ભાજપના નેતા બાબુ બોખિરીયાના ડેરી કૌભાંડમાં વધું પૂરાવા બહાર આવ્યા

પોરબંદર જીલ્લા દૂધ ઉત્પાદક સંઘ સાથે ગેરકાનુની કરાર કરીને પોરબંદર સંઘના રૂ.12  કરોડ તથા ગેરેન્ટર બનીને બેંક મારફતે અપાવેલ રૂ.24 કરોડની લોનથી બનેલ કામધેનુ કંપનીના પ્લાન્ટની આડકતરી માલીકી વિજય રૂપાણીની સરકાર વખતના સહકાર મંત્રી બાબુ બોખીરીયાના પરીવારની હોવાના દસ્તાવેજો રજુ કરીને સદરહુ પ્લાન્ટને જપ્ત કરીને પોરબંદર સંઘને સોંપવા તથા નિયામક મંડળ તથા સહકાર મંત્રી બાબુ બોખીરીયા સામે કોન્કલીકટ ઓફ ઈન્ટરેસ્ટ તથા ઉચાપત સંદર્ભે ધરપકડ કરવાની કોંગ્રેસ દ્વારા માંગણી કરવામાં આવી છે.

એક રૂપિયાની મુડી રોકયા વગર, એક રૂપિયાની સંપત્તિ વગર, દુધ પ્રોસેસીંગના કોઈ અનુભવ વગર, પોરબંદર દૂધ સંઘના પેટા નિયમોની જોગવાઈ વિરૂધ્ધ, સહકારી કાનુનની વિરૂધ્ધ, અમુલની મંજુરીની વિરૂધ્ધ પોરબંદર દૂધ સંઘે કામધેનુ એન્ટરપ્રાઈઝ નામની કંપની સાથે 20 વર્ષના કરાર કરીને રૂ.35 કરોડની કિંમતનો પ્લાન્ટ ઉભો કરનાર કામધેનુના સાચા ભાગીદારોએ તો મુડીરોકાણ કે લોન ભરવાની ગેરેંટી આપવા માટે સક્ષમ હતા જ નહીં.

બાબુ બોખિરીયાના પૂત્રોનું કૌભાંડ

રૂ.24 કરોડની લોન માટે થર્ડ પાર્ટી ગેરેન્ટર તરીકે બાબુ બોખીરીયાના સુપુત્રો આકાશ અને પૃથ્વીની માલીકીની રાજશાખા હોટેલ્સ અને રિસોર્ટ પ્રા.લી.,ની નેશનલ હાઈવે અને સમુદ્ર કિનારાની વચ્ચે આવેલી બિનખેતી 18,211 ચો.મી. જમીન, ઉપરાંત સુપુત્રો આકાશ અને પૃથ્વીની માલીકીના પોરબંદર-છાંયાની રોયલ પાર્ક સોસાયટીના બિનખેતી જમીન કુલ 29 પ્લોટ કુલ ચો.મી.4232 તથા રાજશાખા હોટેલની ૩૦ હજાર ચો.મી. જમીનના સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાને માર્ગેજ દસ્તાવેજ કરી આપેલા છે. કામધેનુ, રાજશાખા હોટેલ એન્ડ રિસોર્ટ પ્રા. લી., આકાશ બાબુ રાજશાખા, પૃથ્વી બાબુ રાજશાખા તથા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા વચ્ચે થયેલા મોર્ગેજ દસ્તાવેજોની નકલ એનેક્ષર-૨ તરીકે જોડેલ છે.

ભાજપના જ ડાયરેક્ટરો

જે વખતે કરાર થયા તે વખતે બાબુભાઈ બોખીરીયા ગુજરાત સરકારમાં કેબીનેટ મંત્રી હતા. આ ઉપરાંત પોરબંદર જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘમાં બાબુભાઈ બોખીરીયાના નાનાભાઈ ભરતભાઈ બોખીરીયા વાઈસ ચેરમેન, બાબુભાઈ બોખીરીયાના જમાઈના ભાઈ ભરતભાઈ ઓડેદરા ડાયરેકટર, બાબુભાઈના અંગત સચિવ નાગાજણભાઈ ઓડેદરા ડાયરેકટર તથા બાકીના તમામ ડાયરેકટરો ભારતીય જનતા પાર્ટીના આગેવાનો છે તથા કામધેનુમાં આડકતરી રીતે બાબુભાઈની પારીવારીક કંપની છે.

બાબુભાઈના પુત્રો સામે ગુનો દાખલ કરો

કેબીનેટ મંત્રીના પદના હોદાનો દુરોપયોગ કરીને, પોરબંદર જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના નિયામક મંડળના સભ્યો, તેમના પરિવારજનો અને મળતીયાઓ સાથે કાવતરું રચીને વર્ષ 2017-18 દરમ્યાન અમુલે ભાવફેર પેટે દૂધ ઉત્પાદકોને ચૂકવવા પોરબંદર સંઘને આપેલ રૂ.10.91 કરોડની રકમ દૂધ ઉત્પાદકોને ચુકવવાને બદલે સીધી જ રૂ.12 કરોડની રકમ કામધેનુને પ્લાન્ટ બાંધવા માટે આપી દીધી ! અને પોરબંદર જીલ્લા સંઘના ચેરમેન અરજનભાઈ ભુતીયા અને બાબુભાઈના ભાઈ ભરતભાઈએ કામધેનુ સાથેના કરારમાં સહી કરી આપી તથા બેંકમાંથી રૂ.24 કરોડ અપાવવા સંઘ વતી ગેરેંટર તરીકે સહીઓ કરી આપી ! આ ઉપરાંત પોરબંદર સંઘને પોતાનો પ્લાન્ટ બનાવવા મળવાપાત્ર રૂ.12 કરોડની RKVY યોજનાની સહાય જતી કરી. આરીતે બાબુ બોખીરીયા, પોરબંદર જીલ્લા દૂધ ઉત્પાદક સંઘના ચેરમેન, વાઈસ ચેરમેન અને નિયામક મંડળના સભ્યો, કામધેનુના ભાગીદારો અને આડકતરા ભાગીદારો એવા બાબુભાઈના સુપુત્રોએ પશુપાલોકના બોનસનાં નાણા, બેંકના નાણા અને સરકારી સહાય ડુબાડવાના ગુનામાં તેમની સામે ફોજદારી ગુનો નોંધવાની અને પોરબંદર સંઘના નિયામક મંડળને બરતરફ કરવાની માંગણી કરી હતી.

લાંચમાં જેલમાં ગયા હતા

આશ્ચર્ય અને આઘાતજનક બાબત એ છે કે પોરબંદર જીલ્લાના સહકાર રજીસ્ટ્રાર હોદ્દાની રૂએ સંઘના ડાયરેકટર હોવા છતાં તેમણે આવી ગેરરીતિ રોકવા કોઈ પગલાં ન લીધાં તેના શિરપાવરૂપે પોરબંદર જીલ્લાના રજીસ્ટ્રારશ્રી મનોજ લોખંડેને જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લાના રજીસ્ટ્રાર તથા બીજી ત્રણ જગ્યાઓ સહિત 6 જગ્યાઓનો ચાર્જ આપ્યો છે. લોખંડે અગાઉ લાંચ લેવાના ગુનામાં જેલમાં જઈ આવ્યા છે અને ત્રણ વર્ષ સુધી સસ્પેન્ડ રહ્યા પછી સાઈડ પોસ્ટીંગ આપવાની શરતે પૂનઃ નોકરીમાં લેવાયા હોવા છતાં ભ્રષ્ટાચારમાં મદદ કરવા બદલ ત્રણ જીલ્લાના રજીસ્ટ્રાર તથા બીજા ત્રણ મહત્વના હોદ્દાઓનો ચાર્જ આપવાનો શિરપાવ આપવામાં આવ્યો છે.

બાબુભાઈ રાજીનામું નહીં આપે

બાબુ બોખીરીયાએ પોરબંદર દૂધ સંઘ અને કામધેનુના પ્રકરણમાં જો ભ્રષ્ટાચારના પુરાવાઓ અપાશે તો જાહેર જીવન છોડી દેવાનો પડકાર કર્યો હતો. અર્જુનભાઈ મોઢવાડિયાએ બેંકનો મોર્ગેજ દસ્તાવેજ, પોરબંદર જીલ્લા દૂધ ઉત્પાદક સંઘનો સહકારી ઓડીટરનો અહેવાલ તથા પોરબંદર સંઘ અને કામધેનુ વચ્ચે થયેલા કરારો અને અમુલે થર્ડ પાર્ટી પેકેજીંગને મંજુરી ન આપવાના દસ્તાવેજો રજુ કરીને તમામ પુરાવાઓ આપ્યા છે ત્યારે બાબુભાઈ તો જાહેર જીવન છોડવાના નથી તેની ખાત્રી છે.

પ્લાંટ જપ્ત કરો

પરંતુ રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી કામધેનુનો પ્લાન્ટ જપ્ત કરીને પોરબંદર સંઘને સોંપી આપે, નિયામક મંડળને બરતરફ કરે, બાબુભાઈ અને નિયામક મંડળના સભ્યો સામે ફોજદારી રાહે ગુનો દાખલ કરીને ધરપકડ કરે તેવી માંગણી કરી હતી.