ભાજપમાં 10 બેઠક પર બળવો, પેરાશૂટ અને સ્થાપિત હિત સામે કાર્યકરોનો ટંકાર

પાટણ, આણંદ, જૂનાગઢ, મહેસાણા, ઊંઝા, બનાસકાંઠા, અમદાવાદ પૂર્વ, પંચમહાલ અને પોરબંદર બેઠકો માટે ભાજપમાં મડાગાંઠ ઉકેલાતી નથી. તેથી ઓમ માથુરે તુરંત ગુજરાત દોડી આવવું પડ્યું હતું. તેમ છતાં આ વિવાદો ઉકેલાતા ન હોવાથી મામલો અમિત શાહે હાથ પર લીધો હોવા છતાં આ વિસ્તારોમાં ભાજપની સ્થિતી ખરાબ બની છે. અમિત શાહ પણ આ મામલો ઉકેલી શક્યા નથી. 2014 કરતાં 2019માં ભાજપમાં બળવાની પરિસ્થિતીનુ નિર્માણ વધું થયુ છે. લગભગ 10 બેઠકો પર ભાજપમાં બળવા જેવી સ્થિતી છે. ગાંધીનગરમાં પણ અડવાણી ગેરહાજર રહીને અમિત શાહ સામે બળવા જેવી સ્થિતી ઊભી કરી દીધી છે. આમ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન મહેસાણા, પાટણમાં ભારે વિરોધ છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના જિલ્લા રાજકોટમાં રાદડિયા વિરોધ કરી રહ્યાં છે. ભાજપના મહામંત્રી કે સી પટેલ સામે તો રીતસર બળવો થયો છે. નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલના મહેસાણામાં તો પક્ષના કાર્યકરોએ સમાંતર પસંદગી સમિતિ બનાવીને તેમની સામે બળવો કર્યો છે. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહના માદરે વતન મહેસાણામાં સ્ફોટક સ્થિતી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગર-ઊંઝામાં કાર્યકરો ખૂલ્લીને બહાર આવ્યા છે.

પાટણ બેઠક માટેની જવાબદારી દિલીપ ઠાકોરને સોંપાઈ છે. જ્યારે મહેસાણા માટે નાબય મુખ્યમંત્રી નીતિન પટેલને જવાબદારી સોંપવામાં આવી છે.

હરિભાઈ ચૌધરી અને દિલીપ ઠાકોરની સાથે અમદાવાદ પૂર્વના દાવેદાર મનોજ જોશીને ભાજપની કચેરીએ બોલાવવામાં આવ્યા હતા.  કોંગ્રેસ છોડીને ભાજપમાં પક્ષપલટો કરેલા પૂર્વ ધારાસભ્ય ડો.આશા પટેલનો ભાજપમાં ઉગ્ર વિરોધ થઇ રહ્યો છે. આશા પટેલને પેટા ચૂંટણીમાં ઉમેદવાર ન બનાવાવ માટે ભાજપના કાર્યકરોએ જિલ્લા મોવડી મંડળને રજુઆત કરી છે. જો ભારતીય જનતા પાર્ટી ઉંઝા બેઠકની પેટાચૂંટણીમાં આશા પટેલને ટીકિટ આપશે તો વિધાનસભા સાથે લોકસભામાં પણ ભાજપને હરાવવાની પ્રતિજ્ઞા ભાજપના નેતાઓ અને કાર્યકરોએ લીધી છે. આમ ભાજપમાં પક્ષપલટુંઓનો ભારે વિરોધ દરેક જગ્યાએ થયો છે. જુનાગઢમાં પણ જવાબહર ચાવડા સામે જિલ્લા ભાજપના નેતાઓ ખૂલ્લીને વિરોધ કરી રહ્યાં છે.

આશા પટેલ જેવા 5 પેરાશૂટ ઉમેદવાર સામે ભાજપના મોવડી મંડળને ઉગ્ર રજુઆત કરાઇ હતી. તેમ છતાં પેરાશૂટ ઉમેદવારોને ટિકિટ આપવામાં આવશે તો લોકસભામાં હરાવવામાં આવશે એવી સ્પષ્ટ ચેતવણી આપતાં ભાજપ માટે ગળામાં કેરી ભરાઈ ગઈ છે.

મહેસાણા સહિત ઊંઝામાં ભાજપમાં ભૂકંપની સ્થિતિ સર્જાઈ છે. સ્થાનિક ભાજપના કાર્યકરોએ જાતે જ લવાદ સમિતિ બનાવી ઉમેદવાર પોતે જ નક્કી કરશે પક્ષ નહીં એવી ધમકી પણ આપી છે. સમિતિએ ભાજપના મહામંત્રી અને અનેક કૌભાંડોમાં જેનું નામ આવે છે એવા કે.સી. પટેલ અને આશા પટેલને ટિકિટ ન આપવા માટે ઠરાવ પસાર કર્યો હતો.   ટિકિટ આપશે તો પક્ષને હારનો સામનો કરવો પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારાઇ છે.

કે.સી. પટેલે APMC તોડી પાડી હોવાનો આરોપ ભાજપના કાર્યકરોએ મૂક્યો છે. સ્થાનિક અને મૂળ ભાજપના વ્યક્તિને જ ટિકિટ આપવાની માંગ કરી છે. આયાતી નેતાઓના સામે ભયાનક રોષ વ્યાપેલો જોવા મળે છે. પાટીદારોના ગઢ કહેવાતા ઉંઝા અને મહેસાણાના ગામડાઓમાં આશા પટેલની વિરુદ્ધમાં ઠેર ઠેર પોસ્ટરો લાગ્યા છે. વીસનગર ભાજપના પૂર્વ મંત્રી મનુભાઇ પટેલે બે દિવસ પહેલા સત્યનારાયણની કથા રાખી હતી. જેમાં મોટી સંખ્યામાં પાટીદારો આવ્યા હતાં અને પાટીદારોએ આશા પટેલનો વિરોધ કરવાનું નક્કી કર્યું હતું. જેને લઇને પ્રભારી ઓમ માથુર અને નીતિન પટેલની આગેવાનીમાં બેઠક યોજાઇ હતી. નીતિન પટેલ તમામને મનાવવાની કોશિષ કરે છે. પણ કાર્યકરો મૂળ ભાજપના જ લોકોને ટિકિટ આપવા અને કેસી પટેલને ન આપવા માટે રાજહઠ પકડી છે.

માસ, ક્લાસ, કાસ્ટના રાજકારણમાં ભાજપ અટવાઈ ગયો છે. પત્તું કપાતાં પંચમહાલના નારાજ પ્રભાતસિંહે સમર્થકોની બેઠક બોલાવી હતી. ભાજપના નેતા જીતુ સોમાણી અપક્ષ ઉમેદવારી નોંધાવશે જ્યારે પોરબંદર બેઠક પર  કેશોદ, જેતપુર, ધોરાજીમાં રાદડિયાના સમર્થનમાં પોસ્ટરો લાગ્યા હતા. જો રાદડિયાને ટિકિટ નહીં તો ભાજપ નહીંનો નારો પ્રબળ બન્યો છે. આમ 7 લોકસભાની ચૂંટણીમાં આ વખતે ઉમેદવારોના પસંદગી કરવી ભાજપ હાઇકમાન્ડે માટે માથાનો દુખાવો બન્યો છે. અત્યાર સુધીમાં ભાજપ 19 ઉમેદવારો જાહેર કર્યાં છે.

ટિકિટની વહેંચણી બાદ ભાજપમાં આંતરિક રોષની આગ ભભૂકી ઉઠી છે. રાજકોટમાં મોહન કુંડારિયાને ભાજપે પુ:ન ટિકિટ આપી છે જેનો ભારે વિરોધ થઇ રહ્યો છે. વાંકાનેર ભાજપમાં ભડકો થયો છે. ભાજપના નેતા જીતુ સોમાણીએ બળવો પોકાર્યો છે. તેમણે ભાજપ વિરુધ્ધ અપક્ષ ઉમેદવારી નોંધાવવા એલાન કર્યુ છે.

બનાસકાંઠામાં ય સાંસદ હરિ ચૌધરીને ટિકિટ ન મળતાં સમર્થકો નારાજ છે.

મહેસાણામાં છેલ્લી બે ટર્મથી વિજયી થતા મહિલા સંસદસભ્ય જયશ્રી પટેલનું પત્તું કપાવવાનું નિશ્ચિત હોવાથી 2 ઠાકોર સહીત 20 પાટીદારોએ મેદાનમાં ઉતરવાની તૈયારી દર્શાવી છે. જ્યારે આ દાવેદારી માટે રૂપિયા 25 હજારના ઉઘરાણા સામે કચવાટ થવા સાથે પાટીદાર આંદોલન પછી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મોઢું ફેરવી લેનાર પાટીદારોનો કેસરિયો મૂડ જોઇને મોવડીમંડળ પણ હાર્દિકનું દર્દ ભૂલી આશ્ચર્યચકિત થઇ ગયું છે.