ભાજપને મત ન આપતાં માળિયામાં ફરી અન્યાય

મોરબીથી 35 કિલોમીટર દૂર આવેલ માળીયા મિયાણા તાલુકો રાજકીય પરિબળોના કારણે પછાત બનીને રહી ગયો છે. કારણ કે માળિયા તાલુકો કોંગ્રેસની વોટ બેન્ક છે. તેથી માળીયા તાલુકા પર ભાજપ દ્વારા ઓરમાયું વર્તન કરવામાં આવી રહ્યું છે. માળિયા તાલુકાને ભૂકંપ બાદ એક પણ સુવિધા આપવામાં આવેલ નથી કે માળીયાના વિકાસ માટે એક પણ કામ કરવામાં આવેલા નથી. ભૂકંપ બાદ માળીયા જેની તેજ હાલતમાં છે. માળિયા તાલુકો સંપૂર્ણપણે ખેતી પર આધારિત છે. ખેડૂતો સાથે પણ હર વક્ત અન્યાય જ કરવામાં આવી રહેલો છે.

ગત વર્ષે માળીયા તાલુકામાં વરસાદ નહિવત પ્રમાણમાં પડયો હતો અને પાક સંપૂર્ણપણે નાશ પામ્યો હતો. માળીયાના ખેડૂતો પાયમાલ થઇ ગયા હતા. માળીયાને દુકાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો હતો. માળીયા તાલુકામાં નુકસાન 90 ટકા કરતા પણ વધારે હતું. બાદમાં સિંચાઇ માટે પણ માળીયા તાલુકાને પાણી આપવામાં આવેલ નથી. તેવામાં સરકાર અને વીમા કંપનીઓની મિલીભગતના કારણે ફરી એકવાર માળીયા તાલુકાના ખેડૂત સાથે ક્રૂર મજાક કરવામાં આવી રહી છે. માળિયા તાલુકો સો ટકા વિમા ને હકદાર હતો જેની સામે માળિયા તાલુકા ને માત્ર ૩૫ ટકા વીમો મંજુર કરવામાં આવેલ છે. સંપૂર્ણ મોરબીમાંથી કરોડો રૂપિયાનું પ્રીમિયમ લઈ વીમા કંપનીઓ સરકાર સાથે મીલીભગત કરી ખેડૂતોને હળાહળ અન્યાય કરવામાં આવી રહેલ છે.

જેને લઇને સરવડ ગામે 44 ગામના ખેડૂતોએ કિશોર ચીખલીયા ની આગેવાનીમાં ભેગા થઈ એક મિટિંગનું આયોજન કરેલ હતું જેમાં બધાએ સરકાર સામે ખૂબ જ આક્રોશ વ્યક્ત કરવામાં આવેલ હતો. આ મિટિંગમાં ભેગા થયેલ ખેડૂતોનો ગુસ્સો સરકાર માટે ચિંતાનો વિષય સમાન છે. જો ખેડૂતો સાથે થઇ રહેલ અન્યાય સામે સરકાર દ્વારા કોઇ પગલાં ભરવામાં નહીં આવે તો ખેડૂતો દ્વારા સમગ્ર ગુજરાતમાં ભાજપનો વિરોધ કરવામાં આવશે અને આગામી લોકસભાની ચૂંટણીમાં આની અસર સો ટકા દેખાસે એવું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે. આગામી 26 તારીખે ખેડૂત હિતરક્ષક સમિતિ દ્વારા આગામી રણનીતિ બાબતે મિટિંગનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં એક રણનીતિ મુજબ સરકાર નો વિરોધ કરવામાં આવશે.

આ બધું જોતો લાગી રહ્યું છે કે પાક વિમો એ કોઈ ખેડૂતોને સહાય નથી આ પાક વીમો વીમા કંપનીઓ અને સરકાર દ્વારા બહુ જ વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોય એવું લાગી રહ્યું છે. કરોડો રૂપિયાનું પ્રીમિયમ લઈ ખેડૂતો સાથે ક્રૂર મજાક સમાન 6 ટકા 9 ટકા અને 35 ટકા જેવી નહિવત્ રકમનો વીમો મંજુર કરી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. આ વીમાની રકમ માં અમુક ટકા રકમ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવે છે અને અમુક રકમ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવે છે છતાં પણ કરોડો રૂપિયા ઉઘરાવેલ વીમા કંપનીઓ દ્વારા આવો વીમો આપવામાં આવતા સરકાર અને વીમા કંપનીઓ વચ્ચે કંઈક રંધાઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.