ભાજપના નેતાનો હત્યાનો આરોપી છબીલ પટેલ અમદાવાદ આવી શરણે થશે

ભાજપના નેતા જયંતિ ભાનુશાળીની હત્યા ભાજપના નેતા છબીલ પટેલે કરાવ્યા બાદ 2 જાન્યુઆરી વિદેેશ ભાગી ગયેલા  છબીલ પટેલ ઉપર પોલીસની ભીંસ વધતા તે ગુજરાત પોલીસના પગ પકડવા તૈયાર થયો છે. છબીલના પુત્ર સિદ્ધાર્થ પટેલની પોલીસે ધરપકડ કર્યા બાદ છબીલ હવે વિદેશથી આવવા તૈયાર થયો છે. અમેરિકામાં સંતાઈ બેઠેલા છબીલ પટેલે ભારત પાછા ફરવા માટે 14 માર્ચની વિમાનની ટિકિટ કરાવી લીધી છે. છબીલ પટેલ અમદાવાદ એરપોર્ટ ઉપર પહોંચે તેની સાથે તેમની ધરપકડ કરવામાં આવે એવી શક્યતા છે.

છબીલ પટેલે કાવતરું ઘડી જયંતિની સ્ત્રી મિત્ર મનીષા ગોસ્વામી અને તેના બોયફ્રેન્ડ ભાઉની મદદથી પુનાના બે ગેંગસ્ટરને જયંતિની હત્યા કરવાનું કામ સોંપ્યુ હતું. અમેરિકા જતાં રહ્યા બાદ 29મી જાન્યુઆરીની રિર્ટન ટિકિટ કરાવી હતી. જયંતિની હત્યામાં છબીલ પટેલનું નામ આવતા મસ્કતથી દોહા અને પછી અમેરિકા જતો રહ્યા હતો.

છબીલ અને તેનો પુત્ર સિદ્ધાર્થ પોલીસ શરણે આવવા માગતા હતા.  પણ તેની નજીકની વ્યક્તિ તેમને પોલીસ સામે હાજર થવા દેતી નહોતી. મનિષા અને ભાઉ છબીલ ઉપર સતત દબાણ કરતા હતા કે આખો મામલો છબીલ પટેલ પોતાની ઉપર લઈ લે અને આ પ્રકરણમાં મનિષા અને ભાઉની કોઈ સંડોવણી નથી તેવુ પોલીસ સામે પ્રસ્થાપિત કરે.

છબીલ પટેલની રેડકોર્નર નોટિસ જાહેર થઈ ગઈ હોવાને કારણે હવે તેઓ વિમાનમાં પ્રવાસ કરવા એરપોર્ટ ઉપર આવશે તેની સાથે જ ઈમિગ્રેશન વિભાગ પોલીસને તેની જાણકારી આપી દેશે.