ટ્રાફિકના નિયમોના ભંગ બદલ વાહન ચાલકો જ્યારે પોલીસના હાથે પકડાય છે ત્યારે પોતે રાજકીય પક્પાષના કાર્યકર હોવાનું કહીને હું આ નેતાને ઓળખું છું તેમ કહીને નેતાઓને ફોન કરીને પોતાનો રુઆબ જમાવતા હોય છે. આવું ભાજપના કાર્યકર્તાઓ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરે છે અને જ્યારે ટ્રાફિક પોલીસ તેમને ઝડપીને તેમની પાસેથી દંડ વસૂલે છે ત્યારે તેઓ મને ફોન કરીને ટ્રાફિક પોલીસ સામે રુઆબ જમાવે છે, તેવી કબુલાત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ખુદ કરી છે અને સાથે સાથે આવા કાર્યકર્તાઓને સલાહ પણ આપી કે, આવી નાની-નાની બાબતોમાં મને ફોન ન કરે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, અમારા ઘણા કાર્યકર્તાઓ એવા હોય જે ત્રણ કે ચાર સવારી જતા હોય છે, અને કહે કે, હું નીતિનભાઈનો ઓળખીતો છું, કડીનો છું, મહેસાણાનો છું પણ હું તો ક્યારેય તેને મળ્યો પણ ન હોઉં. ચાર સવારી જતા હોય, હેલ્મેટ પણ ન પહેર્યું હોય, સિગ્નલનો પણ ભંગ કર્યો હોય, ચાર-પાંચ ગુનાઓ ભેગા કર્યા હોય અને પછી ટ્રાફિકવાળા રોકે ત્યારે કહે હું કડીનો છું, મહેસાણાનો છું, ઉભા રહો નીતિનભાઈ સાથે વાત કરાવી દઉં. હું તેને ઓળખતો પણ ન હોઉં અને સીધો મને ફોન લગાવે. જેના કારણે પેલો જમાદાર પણ હેબતાઈ જાય કે, સાહેબને ફોન કરે છે. આવું ઘણા કરતા હોય છે પરંતુ, આવું કરનારાઓને હું બચાવતો નથી.