ભાજપના ભ્રષ્ટાચારની કચરા પેટી બની ભંડોળ પેટી, મત પેટી હવે નહીં છલકે

ભાજપના જ ધારાસભ્ય હર્ષ સંઘવીના આક્ષેપ પછી કોંગ્રેસે પણ SMCના સત્તાધીશો પર આકરા પ્રહારો કર્યા હતા.કોંગ્રેસ દ્વારા કચરા પેટીને ભાજપની ભંડોળ પેટી ગણાવવામાં આવી છે. કચરા પેટીઓ પર કેસરી કલરના સ્ટીકર લગાવવામાં આવ્યા છે. આ સ્ટીકરમાં લખવામાં આવ્યું છે- ‘ભા.જ.પા ભંડોળ પેટી’. કલેક્ટર કચેરી સામે આવી કચરા પેટી છે.

એક પેટી પર લખ્યું છે ભાજપને લોકો હવે ભ્રષ્ટાચારનો કચરો માને છે. તેથી મત પેટીમાં હવે કચરાને મત નહીં પણ કિંમતી મત કિંમત સમજનારને આપવામાં આવશે.

સુરતને કન્ટેનર મુક્ત સિટી બનાવવા માટે અંદાજે દોઢથી બે વર્ષ પહેલા મ્યુનિસિપલ કમિશનર દ્વારા સુરતના રસ્તા પર રહેલા તમામ કચરાના કન્ટેનરને દૂર કરવામાં આવ્યા હતા. શહેરમાં 3.80 કરોડ રૂપિયાના ખર્ચે કેટલીક નાની-નાની કચરા પેટીઓ મુકવામાં આવી હતી. થોડાં સમયમાં તૂટવા લાગી હતી. હલકી ગુણવત્તાની કચરા પેટીના સુરત મહાનગરપાલિકાએ એક પેટી માટે 13,000 રૂપિયા ચુકવ્યા હતા. ભાજપના ધારસભ્ય હર્ષ સંઘવીના ભ્રષ્ટાચારના આક્ષેપોને લઇને SMC કમિશનર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા.

ભાજપના ધારાસભ્યએ કહ્યું હતું કે કોઇ પણ જાતની ટેન્ડરીંગની પ્રક્રિયા કર્યા વગર 3 કરોડ રૂપિયાની કચરા પેટી ખરીદી લેવામાં આવી હતી જે થોડા સમયમાં જ તુટીને કામ વગરની થઇ ગઇ છે.સુરત પાલિકામાં ભાજપાનું જ શાસન છે ત્યારે ધારાસભ્યના આક્ષેપથી આશ્ચર્ય ફેલાયું છે.

અધિકારીઓએ હોંશિયારી વાપરીને ગ્રાંટના નાના ટૂકડાઓ પાડીને ખરીદી કરી લીધી. સંઘવીએ વધુમાં કહ્યું હતું કે કચરા પેટી શહેરમાં મુકાયાના એક જ મહિનામાં કચરા પેટીઓ તુટી ચુકી છે.

4 કરોડના ખર્ચે તમામ ઝોનમાં 2976 કચરાપેટીઓ મુકવામાં આવી હતી. જ્યારે 13 હજાર 500 રૂપિયાની સ્માર્ટ કચરાપેટી ભંગાર પડેલી હાલતમાં ગોડાઉમાં જોવા મળી. કચારાપેટીની હલકી ગુણવત્તાના કારણે ગોડાઉનમાં પડેલી જોવા મળી હતી.

સુરત શહેરમાં 1100ની આસપાસ કચરા પેટી હતી અને સુરત ગંધાતું હતું. પાછલા કેટલાક વર્ષોથી સુરતને કચરા પેટી મૂક્ત કરવાની વિચારણા ચાલી રહી હતી અને સુરત મહાનગર પાલિકાએ હવે તેનું અમલીકરણ કર્યું છે. 1030 જેટલી કચરા પેટી હટાવી લેવામાં આવ્યા બાદ 60થી 70 સ્પોટ પર લોકો કચરો નાંખીને જતાં રહેતા હોવાની ફરીયાદ આવી રહી છે.