ભાજપના નેતાઓની લડાઈમાં અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની હત્યા થઈ હતી. આ હત્યા ભાજપના જ નેતા અને પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલે કરાવી હોવાની ફરિયાદ નોંધાતા છબીલ પટેલ ફરાર થઈ ગયા છે. આ કેસની તપાસ કરી રહેલા ખાસ તપાસ દળે બે ભાડૂતી મારાઓ સહિત કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. દરમિયાનમાં રઘવાઈ ગયેલા છબીલ પટેલે સાક્ષીઓને સમજાવવા માટે પોતાના બે સ્વજનો અને કચ્છના એક પત્રકારને કામ સોપ્યું હતું. આ અંગે ખાસ તપાસ દળને જાણ થતા છબીલના બે સ્વજન અને પત્રકારને પોલીસે ઉપાડી લીધા છે. સંભવ છે કે સાંજ સુધી છબીલ પટેલના નજીકના સ્વજનની પોલીસ ધરપકડ કરે જ્યારે પત્રકારને સાક્ષી તરીકે કેસમાં જોડી દેવામાં આવે.
સયાજી એક્સપ્રેસમાં પ્રવાસ કરી રહેલા જયંતિ ભાનુશાળીની હત્યા બે ભાડૂતી મારાઓ દ્વારા જાન્યુઆરી મહિનામાં કરવામાં આવી હતી. આ મામલે ભાનુશાળીના પરિવાર દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવી જેમાં છબીલ પટેલ, મનિષા ગોસ્વામી સહિત કુલ પાંચ આરોપીઓ સામે શંકા દર્શાવવામાં આવી હતા, પરંતુ છબીલ પટેલ હત્યા પહેલા ભારત છોડી નીકળી ગયા હતા. પોલીસને જાણકારી મળી કે વિદેશમાં બેઠેલા છબીલ પટેલ ગુજરાત અને ભારતમાં અનેક લોકો સાથે સંપર્ક કરી પોલીસની તપાસ કઈ દિશામાં જઈ રહી છે, તેની જાણકારી મેળવી રહ્યા છે. છબીલ પટેલનો ઈરાદો સમગ્ર પ્રકરણની જવાબદારી પોતાના માથે લઈ બાકીના આરોપીઓને કેસની બહાર રાખવાનો પ્રયાસ કરી રહ્યા હોવાની જાણકારી પોલીસને મળી હતી.
આ દરમિયાન પોલીસના ધ્યાનમાં આવ્યું કે છબીલ પટેલે ફોન કરી કચ્છના પત્રકાર મીઠુ ચૌહાણને સુચના આપી હતી કે તે આ કેસના મહત્ત્વના સાક્ષી અને જયંતિ ભાનુશાળી સાથે કોચમાં મુસાફરી રહેલા પવન મૌર્યના ઘરે પોતાના ભત્રીજા પિયૂષ પટેલ અને વેવાઈ રસીક પટેલને લઈ જાય. છબીલ પટેલની સુચના પ્રમાણે પત્રકાર ચૌહાણ પિયૂષ અને રસીકને લઈ સાક્ષી પવન મૌર્યના ઘરે ગયો હતો. પોલીસ દ્વારા આ જાણકારીના આધારે પત્રકાર ચૌહાણ અને છબીલના બંને સંબંધીઓને ઉપાડી લેવામાં આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યુ છે.
પત્રકાર ચૌહાણને પોલીસને જણાવ્યું હતું કે છબીલ પટેલે ફોન દ્વારા સુચના આપી હતી કે તેમનો ભત્રીજો પિયૂષ અને વેવાઈને રસીક પટેલને લઈ તારે પવન મૌર્યના ઘરે જવાનું છે. પોલીસે ચૌહાણને કયા કારણસર તેઓ મૌર્યના ઘરે ગયા હતા તે અંગે પૂછ્યું ત્યારે તેણે પોલીસને જણાવ્યું હતું કે કયા કારણસર પિયૂષ અને રસીક મૌર્યને મળવા માગતા હતા તે અંગે તે કઈ જાણતો નથી.
પોલીસે જ્યારે સાક્ષી મૌર્યના ઘરે જવાના કારણ અંગે પિયૂષ અને રસીકને પૂછ્યું ત્યારે તેઓ સ્પષ્ટ જવાબ આપતા નથી, પરંતુ તેમણે પોલીસને જણાવ્યું કે છબીલ પટેલની સુચનાને કારણે તેઓ સાક્ષી મૌર્યના ઘરે ગયા હતા અને મૌર્યની આર્થિક સ્થિતિ કેવી છે, તેનો તાગ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે પોલીસ માની રહી છે તેઓ સાક્ષીને ધમકાવવા અથવા લાલચ આપવા ગયા હતા. કારણ મૌર્ય મેજિસ્ટ્રેટ સામે નિવેદન આપશે તેવા ડરમાં તેમણે આ પગલુ ભર્યુ હતું. સૂત્રોની જાણકારી પ્રમાણે છબીલ પટેલના ભત્રીજા પિયૂષ પટેલ અને વેવાઈ રસીક પટેલની સાક્ષીને ધમકાવવા અને પુરાવાઓના નાશ કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવશે, જ્યારે પત્રકાર મીઠુ ચૌહાણને સાક્ષી બનાવવામાં આવે તેવી સંભાવના છે.