ભાજપ પક્ષાંતર કેમ કરાવી રહ્યો છે ? શું દેશ ભક્તિનો નશો ગુજરાતમાં ચઢતો નથી ?

લોકશાહી નહીં પક્ષશાહી – દિલીપ પટેલ – રાજકીય વિશ્લેષણ

ભાજપે જામનગર, જૂનાગઢ, સુરેન્દ્રનગર, મહેસાણા અને કચ્છ લોકસભા બેઠક પર પક્ષાંતર કેમ કરાવ્યું તેનું ગણિત રાજકીય પંડિતોએ જાહેર કર્યું છે.

કોંગ્રેસના ધારાસભ્યો વધું હોય એવી 13 લોકસભા બેઠક છે. રાષ્ટ્રીય રાજકારણમાં કોંગ્રેસ ફરીથી ઉભરી  હોવાથી અમિત શાહ ગુજરાતમાં 26 બેઠકોમાંથી માંડ અડધી જ અપાવી શકે તેમ હતા. કોંગ્રેસનું વાતાવરણ બન્યું છે. ગુજરાતમાં બનાવટી દેશભક્તિ ચાલે તેમ નથી. કારણ કે, 2017ની ચૂંટણીમાં રાજ્યના સાત જિલ્લાની 21 બેઠકમાંથી ભાજપને એકપણ બેઠક મળી નથી. વળી 8 જિલ્લાની 26 બેઠકો પૈકી ભાજપને માત્ર આઠ બેઠકો મળી છે. ગુજરાતના મતદાર ભાજપથી વિમુખ છે જે આંકડા પોતે સાબિત કરે છે. બનાવટી દેશ ભક્તિનું વાતાવરણ ઊભું ન થતાં કોંગ્રેસના લપસણીયા ધારાસભ્યોને ભાજપમાં લેવામાં આવે તો જ કોંગ્રેસનો જનાધાર તૂટે તેમ છે. પણ 2017માં તો 14 ધારાસભ્યો કોંગ્રેસના તોડીને ભાજપમાં પક્ષાંતર કરાવાયું હતું છતાં તેમાં માત્ર 2 ધારાસભ્યો જ ચૂંટાયા છે. તે પણ તેમના પ્રભુત્વના કારણે નહીં કે ભાજપના કારણે.

પાંચ જિલ્લામાં ધારાસભ્યોનું પક્ષાંતર થયું છે. લોકસભાની 5 બેઠક પર ભાજપને સૌથી ઓછા મત 2014માં મળ્યા હતા. તે મતોનું ધોવણ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પણ ચાલુ રહ્યું હતું. તેથી ભાજપે જો તે બેઠક જીતવી હોય તો કોંગ્રેસને વેરવિખેર કરે તો જ મળે તેમ હતી. નહીંતર ભાજપ આ પાંચ બેઠક પર હારી જાય તેમ હતો. આ પાંચ લોકસભા એવી છે કે જ્યાં શહેરી વિસ્તારના મતદારો કરતાં ગ્રામ્ય વિસ્તારોમાં મતદાર વધું છે. સહકારી, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પણ કોંગ્રેસ અહીં સારી સ્થિતીમાં છે. તેથી ભાજપને કોઈ રીતે આ પાંચ બેઠક મળે તેમ ન હતી.

ભાજપે મોટા ભાગના પક્ષાંતર સૌરાષ્ટ્રમાં કરાવ્યા છે. કારણ કે સૌરાષ્ટ્રમાં કોંગ્રેસના 28 ધારાસભ્યો હતા. મળી છે. કુંવરજી બાવળીયા, જૂનાગઢના માણાવદરના જવાહર ચાવડા, જામનગર ગ્રામ્યના વલ્લભ ધારવીયા, શહેરના ધર્મેન્દ્ર જાડેજા અને રાઘવજી પટેલને ભાજપમાં જોડાવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેઓ આર્થિક ખાડામાં કે સત્તાની લપેટલમાં લપસી શકે તેમ હતા તેઓ ભાજપમાં જોડાયા હતા. સૌરાષ્ટ્રના 42 ધારાસભ્યોમાંથી કોંગ્રેસને 28 ધારાસભ્ય છે. વિઠ્ઠલ રાદડીયાના પક્ષાંતર બાદ ભાજપ ફરી સત્તા પર આવ્યો હતો. જો ભાજપે તેમ ન કર્યું હોત તો જીત મુશ્કેલ હતી.

ખરેખર આ લોકશાહી કરતાં તો પક્ષ શાહી વધું છે. પક્ષના ધારાસભ્યો લાલચમાં આવે છે અને લોકો સાથે દ્રોહ કરી બેસે છે. લોકોના મત તોડવા માટે પક્ષાંતર કરવામાં આવી રહ્યું છે. લોકો માટેની આ લોકશાહી હવે રહી નથી. જેને લોકો ચૂંટીને મોકલે છે તે સત્તા અને સંપત્તિ માટે પક્ષાંતર કરે છે.

જે ધારાસભ્ય કે કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર પક્ષાંતર કરીને કોંગ્રેસ છોડવા તૈયાર ન હતા તેમની સામે અફવા ફેલાવીને તેમને નબળા પાડીને કોંગ્રેસને નબળી પાડવાની ભાજપની ચાલ રહી છે. જેમાં સૌરાષ્ટ્રના 12 ધારાસભ્યો અને લોકસભાના બે સંભવિત ઉમેદવાર સામે અફવા ફેલાવવામાં આવી હતી કે, તે ભાજપમાં જોડાય છે. પણ ખરેખર એવું ન હતી. તમામ નેતાઓ અને નેતીઓએ જાહેરમાં સ્પષ્ટતા કરવી પડી હતી કે તેઓ જીવનભર ક્યારેય કોંગ્રેસ છોડશે નહીં. આ માત્ર અફવા છે.

ભાજપને સૌથી મોટો ભય એ છે કે, જે નવા મતદાર કે જે યુવાન છે તે ભાજપની નીતિઓથી ખુશ નથી. તેથી આવા 26 લાખ મતદારો તેમની સામે જઈ શકે તેમ છે. જેમાં અડધાતો સૌરાષ્ટ્રના છે. જેમની પાસે ખેતી સિવાય કોઈ બીજો વ્યવસાય કે નોકરી નથી. તેથી જો કોંગ્રેસને જ નીતિ વિરૃદ્ધ તોડી નાંખવામાં આવે તો કોંગ્રેસને ઓછા મત મળે.

ભાજપનો જ્ઞાતિવાદ

ભાજપ ભૂગર્ભમાં રહીને 1990થી જ્ઞાતિવાદનું રાજકારણ ખેલતો આવ્યો છે. 2001થી નરેન્દ્ર મોદી મુખ્ય પ્રધાન બન્યા ત્યારે તેઓ છૂપો જ્ઞાતિવાદ રમતાં રહ્યાં છે. કોઈને ખ્યાલ પણ ન આવે તે રીતે તેઓ જ્ઞાતિના સમિકરણો ગોઠવતાં રહ્યાં હતા. પણ હવે અમિત શાહ જ્ઞાતિના સમીકરણ ખૂલ્લામાં ગોઠવી રહ્યાં છે. કોળી, આહિર, ઓબીસી અને ઉત્તર ગુજરાતમાં પાટીદાર જ્ઞાતિના મજબૂત લોકોને પક્ષમાં લેવામાં આવ્યા છે. તેથી તેમની જ્ઞાતિનો ઉપયોગ મતદાર તરીકે કરી શકે.

કોંગ્રેસની નિષ્ફળતા

કોંગ્રેસ દ્વારા તેમના નેતા સાથે ઊભા રહીને તેમને મદદ કરાવાની નીતિ નથી. અમિત ચાવડા જેમાં સદંતર નિષ્ફળ રહ્યાં છે. એક જ કુટુંબના નેતાઓનું પ્રભુત્વ કોંગ્રેસમાં તાલુકા, જિલ્લા, રાજ્ય અને દેશમાં જોવા મળે છે. એક જ નેતા કહે તે સાચું પક્ષના અન્ય નેતા કહે તે સાચું નહીં એવી માનસિકતા ભરતસિંહ સોલંકીથી લઈને તેમના ભાઈ અમિત ચાવડા સુધી રહી છે. ભાજપ સરકાર જ્યારે અત્યાચાર કરે છે ત્યારે તેઓ કોંગ્રેસના કાર્યકરો, નેતા કે નેતીઓ જ્યારે તકલીફમાં હોય છે ત્યારે તેમની મદદ કરતાં નથી. ઉપરના નેતાઓને ખૂશ રાખીને રાજનીતિ કરવાનું કોંગ્રેસને ભારે પડી ગયું છે. માધવસિંહ સોલંકીથી લઈને તેમના પુત્ર ભરત સોલંકી અને હવે તેમના સંબંધી ભાઈ અમિત ચાવડા પણ માધવસિંહના પગલે છે. તેથી ગુજરાતના લોકો કોંગ્રેસને ઈચ્છે છે છતાં તેમને મત આપતાં નથી. તેમને સૌથી મોટો ભય માધવસિંહના જ્ઞાતિવાદનો લાગી રહ્યો છે. ગુજરાતના મતદારો અમિત શાહ, વિજય રૂપાણી, જીતેન્દ્ર વાઘાણી અને નરેન્દ્ર મોદીથી ખુશ નથી. પણ કોંગ્રેસના નેતાઓ તેનો ફાયદો ઉઠાવીને ગુજરાતના  લોકો પસંદ કરે એવી નીતિ તેઓ અમલી કરી શક્યા નથી. જો તેમ કર્યું હોત અને માધવસિંહ સોલંકીએ કરેલી જ્ઞાતિવાદની ભૂલ સુધારી લેવામાં આવી હોય તો ગુજરાતમાં કોંગ્રેસ 2007, 2012 અને 2017માં સત્તા પર આવી શકે તેમ હતી. પણ કોંગ્રેસ 1985ના ગણિતથી આજે પણ ચાલી રહી છે. પાંચ નેતાઓ રાહુલ ગાંધી પાસે ચક્કર મારે છે અને અને આ પાંચ નેતાઓ જે કહે છે તે રાહુલ કરે છે. અહેમદ પટેલ પોતાનું પ્રભુત્વ ટકી રહે અને તેનું રાજ રહે તેવા નિર્ણયો લેતા આવ્યા છે. તેમણે ગુજરાતામાં ક્યારેય કોંગ્રેસનું હીત જોયું નથી. જો તેમણે કોંગ્રેસનું હીત જોયું હોત તો આજે તેઓ નરેન્દ્ર મોદીને મદદ કરતાં ન હોત.

(દિલીપ પટેલ, અમદાવાદ)