લોકસભાની ચુંટણી જાહેર થાય તે પહેલા ભાજપ દ્વારા ગુજરાત કોંગ્રેસમાં તોડફોડ કરી કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોના રાજીનામા અપાવી ભાજપમાં સામેલ કરી તેમને મંત્રી બનાવવામાં આવી રહ્યા છે, તેવી અટકળોના સમાચાર બાદ કોંગ્રેસના ધારાસભ્ય લલીલ વસોયાએ પોતાના Facebook અકાઉન્ટ પર લખ્યું છે કે, ખેડુત વિરોધી માનસિકતા ધરાવનાર લોકો સાથે બેસવા કરતા આત્મહત્યા કરી લેવી સારી છે. આમ હાલના તબ્બકે લલીત વસોયાની સોશિયલ મીડિયા પર સ્પષ્ટતા બાદ તેઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે તે અટકળોનો અંત આવ્યો છે.
પાટીદાર નેતા હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાય તે પહેલા ભાજપે માસ્ટર સ્ટ્રોક મારવા માટે કોંગ્રેસના જ કેટલાક ધારાસભ્યોને તોડી તેમને ભાજપમાં મંત્રીપદ આપવાની તૈયારીઓ શરૂ કરી હોવાની જાણકારી મળી હતી, ભાજપને કોંગ્રેસના જે ધારાસભ્યોમાં રસ છે તેમાં અલ્પેશ ઠાકોર, સોમા ગાંડા પટેલ અને લલીત વસોયાના નામ હોવાની વાત બહાર આવી હતી. ભાજપ આચારસંહિતા જાહેર થાય તે પહેલા આ ઓપરેશનને પાર પાડી ભાજપમાં જોડાનાર ધારાસભ્યને કુંવરજી બાવળીયાની જેમ મંત્રી પદ આપી તાત્કાલિક સોંગદવિધી પણ કરાવવાની તૈયારીમાં છે.
ભાજપને લલીત વસોયાના નામમાં રસ હોવાના બે કારણો હતા, એક તો એ કે તેઓ પાટીદાર આંદોલનના અગ્રણી રહ્યા છે. અને બીજું કે હાર્દિક પટેલના અત્યંત વિશ્વાસુમાં પણ તેમની ગણના થાય છે. જો હાર્દિક કોંગ્રેસમાં જાય તો તેમના વિશ્વાસુ લલીતને પોતાની તરફ કરી ભાજપ શતરંજની રમતની જેમ પહેલા ચોકઠામાં હાર્દિક અને કોંગ્રેસને માત આપે, આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં ભાજપની સ્થિતિ સારી કહેવાય તેવી નથી. જેના કારણે લલીત વસોયા જો ભાજપમાં સામેલ થાય તો ભાજપને ઘણો ફાયદો થાય તેમ છે. કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોની સાથે ભાજપ સંપર્કમાં હોવાની જાણકારી ખુદ પ્રદેશ કોંગ્રેસના નેતાઓને છે, પરંતુ હજી સુધી તેઓ સ્પષ્ટ નથી કે ભાજપ તેમના કયા ધારાસભ્યને તોડી શકે છે. અગાઉ ઉંઝાના ધારાસભ્ય આશા પટેલને તોડવામાં ભાજપ સફળ રહ્યુ હતું,
જોકે, આ મતલબની સ્ટોરી પ્રસિદ્ધ થયા બાદ લલીત વસોયાએ ભાજપમાં જોડાવવા કરતા આત્મહત્યા કરી લઈ તે મતલબની સ્પષ્ટતા કરતા હવે લલીલ વસોયા ભાજપમાં જઈ રહ્યા છે તે વાતનો અંત આવ્યો છે. હવે જોવાનું એ રહ્યું કે, ભાજપ પોતાનું આગળનું ઓપરેશન કેવી રીતે પાર પાડે છે.