કોડિનારમાં આવેલા ભુવાટીંબી ગામે લોક ડાયરામાં મોટી સંખ્યામાં લોકો સાંભળવા માટે આવ્યા હતા. જે સમયે ડાયરો શરૂ થવા જઈ રહ્યો હતો, ત્યારે જુનાગઢ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા ડાયરામાં હાજરી આપવા માટે આવ્યા હતા. રાજેશ ચુડાસમાની ડાયરામાં હાજરી હોવાના કારણે લોકોના રોષ જોવા મળ્યો હતો. જેના કારણે લોકોએ એકઠાં થઈને રાજેશ ચુડાસમાનો વિરોધ કર્યો હતો. ભારે ઉહાપોહ મચી જવાના કારણે રાજેશ ચુડાસમાને ડાયરો છોડીને ભાગવું પડ્યું હતું.
ચૂંટણી પ્રચારને લઇને રાજેશ ચુડાસમા પોતાના મત વિસ્તારમાં આવેલા માંગરોળના એક ગામમાં ગયા હતા અને તેઓ જ્યારે ગામ લોકોને સંબોધી રહ્યા હતા ત્યારે ગામ લોકો રોષે ભરાયા હતા અને સાંસદ રાજેશ ચુડાસમાને કહ્યું હતું કે, તમે ચૂંટણી સમયે જ દેખાવો છો અને ચૂંટણી પતિ ગયા પછી તમે દેખાતા જ નથી. આ સાથે ગામના લોકોએ ગામમાં નિર્માણ પામી રહેલી ગૌ શાળા મુદ્દે પણ સવાલો ઉઠાવ્યા હતા. ત્યારે ગામ લોકોએ પૂછેલા એક પણ સવાલોના જવાબ સાંસદ રાજેશ ચુડાસમા આપી શક્યા ન હતા.
કોડીનાર તાલુકાના ભુવાટીંબી ગામમાં નકુલ પરિવારના કુળદેવી ભુવડધામ ખાતે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં લોકોએ સોડા બોટલો ફેંકીને ચૂડાસમાને હાંકી કાઢ્યા હતા. મોટી સંખ્યામાં ઉપસ્થિત કારડીયા રાજપૂત સમાજના લોકોએ રાજેશ ચૂડસમાનો વિરોધ કર્યો હતો. રોષે ભરાયેલા લોકોએ હલ્લાબોલ કરતાં રાજેશ ચૂડાસમાને સ્થળ છોડીને ભાગી જવાની ફરજ પડી હતી. લોકો એટલા આક્રમક મુડમાં હતા કે તેઓને રોકવા માટે સ્ટેજ પર ઉપસ્થિત રાજપૂત સમાજના આગેવાને મા ભવાનીના સોગંદ આપી લોકોને રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ સાથે જ તેને કહ્યું કે રાજપૂતોને આવું શોભા ન દે. સંયમ રાખો રાજેશ ચૂડાસમાને અહીંથી ભગાડી દેવામાં આવ્યા છે. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાઈરલ થઈ રહ્યો છે.