અમદાવાદ, તા.10
એકતરફ રાજ્ય સરકાર જ્યાં ગુજરાત દેશમાં મેડીકલ ટુરીઝમમાં અગ્રેસર હોવાના બણગાં ફૂંકે છે. તો બીજીબાજુ મેડીકલ ટુરીઝમ માટે અત્યંત મહત્વપૂર્ણ એવા ‘એર એમ્બ્યુલન્સ પ્રોજેકટ’ની મોટા ઉપાડે જાહેરાત કર્યાં બાદ ત્રણ-ત્રણ વખત રજૂ થયેલી પ્રપોઝલને ખુદ સરકારે જ અભરાઈએ ચઢાવી દીધી હોવાનું જાણવા મળ્યું છે. અલબત આ પ્રોજેકટ ટલ્લે ચઢવા પાછળ બે મોટા રાજકીય નેતાઓની ખટપટ જવાબદાર હોવાનું આરોગ્ય વિભાગના સૂત્રો જણાવે છે.
ગુજરાતને મેડીકલ હબ બનાવવાનો દાવો
રાજ્ય સરકાર છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતને દેશનું અને અમદાવાદને ગુજરાતનું મેડિકલ હબ બનાવવાના દાવા કરી રહી છે. સરકારી સુત્રોની માનીએ તો રાજ્યને મેડિકલ ટુરિઝમ ક્ષેત્રે અગ્રેસર કરવા રાજ્ય સરકારે ડઝનબંધ નવી સરકારી અને ખાનગી મેડિકલ કોલેજો શરૂ કરી છે. સરકારી હોસ્પિટલોના માળખાને વધુ મજબૂત બનાવવાની કવાયત પણ હાથ ધરી છે. નર્સિંગ અને અન્ય પેરા મેડિકલ સેવા વધુ પ્રશિક્ષિત અને સુલભ બને એ માટે વધુને વધુ ખાનગી સંસ્થાઓમાં પણ અભ્યાસક્રમોને મજૂરી આપી દીધી છે.