અમદાવાદ : શુક્રવારે બિલ્ડર પાસેથી રૂપિયા લેવાનો વીડિયો વાઈરલ થયા બાદ ભાજપના ઈસનપુરના કોર્પોરેટર પુલકિત વ્યાસને ભાજપ શહેર પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા કોર્પોરેટર તરીકે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેને પક્ષ ભ્રષ્ટ માને છે તે સભ્ય પદે તો ચાલુ છે. રાજ્યભરમાં પુલકિત જેવા ચૂંટાયેલા અનેક નેતાઓ લાંચ લેતા પકડાયા છે. પુલકિત 10 હજારની લાંચ લેતા પકડાયા હતા. બે લાખની લાંચ માગી હતી. પુલકિત વ્યાસ ઉર્ફે બબુલભાઈ ગેરકાયદે બાંધકામ મામલે લાંચ માગતા હતા.
પુલકીત વ્યાસ મૂળ કોંગ્રેસના છે. તેમને પક્ષાંતર કરાવીને ભાજપમાં લાવવામાં આવ્યા હતા. ઈ.સ. ૨૦૦૦માં અમપાની ચૂંટણીમાં દાણીલીમડા વોર્ડમાંથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહેલા હાલના કોંગ્રેસના બહેરામપુરા વોર્ડના કોર્પોરેટર બદ્દરૂદીન શેખ માટે ચૂંટણીમાં કામ કર્યું હતું. કમિશનર પાસે એક ઠરાવ કરાવી ચોમાસા દરમિયાન એકપણ બાંધકામ ન તોડવાનું નક્કી કરાવશે તેમ કહી વધુ ૨૧ મકાનો ગેરકાયદે ઊભા કરવા માટે સુરક્ષા પૂરી પાડવાનું વચન આપ્યું હતું.
શહેરના પૂર્વ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ ઊભું કરવાથી માંડીને રક્ષણ આપવા સુધી ભાવ નક્કી છે. ભૂમાફિયા દ્વારા ગેરકાયદે બાંધકામ ઊભું કરતા પહેલાં સ્થાનિક કોર્પોરેટર સાથે સેટિંગ પાડવામાં આવે છે જેમાં અધિકારીઓની ગેરંટી લેવાય છે. જ્યારે બાંધકામ કરનારે આરટીઆઈ કરનારાને સાચવવાના હોય છે. કોંગ્રેસના પ્રદેશ મંત્રી રાજેશ સોનીના એજન્ટ તરીકે કામ કરતો હોવાનું પણ તે કહે છે.
આ મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, વીડિયોની તપાસ કરાવવામાં આવશે. અને સહેજ પણ ખોટું ચલાવી લેવામાં આવશે નહીં. હજુ વધુ કેટલીક વીડિયો બહાર આવે તેવી શક્યતાઓ છે.
અમપાની ખડી સમિતિના આજીવન પી.એ ગણાતા અનિલ જોધાણીના પણ આ કોર્પોરેટર પર ચાર હાથ હતા. તેથી તેમની સામે કોઈ બોલી શકતા નથી.
હું ગબ્બર છુઃ વ્યાસ
ભાજપના કોર્પોરેટર પુલકિત વ્યાસ અગાઉ વારંવાર વિવાદોમાં આવતો રહ્યો છે. ‘મેં હું ગબ્બર’નો વીડિયો પણ વાઇરલ થયો હતો. દોઢ વર્ષ પહેલાં મણિનગરમાં ભાજીપાઉં ખાધા બાદ લોકો સાથે બાખડયો હતો. જેમાં હું ગબ્બર છું, તારથી થાય એ કરી લેજે, મારું કોઈ બગાડી નહીં શકે. તેમ કહી સ્થાનિકોને વેપારીને ધમકાવતા હતો. તે વેળાએ પણ વીડિયો વાઇરલ થતા તેઓને હેલ્થ કમિટિમાંથી હાંકી કઢાયા હતા.
સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન વિરુદ્ધ પણ અપશબ્દો ભાંડ્યા હતા. આ પહેલાં જમવામાં બીલને લઇને રૂઆબ બતાવ્યો હતો.
જાડેજાએ પગલાં ન લીધા
એક ફાસ્ટ ફુડવાળાને ત્યાં જઈ દબંગગીરી કરી વડાપ્રધાન, મુખ્યમંત્રી અને શહેરના મેયર માટે જાહેરમાં અભદ્ર વ્યવહાર કર્યો હતો. હું ગબ્બર છું મારું કોઈ કંઈ નહીં બગાડી શકે એમ કહી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને મેયર ગૌતમ શાહ તથા ખડી સમિતિના અમુલ ભટ્ટ માટે અભદ્ર ટીપ્પણી કરી હતી. આ આખીય ધટનાનો વીડિયો સોશિયલ મીડિયા અને ન્યૂઝ ચેનલોમાં વાઈરલ થતા મેયરે પક્ષ નેતા બિપીન સિક્કાને બનાવ મામલે બે દિવસમાં તપાસ કરી રિપોર્ટ આપવા જણાવ્યું હતું. પ્રભારી આઈ કે જાડેજાએ ભ્રષ્ટાચાર છાવરીને તેની સામે કોઈ પગલાં ભર્યા ન હતા. ભાજપના કોર્પોરેટરને બચાવવા નેતાઓ કાર્યરત છે.
વડાપ્રધાન માટે અપશબ્દો વાપર્યા
૨૦૧૫-૧૬માં એલ.જી.હોસ્પિટલ કોર્નર પાસે દક્ષિણ ઝોન એસ્ટેટ દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવી રહ્યા હતા. કોર્પોરેટર ઘટના સ્થળે નશાની હાલતમાં પહોંચ્યા હતા. જયાં તેમણે સ્ટાફ સાથે અભદ્ર વર્તન કરવાની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે પણ અશોભનીય શબ્દોનો પ્રયોગ કર્યો હતો. એ સમયે પણ વીડિયો વાઈરલ થયો હતો. બાદમાં પુલકીત વ્યાસે ભાજપના નેતાઓની માફી માગી લેતા વિવાદ પર ઠંડુ પાણી રેડી દેવામાં આવ્યું હતું.
લાંચ લેવામાં પુરૂષો કરતા મહિલાઓ આગળ
લાંચના લેવામાં રાજકીય મહિલાઓ પુરુષો કરતાં આગળ નીકળી ગઈ છે. સુરતમાં ત્રણ મહિલા કોર્પોરેટરો પુરુષ કોર્પોરેટરો કરતા ઊંચી લાંચ લેવામાં સમગ્ર ગુજરાતમાં આગળ છે. સુરતમાં લાંચના ગુનામાં પકડાયેલાં ત્રણેય કોર્પોરેટર મહિલા જ છે. થોડા સમય પૂર્વે કોર્પોરેટર વીણા જોશી રૂ. 50 હજારની લાંચ લેતા પકડાયા હતા. થોડા મહિના જેલવાસ ભોગવી તે જેલમુક્ત થઈ ગયા હતા.
સમગ્ર ગુજરાતમાં ભ્રષ્ટાચાર
સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 5,500 જેટલાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે. જેમાં અડધાથી વધારે ભાજપના છે. કોંગ્રેસના બહુ ઓછા રાજકારણીઓ લાંચમાં પકડાયા છે, પણ ભાજપમાં લાંચ લેતાં પકડાયા હોય એવા રાજકારણીઓ સૌથી વધારે છે. એક પ્રમાણિક કોર્પોરેટરનું કહેવું છે કે, જે ભ્રષ્ટાચાર કરે છે તેવા એક સભ્ય પાંચ વર્ષમાં રૂ. 20 કરોડથી વધારે રકમ ભ્રષ્ટાચાર અને બ્લેકમેઈલિંગમાં કમાઈ રહ્યો છે. આવા પાંચ હજાર પાંચસો લોકો મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાં ચૂંટાયેલા છે. આમ ગુજરાતમાં બેસુમાર ભ્રષ્ટાચાર રાજકારણીઓ કરી રહ્યા છે. આવો પાંચ વર્ષમાં રૂ. 10,000 કરોડનો ભ્રષ્ટાચાર થતો હોવાનો તેમનો અંદાજ છે.
સુરતની નેન્સી સુમરા વતી ભાઈએ લાંચ માગી
લાંચ રૂશ્વત વિરોધી દળ( ACB) દ્વારા ભાજપના મહિલા કોર્પોરેટ નેન્સી સુમરાનો ભાઈ પ્રિન્સ ઉર્ફે વીકી મોહન સુમરાને રૂ. 55,000ની લાંચ લેતા 22 ઓગસ્ટ, 2018ના રોજ પકડી લીધો હતો. મહિલા કોર્પોરેટરના નામે રૂ. 75,000ની લાંચ માગી હતી. તેમાંથી રૂ.20,000 અગાઉ મેળવી લીધા બાદમાં રૂ. 55,000ની રકમ લેવા કોર્પોરેટરનો ભાઈ સૈયદપરા વિસ્તારમાં આવ્યો હતો. ત્યારે ACBના હાથે ટ્રેપમાં સપડાઈ ગયો હતો. એક બાંધકામની સાઇટ પર હેરાનગતિ નહીં કરવા માટે લાંચ માંગવામા આવી હતી. સ્કૂટરની ડીકીમાંથી રૂ. 55 હજાર ઝડપી લેવાયા હતા. ACBએ વાયરલ થયેલી ઓડિયો ક્લીપના આધારે કોર્પોરેટરના પિતા સામે તપાસ હાથ ધરી છે.
મીના રાઠોડનો 5 લાખની લાંચનો કેસ
સુરત મહાનગરમાં ગેરકાયદે બાંધકામના કિસ્સામાં રૂ. 5 લાખની લાંચ માગીને બ્લેકમેઈલ કરી તોડ કરતા ભાજપના કોર્પોરેટર મીના રાઠોડ પકડાઈ જતાં પરાણે પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા હતા. ખરેખર તો તેને પદ ભ્રષ્ટ કરી શકાય છે.
જિલ્લા પંચાયતના કારોબારી સભ્ય ખંભાળીયા લાંચ લેતા પકડાયા
બોટાદ જિલ્લા પંચાયતના ભાજપના કારોબારી અધ્યક્ષ સી. બી. ખંભાળીયા અને બીજા એક સભ્ય રૂ. 80 હજારની લાંચ લેતા 29 જૂન 2018માં પકડાયા હતા. ચિંતન ચેરીટેબલ ટ્રસ્ટની ખેતીની જમીનને બિન ખેતીમાં ફેરવવા માટે તેમણે રૂ. 1.80 લાખની લાંચ માંગી હતી. સી. બી. ખંભાળીયાને વિધાનસભાની 2017ની ચૂંટણી સમયે કોંગ્રેસમાંથી ભાજપમાં લાવવામાં આવ્યા હતા. જેને વીજ પ્રધાન સૌરભ પટેલ સાથે સારા સબંધો રહ્યા છે.
ડી. કે. પટેલ લાંચમાં પકડાયા
અમરેલી જિલ્લાના સાવરકુંડલા નગરપાલિકાના તત્કાલીન ભાજપના પ્રમુખ ડી. કે. પટેલ પોતાના હોદ્દાની મુદત પુરી થવાના બે કલાક પહેલાં જ રૂ. 1 લાખની લાંચ લેતાં પકડાઈ ગયા હતા. અમરેલી રોડ ઉપર સૂર્યોદય પેટ્રોલ પંપ પાસે મહુવાના અબુબકર ઉમરાણી નામના શખસ પાસે ગાંડા બાવળ કાપવાનાં અપાયેલા કોન્ટ્રાકટ માટે રૂા. 1 લાખની લાંચની માગણી કરી હતી. સાવરકુંડલામાં ભાજપના આ નેતા પકડાતાં લોકોએ ફટાકડાં ફોડી આનંદ મનાવ્યો હતો. પક્ષે તેમને સસ્પેન્ડ કર્યા હતા.
સરપંચ તળાવની લાંચમાં પકડાયા
12 જાન્યુઆરી 2018માં નવસારીમાં ભાજપની વિચારધારા માનનારા સરપંચ જયેશ હળપતિને લાંચ લેતા રંગે હાથ પકડી લેવાયા હતા. જલાલપોરના સુલતાનપુરમાં તળાવના સમારકામ માટે કોન્ટ્રાકટર પાસે રૂ. 15,000 હજારની માગણી કરી હતી. જેમાં આખરે તે રૂ. 10 હજાર લેતા પકડાઈ ગયા હતા.
ધારાસભ્યએ કરોડોની લાંચ આપી
ધ્રાંગ્રધ્રાના ભાજપના ધારાસભ્ય ધનજી પટેલે ટિકિટ મેળવવા માટે કરોડોની લાંચ ભાજપના એક નેતાને આપી હોવાનો આરોપ ભાજપના જ એક જાહેર કાર્યક્રમમાં ભાજપ સરકારના પૂર્વ કૃષિ મંત્રીએ મૂક્યો હતો.
પ્રમુખનો પુત્ર નર્સ પાસેથી લાંચ લેતો પકડાયો
લીમડીના ભાજપના ધારાસભ્ય કિરીટ રાણાનો પીએ બળદેવ છત્રોલા અને સુરેન્દ્રનગરના લીમડી નગરપાલિકાના ભાજપના પ્રમુખ નાનુબેન ચાવડાનો પુત્ર અને ભાજપનો કાર્યકર ભરત ખાનજી ચાવડા એક નર્સને નોકરી આપવા માટે રૂ. 7 લાખની લાંચ અને કૌભાંડ કરતાં 26 માર્ચ 2018માં પકડાઈ ગયો હતો. આવા કામ કરવા માટે તેની સાથે એક આખી ગેંગ પણ પકડાઈ હતી. બસ કંડક્ટર મોહન પરમાર તથા તેમની પત્ની રોમીની પુત્રીને નર્સ તરીકે નોકરી આપવા માટે નાણા લીધા હતા. જેમાં બે લાખ સ્ફાટ નર્સની પરીક્ષા પહેલાં, બે લાખ રૂપિયા પરિણામ સુધારવા, રૂ. 10 હજાર ચા પાણીના, રૂ. 85 હજાર ઝાલોદમાં નોકરીનો ઓર્ડર રદ કરાવવા માગ્યા હતા. ઓર્ડર આપ્યા પણ તે નકલી હતા.
ભાજપના નેતાએ પક્ષના નેતા પાસે હપ્તો માગ્યો
રાજકોટના જસદણ શહેરના વોર્ડ નં. 5ના ભાજપના જ ચૂંટાયેલા સદસ્ય નરેશ ચોહલીયાએ શહેર ભાજપના એક ટોચના નેતા સામે કોન્ટ્રાક્ટર પાસે રૂ. 5 લાખની લાંચ માગી હોવાની એક ઓડિયો ટેપ સોશિયલ મીડિયામાં વાયરલ કરી હતી. તેઓ નરેશનું રાજીનામું અપાવવા કાવાદાવાઓ કરતા હોવાનો આરોપ હતો. શહેર ભાજપ પ્રમુખ ધીરુ ભીયાણીએ પાંચ લાખનો હપ્તો જે નેતાએ માગ્યો હોય તેને ખૂલ્લા પાડવા પડકાર ફેંક્યો હતો.
ગીર સોમનાથમાં ભાજપના નેતા પકડાયા
20 માર્ચ, 2017માં ગીર સોમનાથમાં તાલુકા પંચાયતના ભાજપના સભ્ય મેરભાઈ લાંચ લેતા ઝડપાયા હતા. મકાન આપવા માટે લાંચ માગી હતી. સભ્ય ભરત રૂપાલાને સાથે રાખી લાંચ માગી હતી.
રાધનપુરમાં ભ્રષ્ટાચારનાં પૂર
રાધનપુર ભાજપ ભ્રષ્ટાચારનું કેન્દ્ર બની ગયું છે. ભાજપના એક રાજ્ય કક્ષાના નેતાએ ભ્રષ્ટાચાર કરીને એક ટીવી ચેનલમાં ભાગીદારી કરી છે. અગાઉ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા એક કર્મચારીને છૂટ્ટો કરવામાં આવ્યો હતો. જેને પગલે તેણે હાઇકોર્ટમાં અરજી કરતા હાઇકોર્ટે નોકરી ઉપર પરત લેવાનો આદેશ કર્યો હતો. જો કે, હાઇકોર્ટનો હુકમ હોવા છતાં ભાજપના મહિલા કોર્પોરેટરે કર્મચારી પાસે નોકરીમાં પરત લેવા રૂ. 5 હજારની માગણી કરી હતી. તે ઝડપાઈ ગઈ હતી. આ મહિલા કોર્પોરેટર દ્વારા ફરિયાદી પાસે લાંચ માગવાની ઓડિયો ક્લીપ સામે આવી હતી.
આવા એક જ વર્ષમાં ભાજપના 28 કિસ્સા બહાર આવ્યા છે. જે પાશેરામાં પૂણી બરાબર છે. ભ્રષ્ટાચાર એટલો વ્યાપક બની ગયો છે.