ભાજપનું સદસ્યતા અભિયાનથી ગુજરાતમાં નવા 50 લાખ સભ્યો નોંધવાનો લક્ષ્યાંક

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહનાં નેતૃત્વમાં દેશભરમાં ભગવો લહેરાવવાના સ્વપ્ન સાથે દુનિયાનાં સૌથી મોટા રાજકીય પક્ષ બનાવવાનું અભિયાન ફરીવાર ચાલી રહ્યું છે. આ વર્ષે ભાજપનાં સદસ્યતા અભિયાનમાં 11 કરોડ સભ્યો ધરાવતા પક્ષમાં વધુ સભ્યોને જોડવા દેશભરનાં ભાજપ એકમ દ્વારા એડીચોટીનું જોર લગાવાયું છે. ત્યારે ગુજરાત ભાજપે પણ આ વર્ષે 50 લાખથી વધુ સભ્યોની નોંધણી કરવાનો લક્ષ્યાંક નક્કી કરાયો છે. 15થી વધુ રાજ્યો અને કેન્દ્રમાં સત્તા ધરાવતા ભાજપને હવે પશ્ચિમ બંગાળ, કેરળ, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, ઓરિસ્સા અને તેલંગાણામાં સત્તા મેળવવાનો લક્ષ્યાંક છે ત્યારે આ પહેલા તમામ રાજ્યોમાં સંગઠનને મજબૂત કરવા સદસ્યતા અભિયાન જોરશોરથી ચાલી રહ્યું છે.

પ્રદેશ ભાજપ ખાતે છેલ્લાં બે દિવસથી આ સંદર્ભે બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે. ગુજરાત ભાજપ દ્વારા 11 ઓગસ્ટ સુધીમાં 50 લાખ નવા સભ્યો બનાવવાનો નિર્ધાર કર્યો છે ત્યારે ઉદ્યોગકારો, શૈક્ષણિક નિષ્ણાતો, સહકારી આગેવાનો, તેમ જ સમાજના વિવિધ વર્ગના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી. હાલનાં સદસ્યતા ફોર્મ ભરવામાં કેટલીક મુશ્કેલીઓ આવતી હોવાથી તેને પણ દૂર કરવાનો પક્ષ દ્વારા પ્રયાસ થઈ રહ્યો છે. મહત્વની વાત તો એ છે કે, ગયા સપ્તાહે ભાજપનાં કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા બે દિવસની ગુજરાત મુલાકાતે આવ્યા હતા. ત્યારે તેમણે સૌથી નબળા બૂથમાં સભ્ય વધારવા ટકોર કરી હતી ત્યારબાદ અભિયાનમાં સતત વેગ આવ્યો હોવાનું જોવા મળી રહ્યું છે.

દેશભરમાં શરૂ થયેલા ભાજપનાં સદસ્યતા અભિયાનનું આ વખતે સ્લોગન છે ‘સાથ આયે, દેશ બચાયે’. અને આ નારા સાથે ચાલી રહેલું સદસ્યતા અભિયાન ધીમે ધીમે ગુજરાતમાં સફળતા તરફ આગળ વધી રહ્યું હોવાનું  જણાવ્યું હતું.

સંગઠન પર્વ ઉજ્જવળ ભારતનો પાયો નાંખવાનું કામ કરે છે

ભાજપનાં પ્રદેશ પ્રમુખ જિતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, ૨૦૧૯ લોકસભાના ઐતિહાસિક જનાદેશ બાદ આપણી જવાબદારીઓ પણ ખૂબ વધી જાય છે. સમાજનો જેમ જેમ વિસ્તાર થતો જાય તેમ તેમ ભાજપની વિચારધારાનો વ્યાપ પણ થતો રહેવો જોઈએ. ભવિષ્યના ઉજ્જવળ ભારતનો પાયો નાંખવાનું કામ સંગઠન પર્વ દ્વારા થાય છે ત્યારે, સમાજના દરેક વિસ્તારોનો દરેક વર્ગ ભાજપા સાથે જોડાય તે રીતે સદસ્યતા વૃદ્ધિ અભિયાન દ્વારા દરેક બૂથ સુધી ભાજપનો વ્યાપ વધુને વધુ મજબૂત બનાવવાનો નિર્ધાર છે.

“મજબૂત ભાજપ, મજબૂત ભારત”નો મંત્ર

ભાજપાના પ્રદેશ સંગઠન મહામત્રી ભીખુભાઈ દલસાણિયા કહે છે કે, ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ભાજપની ગૌરવપૂર્ણ જીત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વમાં જનતાનો ભાજપ પરનો અભૂતપૂર્વ વિશ્વાસ દર્શાવે છે. લાખો કાર્યકર્તાઓના પરિશ્રમ અને દ્રઢ સંકલ્પના પરિણામે છેલ્લા ૩૦ વર્ષ બાદ દેશમાં પૂર્ણ બહુમત સાથેની કેન્દ્રમાં ભાજપની સરકાર બનાવવાની અભૂતપૂર્વ સિદ્ધિ મેળવવામાં ભાજપને સફળતા મળી છે.

આગળ વધતાં તેઓ કહે છે સદસ્યતા અભિયાન એ ભાજપની વિચારધારાને વધુને વધુ લોકો સુધી પહોંચાડવા માટેનું પર્વ બને અને રાષ્ટ્રસેવા અને જનસેવા થકી જનસમર્થન વધુ પ્રબળ બને તે માટે તમામ ક્ષેત્રોને આવરી લઈને ‘‘મજબૂત ભાજપ, મજબૂત ભારત’’ના મંત્ર સાથે ભાજપની વિચારધારાને પહોંચાડવા માટે કાર્યરત થયા છીએ અને આ સંગઠન પર્વ દરમિયાન અમારો એક જ ધ્યેય છે અને તે છે કે ભાજપનો વ્યાપ વધે અને ભાજપની વિચારધારા સાથે લોકો જોડાય અને ભાજપ વધુ મજબૂત બને.

“સંપર્કથી સંવાદ અને સંવાદથી સંપર્ક”

શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ ભાજપની સદસ્યતા અભિયાન સંદર્ભે યોજાયેલી બેઠકમાં સૌને ભાજપના સદસ્યતા વૃદ્ધિ અભિયાન અંતર્ગત માર્ગદર્શન આપ્યું હતું. ચૂડાસમાએ જણાવ્યું કે, ભાજપના પ્રત્યેક કાર્યકર જનજન સુધી પહોંચી ‘‘સંપર્કથી સંવાદ અને સંવાદથી સમર્થન’’ને વ્યાપક બનાવી ભાજપની વિચારધારા સાથે વધુને વધુ લોકોને જોડવા માટેનો યજ્ઞ એટલે ભાજપનું સદસ્યતા અભિયાન. આ અભિયાન સાચા અર્થમાં ‘‘સર્વવ્યાપી, સર્વસ્પર્ષી અને સર્વસમાવેષક’’ બની રહેશે.

આ વર્ષે ગુજરાતમાં ભાજપના કેટલાં સભ્યો થશે

‘સાથ આયે દેશ બચાયે’ના સૂત્ર સાથે દેશભરમાં શરૂ થયેલું સદસ્યતા અભિયાન ગુજરાતમાં ધીમે ધીમે સફળતા તરફ આગળ વધી રહ્યું છે. આમ તો ભાજપની સ્થાપના થઈ ત્યારથી દર 3 વર્ષે સદસ્યતા અભિયાન કરવામાં આવે છે જો કે વર્ષ 2015માં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ દ્વારા સોશિયલ મિડીયા તથા આધુનિક ઢબે સદસ્યતા અભિયાન કરવામાં આવ્યું, જેના કારણે દેશભરમાં ભાજપના 11 કરોડથી વધુ સભ્યો નોંધાયા અને ભાજપ વિશ્વની સૌથી મોટી પાર્ટી બની. ત્યારે આ વર્ષે 6 જુલાઈથી શરૂ થયેલા આ અભિયાનમાં અત્યારસુધી ગુજરાતમાં ભાજપે 18 લાખથી વધુ સદસ્યો નોંધાયા છે. હવે અભિયાન પૂર્ણ થાય ત્યાં સુધીમાં પ્રદેશ ભાજપ પાસે 50 લાખ નવા સદસ્યો હશે એવો ભાજપને વિશ્વાસ છે.

1980થી 2015 સુધીનાં ભાજપનાં સભ્યોની સંખ્યા
વર્ષ કુલ સભ્યો
1980 55,000
1984 1,40,000
1988 2,00,000
1998 8,12,000
2009 24,17,084
2012 15,31,797
2015 1,13,67,503

 

વર્ષ 2019ના અભિયાનનો ધ્યેય

દેશભરમાં ભાજપ ગુજરાતને પોતાની રાજકીય લેબોરેટરી તરીકે ગણે છે અને જ્યારથી વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી દિલ્હીની ગાદી પર બેઠા છે ત્યારથી તેમણે પણ ગુજરાતને એક મોડેલ સ્ટેટ તરીકે પ્રસ્થાપિત કરીને દેશની દિશા અને દશા સુધારવાનો પ્રયાસ કર્યો છે. સાથે સાથે ભાજપ શાસિત રાજ્યોમાં પણ ગુજરાત મોડેલને અમલી કરાવવા પર ભાર મૂક્યો છે. એવી જ રીતે સંગઠનનાં મામલામાં પણ ગુજરાતને લેબોરેટરી માનવામાં આવે છે. કેમ કે, દેશમાં જ્યારે લોકસભામાં ભાજપની બે બેઠકો હતી ત્યારે એક ગુજરાતની હતી અને ભાજપનો વિકાસ અને વિસ્તાર ગુજરાત થકી જ આગળ વધ્યો હોવાનું પણ કહેવાય છે. આ ઉપરાંત અનેક નવા પ્રયોગ ગુજરાત ભાજપે કર્યા છે જે સફળ થયા બાદ સમગ્ર રાષ્ટ્રીય સંગઠનમાં લાગુ કરાયા છે. ત્યારે નવી સદસ્યતા માટે 20 ટકા વધારાના લક્ષ્યાંક સામે પ્રદેશ ભાજપે 50 ટકા વધુ સભ્યો બનાવવાનો લક્ષ્યાંક રાખ્યો છે. જો કે, ગયા વખતે મિસકોલથી રજિસ્ટર્ડ થયેલા તમામ સભ્યોની વિગતો ભાજપ મેળવી શક્યું નહોતું એટલે આ વખતે સભ્ય નોંધણી સમયે તમામ સભ્યોની પ્રાથમિક વિગતોની પણ નોંધણી કરવામાં આવી રહી છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે ભાજપની સદસ્યતા અભિયાનની સફળતા ગુજરાતમાં ભાજપના કાર્યકરોને કેટલા ઉત્સાહિત કરશે.