કોંગ્રેસના અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકના ઉમેદવાર ગીતા પટેલે અમદાવાદ પોલીસ પાસે રક્ષણ માટે અરજી કરી હોવા છતાં તેમને પોલીસ રક્ષણ આપવામાં આવતું ન હોવાની ફરિયાદ જાહેરમાં કરી છે. તેમણે કહ્યું હતું કે, મુખ્ય પ્રધાન વિજય રૂપાણની સભામાં 100 લોકો પણ સ્વૈચ્છાએ આવતાં નથી મારી સભામાં અનેક લોકો આવે છે. જેમાં ત્રણ ખુન કરેલા હોય એવા લોકો પણ આવીને સભામાં બેસે છે. અહીં ડરનો માહોલ છે. ભારતીય જનતા પાર્ટી અમારી સભાની અંદર ગુંડાઓને મોકલીને સભાને વેર વિખેર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. લોકોને અંદરો અંદર ઝઘડાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પણ અમે અમારી તાકાતથી આજ દિન સુધી ડર્યા વગર આ સરકારની સામે લડ્યા છીએ. અને આવનારા દિવસોમાં પણ ડરવાના નથી. કદાચ ભાજપના નેતાઓ એવું માનતા હોય કે, મહિલા ઉમેદવાર છે ડરી જશે. પણ આ મહિલા કમજોર નથી. આ સરકારની સામે બાયો ચડાવીને લડવાનું છે અને બિલકુલ ડર્યા વગર લડવાનું છે.
રક્ષણ પુરૂં પાડવા માટે અરજી આપેલી હતી છતાય પોલીસ તંત્ર રક્ષણ આપવામાં નિષ્ફળ નીવડ્યું છે. ગાડીની અંદર ધોકા લઇને આવે છે એવું PI ઝાલાએ આઈડન્ટીફાઈ કર્યા છતાય કોઈ પગલાં ભરતાં નથી. ભાજપના ઇશારે PI ઝાલા કામ કરતા હોય. ગાડીની અંદર ધોકાઓ અને સમાન પણ અમે પોલીસને બતાવ્યા હતા. આ લોકો સાધન સામગ્રી લઇને આવ્યા છે. તમે આ લોકોને એરેસ્ટ કરીને લઈ જાવ. છતાંય એક્શન લેવામાં ન આવ્યું એટલે ભાજપના લોકોના હાથ નીચે આ બધું થયુ હોય તેવી શંકા છે.
ગીતા પટેલે જણાવ્યું હતું કે, મારે અલ્પેશ કથીરિયાના પિતા ઘનશ્યામભાઈ સાથે વાત થઈ છે. સુરતના PAAS કન્વીનર ધાર્મિક માલવિયાએ પણ જાહેર કર્યું છે કે, તેમણે કોઈ વિરોધ કર્યો નથી કે કોઈ લોકોને વિરોધ કરવા માટે કહ્યું નથી. તેથી મારો આરોપ છે કે, સભામાં આવીને જે લોકો ધમાક કરે છે તે માત્રને માત્ર ભાજપે મોકલેલા ગુંડાઓ છે.