ગુજરાત ભાજપ પોતાનાં નેતાઓ અને કાર્યકરોને કારણે છેલ્લાં કેટલાંક સમયથી ભારે પરેશાની અને શરમમાં મૂકાઈ રહી છે. ભાજપનાં કેટલાંક નેતાઓ ધાકધમકી આપવાનાં કેસમાં સંડોવાયેલાં છે, અને કેટલાંક નેતાઓ અને કાર્યકરો તાજેતરમાં રાજ્યમાં લોકરક્ષક દળની પરીક્ષાનાં પેપર લીક મામલામાં પણ નામ ખૂલતાં પ્રદેશ નેતાગીરી ડેમેજ કંટ્રોલ કરવાની મથામણ કરી રહી છે. ત્યાં ભાજપનાં કચ્છનાં મુંદ્રાનાં વધુ એક નેતાએ રાજસ્થાનની એક હોટલમાં દારૂ પીને છાકટાં બનીને જે ધાંધલ ધમાલ કરી છે તેનાં કારણે પ્રદેશ ભાજપની આબરૂનાં લીરાં ઉડ્યાં છે.
આ અંગે મળતી વિગતો અનુસાર રાજસ્થાનની વિધાનસભાની ચૂંટણીમાં મતદારોને રીઝવવા માટે ગુજરાત ભાજપનાં કેટલાંક નેતાઓને રાજસ્થાનનાં વિવિધ વિસ્તારોમાં કામગીરી સોંપવામાં આવી છે. જેનાં ભાગરૂપે કચ્છ ભાજપનાં નેતાએ બાડમેરની હોટલમાં દારૂ પીને જે ધમાલ કરી તેનાં કારણે સ્થાનિક લોકોએ તેમને મારમારીને ભગાડવા પડ્યાં હતાં. સૂત્રોનાં કહેવા પ્રમાણે કચ્છ ભાજપના નેતાએ જ કચ્છ ભાજપની આબરુના ધજાગરા કર્યા છે તે મુંદ્રા તાલુકા ભાજપ પ્રમુખ વાલજીભાઈ ટાપરિયા છે. તેઓ રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર માટે બાડમેરની કામગીરી સોંપવામાં આવી હતી. બાડમેર ગયેલાં વાલજી ટાપરીયાએ દારૂ પીને બાડમેરની એક હોટલમાં ધમાલ કરી છે, જેનો વિડીયો વાયરલ થયો છે. વાલજી ટાપરીયાએ ધમાલ કરતા સ્થાનિક લોકોએ તેમને માર મારી ભગાડ્યા હતા. અને આ મારામારીના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા.
આ બાબતે પ્રદેશ ભાજપની નેતાગીરીનો સંપર્ક કરતાં તેમણે આ મામલે કશું પણ કહેવાનો ઈનકાર કરી દીધો હતો. જોકે, પ્રદેશ નેતાગીરીએ આ મામલાને ગંભીર ગણીને મુંદ્રાનાં આ નેતા સામે શિસ્તભંગનાં પગલાં લેવાનો નિર્ણય કર્યો હોવાનું પ્રદેશ ભાજપનાં ટોચનાં સૂત્રોએ જણાવ્યું હતું.