ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા પર ગુજરાતના ખેડૂતોની સુખ અને સમૃદ્ધી માટે ઉપયોગી પીવાનું, સિંચાઈનું પાણી મળી રહે એ ઉદ્દેશ્યથી કોંગ્રેસપક્ષના શાસનમાં સ્થપાયેલ સરદાર સરોવર ડેમની મુખ્ય નહેરોનું ૯૦ ટકા જેટલુ કામ પૂર્ણ થયા હોવા છતાં ભ્રષ્ટ ભાજપ સરકારના શાસનમાં નહેરોનું કામ પૂર્ણ કરી શકી નથી.
છેલ્લા ૨૨ વર્ષના શાસનમાં ભાજપની ભ્રષ્ટાચારી નીતિઓનો ભોગ ખેડૂતો બની રહ્યા છે. વિરમગામ તાલુકાની ૬૦૦ વીઘા જેટલી જમીનમાં તંત્રના પાપે પાણી ઘુસી જતા ખેતી – ખેતપેદાશ ધોવાઈ ગયો અને લાખો રૂપિયાનું નુકસાન થયુ જેના માટે જવાબદાર ભાજપ સરકારના ભ્રષ્ટ સિંચાઈ વિભાગ – નર્મદા વિભાગ ખેડૂતોને થયેલા નુકસાનનું તાત્કાલિક વળતર ચૂકવે તેવી માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે.
છેલ્લા પાંચ વર્ષમાં બનાસકાંઠા, પાટણ, અમદાવાદ સહિત ૮ જીલ્લાના ૩૫૧ જેટલા ગાબડા – વારંવાર કેનાલો તૂટવાના બનાવો બન્યા છતાં ગાંધીનગરમાં બેઠેલા મંત્રીઓ કુંભકર્ણની નિંદ્રામાં સુઈ રહ્યાં છે. છેલ્લા પાંચ વર્ષમાં ૩૫૧ જેટલા કેનાલો તુટવાના – ગાબડા – ભંગાણ એ ભ્રષ્ટાચારની પ્રગતિશીલ ભાજપ સરકારનો બેનમુન નમુનો છે.
વર્ષ ૨૦૦૫ પછી વારંવાર કેનાલોમાં ગાબડા પડવાથી અને ખેડૂતોના ખેતરમાં પાણી ફરી વળવાની ઘટનાના પરીણામે ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન થયુ છે. સરકાર ખેડૂતોના હિતમાં નિર્ણય કરે અને તંત્રની નિષ્ફળતાને લીધે ખેડૂતોને થયેલ નુકસાન અંગે વળતર ચુકવે તે જરૂરી છે.
ગુજરાતના ખેડૂતોને પીવાનું પાણી, પુરતી વિજળી, યોગ્ય ટેકાના ભાવ, પાકવીમો અને સિંચાઈનું પાણી આપવામાં સદંતર નિષ્ફળ નીવડેલ ભાજપ સરકારના શાસનમાં વિરમગામમા ૬૦૦ વીઘામાં પાણી ફરી વળે, કેનાલો તુટવાથી લાખો હેક્ટર જમીન પાણી પાણી થાય, ખેડૂતોના જમીન અને પાકનું નુકસાન થાય.
કેનાલ તૂટવા – ગાબડા – ભંગાણ પડવાના બનાવો અંગે વિધાનસભામાં સરકારે જણાવેલ હતુ કે, વારંવાર કેનાલ તૂટવા પાછળ ઉંદરો અને નોળીયા જવાબદાર છે. સરકારના આવા બેજવાબદાર નિવેદન અંગે આકરા પ્રહાર કોંગ્રેસે કર્યા હતા.
કેનાલ તૂટવા – ભંગાણ માટે જવાબદાર ઉંદર – નોળીયા ચાર પગ વાળા કે ભ્રષ્ટાચારી બે પગવાળા તે પણ ગુજરાતના ખેડૂતોને જણાવવુ જોઈએ. ભાજપ સરકારની ખેડૂત વિરોધી નિતીના કારણે ગુજરાતમાં ખેતી, ખેડૂત અને ખેત મજદૂરોની સ્થિતિ ઘણી વિકટ છે. અતિવૃષ્ટી, કમોસમી વરસાદ અને તીડના આક્રમણથી ગુજરાતના ખેડૂતોને ભારે નુકસાન થયું છે. ખેડૂત મોટા પાયે દેવામાં ડુબી ગયો છે. કેન્દ્ર સરકાર દ્વારા રજુ કરવામાં આવેલ ગુડ ગર્વનન્સના અહેવાલમાં પ્રગતિશીલ વિકાસ ગુજરાત દેશના ટોપ ૧૦ રાજ્યોના સ્થાનમાં કેમ નથી ?
છેલ્લા પાંચ વર્ષમાં કેનાલોમાં ગાબડા – ભંગાણ
બનાસકાંઠા ૨૪૮
પાટણ ૬૦
કચ્છ ૦૧
અમદાવાદ ૨૨
બોટાદ ૦૨
ભાવનગર ૦૧
સુરેન્દ્રનગર ૦૯
મોરબી ૦૮
કુલ ૩૫૧