ગાંધીનગર : ભાજપના નેતા ચીમન સાપરીયા જેના પ્રમુખ છે તે, જામજોધપુર વિવિધ કાર્યકારી સહકારી મંડળી દ્વારા હમણાં જ ખોલવામાં આવેલાં પેટ્રોલ પંપમાં ડીઝલ વેચાણમાં ગેરરીતિ, નિયમ વિરુધ્ધ વેચાણ, સરકારના વેરાની કરચોરી, સહકારી કાયદાનું ઉલ્લંઘન સહિતની બાબતોની રજૂઆત રાજ્ય સરકાર તેમજ અધિકારીઓ અને પ્રધાનોને વારંવાર કહેવા છતા કોઈ પગલાં ન લેવાતાં તાલુકાના પેટ્રોલ ડિલરો હડતાલ પર ઉતરેલા છે. ચીમન સાપરીયાના કારણે સમગ્ર ગુજરાતમાં એસ્સાર અને ભાજપ સરકારનું પેટ્રોલીયમ કૌભાંડ બહાર આવ્યું છે તેના કારણે ગુજરાતના સહકારી ધોરણે ખૂલેલા અસ્સારના તમામ પંપો તુરંત બંધ કરી દેવાની ભલામણ જામનગર કલેક્ટર કચેરી દ્વારા પુરવઠા અધિકારીએ કરી છે. ભાજપના જ એક નેતા તેની સરકારનું મોટું કૌભાંડ જાહેર કરવામાં નિમિત બન્ના છે.
ભાજપના સાસંદ પૂનમ માડમે સહકારી ડીઝલ –પેટ્રોલ પંપનું એસ્સાર સહકાર પંપ અને ગોડાઉનનું લોકાર્પણ કર્યું હતું તેમાં જ ગુજરાત સરકારના અહેવામાં કૌભાંડ જાહેર થયું છે. તે પણ ભાજપના પૂર્વ કૃષિ પ્રધાન ચીમન સાપરીયાની સહકારી સંસ્થામાં થયું છે.
સી.એમ.વાઘાણીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી જેમાં મંડળી ના પ્રમુખ ચીમનભાઈ સાપરીયાએ મંડળીની જમીન પર મંજૂર થયેલા ડીઝલ પંપની સાથે પેટ્રોલપંપ તેમજ સી.એન.જી. પંપ પણ ચાલુ કરવાની ચર્ચા કરી હતી. સીએનજી પંપ નું ભૂમિ પૂજન 16 ડિસેમ્બર 2019ના રોજ કરવામાં આવ્યું છે.
ચીમન સાપરીયા પ્રમુખ બન્યા
સહકારી મંડળીના 5 વર્ષના પ્રમુખ તરીકે ચીમન સાપરીયા અને ઉપપ્રમુખ તરીકે ગીરીશ ખાંટ 28 – 9 – 19ના રોજ ચૂંટાયા હતા. ચૂંટાતાની સાથે જ તેમણે સહકારી જમીન પર એસ્સારનો ગેરકાયદે પેટ્રોલ પંપ ઊભો કરીને કૌભાંડ કર્યું હતું.
વિધાનસભામાં વિરોધ
ચીમન સાપરીયા સામે ધારાસભ્ય ચિરાગ કાલરિયાએ આ મામલે વિધાનસભામાં પ્રશ્ર્ન ઉઠાવતા સહકાર પ્રધાને કબૂલ્યું હતું કે, મંડળીના કાયદા-પેટા કાયદામાં આવી કોઈ મંજૂરી આપવામાં આવી નથી. જેનો મતલબ એ કે, સહકારી મંડળીઓ દ્વારા ચલાવાતા એસ્સારના પંપ ગેરકાયદે ચલાવી રહ્યો છે.
ચીમનસાપરીયાનું એસ્સાર પંપ કૌભાંડ શું છે
સહકારી સંસ્થાના કર્મચારીઓ માટે જ અહીંથી ડીઝલ આપવાનું હતું પણ તમામ વાહનોમાં રૂ.2નું સસ્તું ડીઝલ આપવાનું શરૂ કર્યું હતું. 17 ડિસેમ્બર 2019ના રોજ ગાંધીનગરથી અન્ન અને નાગરિક પુરવઠા નિયામકે જામનગરની નાયરા એનર્જી લીમીટેડ (એસ્સાર ઓઈલ લી.)ને પત્ર લખીને સ્પષ્ટ કહ્યું કે સહકારી મંડળી ક્ષેત્રમાં બલ્ક પેટ્રોલ ડીઝલ વેંચવાની મંજૂરી અમે આપી નથી. તેથી ખોટી રીતે લોકોને તમે ડીઝલ વેંચી રહ્યાં છો. માત્ર સહકારી કચેરીના કર્મચારીઓને જ સસ્તું ડીઝલ આપી શકો, બધા લોકોને નહીં. એ શરતે છુટક મંજૂરી આપવામાં આવી છે. સરકારે મૂકેલી શરતનો ભંગ કર્યો છે. એસ્સાર કંપનીને કાર્યવાહી કરવા આ અધિકારીએ કહ્યું હોવા છતાં કોઈ પગલાં ભરાયા નથી. હલતાલમાં કાયદો અને વ્યવસ્થાની જવાબદારી કંપનીની રહેશે એવી સ્પષ્ટ આદેશ સરકારી કચેરીએ આપ્યો છે.
બિલ આપવામાં આવે છે પણ તેમાં ક્યારેય ભાવ લખવામાં આવતો નથી. એસ્સાર કંપનીને સરકારે માર્કેટીગના અધિકારો આપેલા છે તે પરત ખેંચી લેવા માટે અધિકારીએ કહ્યું છે.
ગંભીર બાબાત તો એ છે કે, કંઝુમર પંપ જામજોધપુરની સહકારી સંસ્થાને આપવામાં આવેલો છે જેમાં જાન્યુઆરીથી ઓગસ્ટ 2019 સુધી 40 કીલો લીટર ડીઝલ વેચેલું છે, બલ્ક વેચી ન શકે, કારણ કે બલ્ક આઈટ લેટ માટે મંજૂરી નથી. સહકારી સંસ્થાના કર્મચારીઓના વાહનોમાં જ ડીઝલ આપી શકાય, બીજાને નહીં છતાં આપવામાં આવે છે.
એસ્સારના તમામ પેટ્રોલ પંપ બંધ કરવા સૂચના
વેટની ચોરીની તપાસ કરવામાં આવી છે. અધિકારીઓએ એસ્સાર પાસેથી માહિતી માંગી તો તે પણ આપી નથી. જામનગરના જિલ્લા પુરવઠા અધિકારીએ સ્પઠ લખ્યું છે કે, સરકારને મોટું નાણાકીય નુકસાન થયું છે. સમગ્ર રાજ્યમાં બલ્ક આઉટલેટ મોડેલ સહકારી ક્ષેત્રે ખોલવામાં આવેલા છે તે તુરંત બંધ કરી દેવામાં આવે.
ચોરી પર સીના ચોરી, પડકાર ફેંક્યો
સાપરીયાની જામજોધપુર વિવિધ સહકારી મંડળીએ કાલરીયાને પડકાર ફેંક્યો હતો કે, આ પંપ પરથી કોઈ ગેરરીતિ કરવામાં આવતી નથી. કોઈ વેટ ચોરી થતી નથી. ખેડૂતોને નિયમોનુસાર રાહત દરે ગુણવત્તાયુક્ત ડિઝલનું વેચાણ કરવામાં આવે છે. તેમ છતાં કોઈને પણ જાહેરમાં ચર્ચા કરવા પડકાર છે.
ચીમન સાપરીયા પ્રમુખ ચૂંટાયા
12 સપ્ટેમ્બર 2014માં જામજોધપુર, વસંતપુર, મહીકી, મેલાણ, અમરાપર, પરડવા, આંબરડી મેવાસાની જૂથ મંડળી જામજોધપુર વિવિધ કાર્યકારી સહકારી મંડળી લી.ની ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટીના નેતા પૂર્વ ધારાસભ્ય ચીમન સાપરીયાની પેનલ બિનહરીફ જાહેર થઇ હતી. જેમાં ખેડૂત તળપદ વિભાગમાં ચિમન સાપરીયા, નરેન્દ્ર કડીવાર, નંદલાલ ભાલોડીયા, પોલા કાંજીયા, ભીખા સિણોજીયા, પંકજ દેલવાડીયા, અશોક વાછાણી, ભીખા ખાંટ, જેન્તી જાવિયા, ગીરીશ ખાંટ, મોહન સાપરીયા, -ગ્રામ્ય અરવિંદ રામોલીયા, દેવા પરમાર, જેરામ સુખા, વિઠ્ઠલ સોંદરવા બિનહરીફ થયા હતા. મતદારો, આગેવાનો અને ખેડૂતોનો ચીમન સાપરીયા દ્વારા જાહેર આભાર વ્યકત કરવામાં આવ્યો અને આગામી ત્રણ વર્ષ માટે ખેડૂત હિતના કામનો અનુરોધ કર્યો હતો અને તેમણે જ ખેડૂતોની મગફળીમાં કૌભાંડ કર્યા હતા.
શું છે ચીમન સાપરીયાનું મગફળી કૌભાંડ
ચીમન સાપરીયાનો મગફળી કૌભાંડનો પર્દફાશ કોંગ્રેસના ધારાસભ્ય ચીરાગ કાલરીયાએ માર્કેટીંગ યાર્ડમાં કર્યો હતો. ભાજપનું પહેલું કૌભાંડ તેમણે પકડ્યું હતું. તેમાં તસવિરો અને વિડિયો ઉતારીને પુરાવા મેળવ્યા હતા. તેમણે જાતે રેડ પાડી હતી. કૌભાંડમાં તમામ પૂરાવા કાલરીયા પાસે હોવા છતાં સરકારે આજ સુધી તેમના નેતા ચીમન સાપરીયા સામે પગલાં લીધા નથી.
આ અંગે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ જે તે સમયે જાહેર કર્યું હતું કે, ગુજરાતમાં રૂ.4,000 કરોડનું કૌભાંડ થયું તેમાં ભાજપના કાર્યકરો મોટાપાયે સંડોવાયેલા છે. ત્યારે પૂર્વ કૃષિ પ્રધાન જામજોધપુરની વિવિધ કાર્યકારી સેવા સહકારી મંડળીમાં પ્રમુખ કરીતે ચીમન સાપરીયા છે. તે સહકારી મંડળીમાં 73,000 બોરી મગફળી જામજોધપુરના દરેક ગામના ખેડૂતોની ખરીદવામાં આવી હતી. તે કોથળામાં ઘટ રાખીને જામજોધપુરના તમામ ગામના ખેડૂતોને છેતરવામાં આવ્યા હતા. મઘફળીમાં પાછળથી માટી અને કાંકરા ભરી દેવાયા હતા. છતાં ચીમન સાપરીયા અને મંડળીમાં સંડોવાયેલાં ભાજપના કાર્યકરોને કેમ જેલમાં પૂરવામાં આવતાં નથી. જ્યારે સરકાર હરીપર સેવા મંડળીમાં પણ હાલના કૃષિ મંત્રી રણછોડ ફળદુના સગાસબંધીઓ સંડોવાયેલાં છે એવું ખેડૂતો પણ કહી રહ્યાં છે. તેથી મારી માંગણી છે તે તેની તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવે. જોડીયામાં કાગળ પરની મંડલીઓને મગફળી ખરીદવાની મંજૂરી આપી દેવામાં આવી હતી. તેમ ધાનાણીએ જાહેર કર્યું હતું.
કૌભાંડમાં બચાવી લેવાયા
મોટી ધણેજ સહકારી મંડળીની 31,685 પેઢલા ગામમાં જયશ્રી ઇન્ટરનેશનલના ગોડાઉનમાં રહેલી મગફળીમાં નબળી મગફળી અને તેમાં માટી અને ઢેફા મેળવવાના કૌભાંડનો જીએસટીવીએ પર્દાફાશ કર્યો હતો. આ જ ગોડાઉનમાં મોટી ધણેજની સાથોસાથ જામજોધપુરની વિવિધ કાર્યકારી સેવા સહકારી મંડળીની 73,454 ગુણી મગફળી હતી. જેના પ્રમુખ રાજ્યના પૂર્વ કેબિનેટ પ્રધાન ચિમન સાપરીયા છે. પરંતુ કાર્યવાહી દરમિયાન ફક્ત મોટી ધણેજ સહકારી મંડળીના હોદ્દેદારોને જ જેલના સળિયા પાછળ ધકેલાયા છે. જામજોધપુર મંડળીના ચીમન સાપરીયા કે સભ્યો સામે કોઇ પ્રાથમિક તપાસ પણ હાથ નથી ધરાઇ. જામજોધપુર મંડળીના સભ્યોને કોણ છાવરી રહ્યું છે.
કોણ છે ચિમન સાપરીયા ?
ચિમન સાપરીયા જામજોધપુરના જ વતની છે, બી.કોમ.નો અભ્યાસ કરીને ખેતી અને વેપાર સાથે સંકળાયેલા છે. 1980થી ભારતીય જનતા પાર્ટીમાં છે. 40 વર્ષથી રાજકારણમાં છે. રાજકીય, સામાજિક, ધાર્મિક અને શૈક્ષણિક સંસ્થાઓમાં મહત્વના સ્થાને રહીને બીજાને ક્યારેય આગળ આવવા દીધા નથી. નરેન્દ્ર કડીવાર તેમના હરીફ હોવાથી તેમને ટિકિટ અપાવવા દીધી નથી.
જામજોધપુર તાલુકા પંચાયતના પ્રમુખ હતા. નગરપાલિકાની શિક્ષણ સમિતિના અધ્યક્ષ, સરદાર પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ, ગૌસેવા મંડળ ટ્રસ્ટ, જામજોધપુર માર્કેટ યાર્ડ, કડવા પાટીદાર કુળદેવી ઉમિયા માતાજી સીદસર, કડવા પાટીદાર સેવા સમાજ જામજોધપુર અને ગાયત્રી પ્રજ્ઞાપીઠ જામજોધપુરમાં રહ્યા છે. 1995થી 2007 સુધી ધારાસભ્ય રહ્યાં પણ વિધાનસભામાં જામજોધપુરની પ્રજાને માટે કંઈ કર્યું નહીં. 1999થી 2002 સુધી કેશુભાઈ પટેલ અને મોદીના ગુજરાત રાજયના માર્ગ અને મકાન મંત્રીપદે રહ્યાં હતા.
આ રહ્યા પુરાવા
મૂળ કેશુભાઈ જૂથના પછી સત્તા માટે પલટી મારી
તેઓ કેશુભાઈ જૂથના માણસ હતા પછી પલટી મારી હતી. ગોરધન ઝડફિયા અને ધીરૂ ગજેરાની આગેવાનીમાં તેઓએ મોદી સામે બળવો કરીને ગાંધીનગરની બેઠકમાં હાજર હતા. 2016માં રાજયના કૃષિ અને ઉર્જા પ્રધાન હતા. પણ તેમણે ખેડૂતો માટે કંઈ ન કર્યું કે ઊર્જા માટે કંઈ ન કર્યું. તેથી તેઓ 2017માં લોકોએ તેમને હરાવી દીધા અને દારુના અડ્ડા બંધ ન કરાવે ત્યાં સુધી ફરીથી નહીં ચૂંટવાના અહીંના લોકોએ શપથ લીધા છે. લોકો માંગણી કરી રહ્યાં છે કે જામજોધપુરના ભાજપના તમામ નેતાઓની નામી અને બે નામી મિલકતોની તપાસ થવી જોઈએ.