ભાજપની શિસ્તના ધજાગરા રેશ્મા પટેલે કર્યા

પાટીદાર આંદોલનમાંથી ભાજપમાં ગયેલા રેશ્મા પટેલે ફરી એક વખત ભાજપ પર નિશાન સાધ્યું છે, ભાજપની સ્થિતિ તો એવી થઇ છે તે રેશ્માને બહારનો રસ્તો પણ બતાવાય તેમ નથી, રેશ્માએ એક મેસેજ બધાને મોકલ્યો છે, જેમાં તેમને લખ્યું છે કે મને આજે લોકો મકરસંક્રાંતિની શુભકામનાઓ પાઠવી રહ્યાં છે, સાથે કોલ કરીને પૂછી રહ્યાં છે કે રેશ્માદીદી પવન કેવો છે ? તેમના આ સવાલ પર હું હસીને કહ્યાં વગર રહી નથી શકતી કે પવન તો કમળની ખેતીને વાઢીને સાફ કરી નાખે એવો છે, પણ જોવાનું એ રહેશે કે પંજો કેટલું વાઢીને સાફ કરી શકશે, ત્યારે ફરી એક વખત રેશ્માએ ભાજપ સામે જોરદાર કટાક્ષ કર્યો છે

લાચાર ભારતીય જનતા પાર્ટી !

અગાઉ પણ જ્યારે રેશ્માને ભાજપે મહિલા સંમેલનમાં આમંત્રણ આપ્યું ન હતુ ત્યારે તેમને ભાજપ અને તેના નેતાઓને આડેહાથ લીધા હતા, તો ભાજપના પાંચ ધારાસભ્યો કોંગ્રેસના સંપર્કમાં હોવાની વાત કરીને રેશ્માએ ભાજપની નીતિ સામે સવાલ ઉઠાવ્યાં હતા, અગાઉ વિધાનસભાની ચૂંટણી પહેલા પાટીદાર આંદોલન સમિતિમાંથી રેશ્મા પટેલ ભાજપમાં જોડાયા હતા, જો કે ભાજપે તેની પરંપરા પ્રમાણે અન્ય પાર્ટી કે સંગઠનમાંથી આવતા લોકોને હાંસિયામાં રાખવાની નીતિ ચાલુ રાખી હતી અને રેશ્મા પટેલને અત્યાર સુધી પાર્ટીમાં કોઇ યોગ્ય જવાબદારી આપી નથી, જેથી નારાજ રેશ્મા વારંવાર ભાજપને સલાહ સૂચનો આપ્યાં કરે છે, જો કે અહી એ પણ મોટો સવાલ છે કે રેશ્મા પટેલ વારંવાર ભાજપ વિરુદ્ધમાં નિવેદનો આપી રહ્યાં છે અને ભાજપના નેતાઓ ચૂપ થઇને આ બધુ સાંભળી રહ્યાં છે.

ભાજપની પોલ ખોલી નાખીશ – રેશ્મા પટેલ

પાટીદાર આંદોલનમાંથી ભાજપમાં જોડાયેલા રેશ્મા પટેલ હવે બળવાનાં મૂડમાં લાગી રહ્યાં છે, અને વારંવાર મીડિયા અને સોશયલ મીડિયા મારફતે ભાજપની પોલ ખોલી રહ્યાં છે, હવે તેમને કહી દીધું છે કે ભાજપના પાંચ નારાજ ધારાસભ્યો કોંગ્રેસમાં જોડાઇ શકે છે, અને તેઓ ભાજપની નીતિથી દુ:ખી છે, કદાચ ભાજપે રેશ્મા પટેલને પાર્ટીમાં યોગ્ય સ્થાન નથી આપ્યું માટે આવા નિવેદનો કરીને ચર્ચામાં આવી રહ્યાં છે, વાતમાં કેટલું તથ્ય છે તે હજુ સામે નથી આવ્યું, પરંતુ રેશ્માનાં આ નિવેદન બાદ ભાજપ અને કોંગ્રેસમાં ચર્ચાઓનો દૌર શરૂ થઇ ગયો છે, અહી સવાલ એ છે કે છેલ્લા ઘણા સમયથી રેશ્મા પટેલ ભાજપને કામગીરી કેમ કરવી તે શીખવી રહ્યાં છે, પાટીદારના શહીદ પરિવારનો મુદ્દો હોય કે પછી અનામત આપવાનો, દરેક મુદ્દે તે પાર્ટીમાં રહીને ભાજપને સલાહ-સૂચનો કરી રહ્યાં છે અને આડકતરી રીતે ભાજપ પર પ્રહાર કરી રહ્યાં છે, ગુજરાત ટુરિઝમમાં થયેલા ભ્રષ્ટાચાર મામલે સરકારી અધિકારી અનિલ પટેલ સાથે મોબાઇલ પર થયેલી વાતચીત પણ તેમને વાઇરલ કરી હતી, જેમાં ભાજપ સરકારમાં ચાલતો ભ્રષ્ટાચાર ખુલ્લો પડ્યો હતો અને રૂપાણી સરકારે શરમમાં મુકાવવું પડે તેવી સ્થિતિ ઉભી થઇ હતી.

શું ભાજપને રેશ્મા પટેલની જરૂર નથી ?

વિધાનભા ચૂંટણી પહેલા રેશ્મા પટેલ ભાજપમાં જોડાયા હતા ત્યારે તેમના પર પૈસા લઇને પાટીદાર અનામત આંદોલન છોડીને ભાજપમાં જવાના આક્ષેપ થયા હતા, ત્યાર બાદ તેમને ભાજપ માટે કામ કર્યું પરંતુ ભાજપે તેમને હજુ સુધી કોઇ યોગ્ય પદ નથી આપ્યું, જેથી હવે તેઓ ભાજપ સામે ગમે તેમ નિવેદનો કરીને દબાણ ઉભુ કરી રહ્યાં છે, મહિલા સંમેલનમાં પણ ભાજપને રેશ્મા પટેલને આમંત્રણ આપ્યું ન હતુ,ત્યારે પણ તેમને ભાજપ સામે બળાપો કાઢ્યો હતો.

ભાજપ કેમ ચૂપ ?

ભાજપે ભૂતકાળમાં પાર્ટી સામે ગમે તેવા નિવેદનો કરનાર અને પાર્ટીની વિરુદ્ધમાં કામ કરનારા લોકો સામે શિસ્તભંગના પગલા લીધા છે, પરંતુ રેશ્મા પટેલના કિસ્સામાં ભાજપ ચૂપ છે, ત્યારે સવાલ એ છે કે આખરે ભાજપને એવી તો શું મજબૂરી છે કે હજુ સુધી પાર્ટીમાં જ રહીને પાર્ટીને બદનામ કરનારા લોકો સામે પગલા નથી લેવાતા, બીજી તરફ ભાજપને ખબર પડી ગઇ છે કે રાજ્યમાં પાટીદાર અનામત આંદોલન પુરુ થઇ ગયું છે, હાર્દિક પટેલ હવે લોકસભાની તૈયારીઓ કરી રહ્યો છે ત્યારે ભાજપ એમ વિચારી શકે છે કે હવે રેશ્મા પટેલની પાર્ટીને કોઇ જરૂર નથી.