ભાજપના મહામંત્રી કે સી પટેલની પાછળ ગામ લોકો દોડ્યા હતા અને તેથી તેમણે ત્યાંથી ભાગી જવું પડ્યું હતું. સમગ્ર ઉત્તર ગુજરાતમાં કે સી પટેલનો ભારે વિરોધ થઈ રહ્યો છે. તેઓ જ્યારથી આશા પટેલનું પક્ષાંતર કરાવીને કોંગ્રેસથી ભાજપમાં લાવ્યા છે ત્યારથી તેઓ રોષનો ભોગ બની રહ્યા છે. પાટણમાં ભાજપના હોદ્દેદારોએ ગામ લોકોના રોષનો સામનો કરવો પડ્યો હતો, નેતાઓના આગમન સાથે જ ગામના કેટલાક યુવાનોએ ‘ચોકીદાર ચોર હે’ ના નારા લગાવીને ભાજપનો વિરોધ કર્યો હતો, જેના કારણે ભાજપના કાર્યકર્તાઓ અને ગામના યુવાનો આમને સામને આવી ગયા હતા.
મળતી માહિતી અનુસાર, પાટણને અનામત આંદોલનનું એપી સેન્ટર માનવામાં આવે છે. જેના કારણે પાટણના પાટીદાર યુવાનોમાં ભાજપ સામે રોષ જોવા મળ્યો હતો. અંબાજીના નેળિયામાં જે સમયે ભાજપના કાર્યકર્તાઓ પ્રચાર માટે નીકળ્યા હતા, ત્યારે ભાજપના કાર્યકર્તાઓની સામે ગામના પાટીદાર યુવાનોએ ‘ચોકીદાર ચોર હે’ ના નારા લગાવ્યા હતા. જેના કારણે ભાજપના કાર્યકર્તા અને પાટીદાર યુવાનો આમને સામને આવી ગયા હતા.