ભાજપના 3 નેતાઓની સંડોવણી
હળવદના લેભાગુ અધિકારીઓ, રાજકીય નેતાઓ તથા ધારાસભ્ય સહિત વકીલ તથા સહકારી મંડળીઓના સભ્યોની સિંચાઈ કૌભાંડમા સંડોવાયા છે. હળવદ તાલુકાના માનસર ગામના વતની તથા મોરબી જીલ્લા ભાજપના મહામંત્રી ઘનશ્યામ ગોહીલની સ્થાનિક પોલીસે ધરપકડ કર્યા બાદ મોરબી જીલ્લા LCBને પુછપરછ માટે સોંપી દેવાયા બાદ જીલ્લા મહામંત્રીની પુછપરછમા કેટલા કૌભાંડીયાઓના નામ ખુલ્યા છે. જે ગાંધીનગર સુધી કૌભાંડ દોરી જાય છે. કોઈ પ્રધાન સંડોવાયેલા છે કે કેમ તે અંગે પણ શંકા સેવવામાં આવી રહી છે.
રાજકીય ફરિયાદી આરોપી
હળવદ મોરબીમાં રૂપાણી સરકારમાં તળાવો ઊંડા કરવા અને નાની સિંચાઈ માટે રૂ.20 કરોડનું કૌભાંડ થયું હતું તેમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ સામૂહિક ભ્રષ્ટાચાર કર્યો હતો. ભાજપના નેતાએ ભ્રષ્ટાચાર સામે ગાંધીનગરમાં સિંચાઈ પ્રધાનને ફરિયાદ કરી હતી તે પોતે જ આ કૌભાંડમાં સામેલ હોવાનું બહાર આવ્યું છે.
આંતરીક જૂથવાદ
પોલીસ તંત્ર સાથે આંતરીક સબંધના લીધે મોરબી જીલ્લા મહામંત્રીની ધરપકડ ટાળવામા આવતી હતી. પણ હળવદ ભાજપમા આંતરીક જુથવાદ હોય અને વિધાનસભાની પેટાચુંટણી બાદ હવે જુથવાદ વકયોઁ છે. જયંતિ કાવડિયાના જૂથનો સફાયો થઈ રહ્યો છે.
પોલીસની બદલી થઈ ને ધરપકડ
પોલીસથી ભાગતાં ભરતાં હળવદ ભાજપના કાર્યક્રમોમાં મંચ પર રહેતા હતા. પોલીસમાં સગાઓની બદલી થતાં જ બીજા જ દીવસે સવારે ઘનશ્યામ ગોહીલની ધરપકડ કરાઇ હતી. બે દિવસના રીમાન્ડ મંજુર કરાયા હતા. ઘનશ્યામ ગોહીલની ધરપકડ પહેલા મંડળીના સભ્યો તથા હોદ્દેદારોની પુછપરછ કરી હતી. હળવદ મંડળીના નવ હોદ્દેદારો તથા સભ્યો પોલીસ સમક્ષ હાજર થતા તેઓની પુછપરછ કરવામા આવી હતી. જેમા ઘનશ્યામ ગોહીલની સામે પુરાવા મળ્યા હતા.
પૂર્વ પંચાયત પ્રધાન કાવડિયાનું રક્ષણ
ભાજપની રૂપાણી સરકારના પૂર્વ પંચાયત પ્રધાન જેન્તીભાઇ કવાડીયાની ગેરહાજરીમાં તેના ખાસ ઘનશ્યામ ગોહીલની ધરપકડ થઈ હતી. ન્યાયાલયમાં આગોતરા જામીન અરજી રદ થઈ હતી.
ઈજનેર મુખ્ય સૂત્રધાર
ઈજનેર સી ડી કાનણી મુખ્ય સૂત્રધાર હતા, જયંતિલાલ પંડ્યા, ભરત સવજી રાઠોડ, ગણપત મોહન રાઠોડ સામે 100 પાનાનું આરોપનામુ ઘ઼ડવામાં આવ્યું હતું. મોરબી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ વલ્લભ પટેલ, રામજી પટેલ, મોરબી જિલ્લા પંચાયતના સિંચાઈ સમિતિના પૂર્વ અધ્યક્ષ ધર્મેન્દ્ર પટેલ, પુના રાઠોડ સહિત 14 લોકો સામે રૂ.20 કરોડના કૌભાંડની ફરિયાદ થઈ હતી.
તળાવો ઊંડા કરવાનું 20 કરોડનું કૌભાંડ
મોરબી જિલ્લામાં નાની સિંચાઈ યોજના 46 પ્રોજેક્ટના 280 કામોમાં 20 કરોડના સિંચાઈના કામોમાં કૌભાંડ આચરવામાં આવ્યું હતું. વ્યાપક ભ્રષ્ટાચારની ફરિયાદ બાદ પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. રૂપાણી સરકારમાં તળાવો ઊંડા થયા ન હતા અને તેની રૂ.20 કરોડની રકમ ચૂકવી દેવામાં આવી હતી.
ભાજપના ધારાસભ્ય પરસોત્તમ સાબરીયાની સંડોવણી
જે અંગે ભાજપના ધારાસભ્ય સાબરીયા દ્વારા પૈસા માંગતી ઓડિયો ટેપ બહાર આવી હતી અને ભ્રષ્ટાચાર સાબિત થયો હતો. ભાજપના હાલના ધારાસભ્ય સાબરીયાને જેલમાં મોકલવામાં આવ્યા ત્યારે તેઓ કોંગ્રેસના ધારાસભ્ય હતા. પણ જયંતિ કાવડિયાએ જેલમાં મળીને તેના ઉપર દબાણ કર્યું હતું કે કોંગ્રેસ છોડીને જો ભાજપમાં આવે તો તેને જેલમાંથી મુક્ત કરી ગુનામાં છોડાવી લેશે. ત્યાર બાદ સાબરીયા ભાજપમાં જોડાયા હતા. કોંગ્રેસથી રાજીનામું આપીને હવે તેઓ ભાજપના ધારાસભ્ય છે.