યાસ ફરી વિવાદમાંઃ રૂપિયા લેતો કથિત વિડીયો વાઈરલ થતા ચકચાર

અમદાવાદ,તા.૨૩
ભાજપના અમદાવાદના ઈસનપુર વોર્ડના કોર્પોરેટર પુલકીત વ્યાસનો રૂપિયા લેતા કથિત  વિડીયો વાઈરલ થતા ભાજપના નેતાઓને મોં સંતાડવાની નોબત આવી છે.આ અગાઉ આજ કોર્પોરેટર એલ.જી.હોસ્પિટલ પાસે મ્યુનિસિપલ કોર્પોરેશન એસ્ટેટ વિભાગ દ્વારા દબાણો દૂર કરવામાં આવી રહ્યા હતા.એ સમયે પુલકીત વ્યાસે નશાની હાલતમાં હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ અપશબ્દો કહ્યા હતા.આ વિડીયોમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી અને કોંગ્રેસના નેતાના નામ પણ બોલાતા હોઈ ભાજપ અને કોંગ્રેસ માટે આ કથિત વિડીયોએ ચકચાર મચાવી છે.આ ઘટના બાદ ભાજપના કોર્પોરેટર ભુગર્ભમાં ઉતરી ગયા છે.નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલની મળેલી પ્રતિક્રીયામાં આ ઘટનાની તપાસ કરાશે.જા સાચી વાત હશે તો પક્ષ શિસ્તભંગના પગલા લેશે. ભાજપ કયારેય આવી વિચારધારા સાથે સહમત નથી.
ભાજપના ઈસનપુર વોર્ડના કોર્પોરેટર પુલકીત વ્યાસે તેમના વિસ્તારમાં થઈ રહેલા ગેરકાયદેસર બાંધકામ સામે બાંધકામ ન તોડવા દેવા માટે રૂપિયાની માંગણી કરી હતી.આ ઘટનાનો જે કથિત વિડીયો વાઈરલ થયો છે.એમાં પુલકીત વ્યાસને બાંધકામ કરનાર તરફથી રૂપિયા દસ હજાર આપવાની વાત કરવામાં આવે છે.પુલકીત વ્યાસ સામે કહે છે,દસ હજારમાં શું થશે?ચોમાસામાં ત્રણ મહીના બાંધકામને કાંઈ નહીં થવા દઉ.તમે બરંડા(અધિકારી) અને પથિકને સાચવી લેજો .આ પછી સામેની વ્યકિત એમ કહે છે,દાદા હમણાં દસ રાખી લો.બાદમાં પુલકીત વ્યાસ રકમ સ્વીકારતા હોય એવુ નજરે પડે છે.આ કથિત વિડીયોમાં પુલકીત વ્યાસે કોંગ્રેસના નેતાના નામનો પણ ઉલ્લેખ કર્યો છે.આ કથિત વિડીયો યુ-ટયુબ સહીતના સોશિયલ મિડીયામાં વાઈરલ થતા પુલકીત વ્યાસનો મોબાઈલ બંધ થઈ ગયો હતો.ભાજપના એકપણ નેતા આ કથિત વિડીયો મામલે ટીપ્પણી આપવાની સ્થિતિમાંજ  નથી.કોંગ્રેસના મંત્રી રાજેશ સોની અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સાથે પણ ગોઠવી આપવાની વાત કરાઈ છે.
આ અગાઉ વર્ષ-૨૦૧૫-૧૬માં એલ.જી.હોસ્પિટલ કોર્નર પાસે દક્ષિણઝોન એસ્ટેટ દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવી રહ્યા હતા.એ સમયે ભાજપના આ કોર્પોરેટર ઘટના સ્થળે નશાની હાલતમાં પહોંચ્યા હતા.જયાં તેમણે સ્ટાફ સાથે અભદ્ર વર્તન કરવાની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે પણ અશોભનીય શબ્દોનો પ્રયોગ કર્યો હતો.એ સમયે પણ વિડીયો વાઈરલ થયો હતો.બાદમાં પુલકીત વ્યાસે ભાજપના નેતાઓની માફી માંગી લેતા વિવાદ પર ઠંડુ પાણી રેડી દેવામાં આવ્યુ હતુ.આ નવેસરથી વાઈરલ થયેલા વિડીયો બાદ કોર્પોરેટર ભૂગર્ભમાં ઉતરી ગયા છે.