ભાજપ પ્રદેશ પ્રમુખ જીતેન્દ્ર વાઘાણી મર્યાદા ઓળંગીને કોંગ્રેસના નેતાઓને હરામજાદા કહેતાં તેમની ગરીમા પ્રજામાં ઓછી થઈ છે. 7 એપ્રિલ 2019ના દિવસે સુરતના અમરોલીમાં જાહેરસભામાં કોંગ્રેસ કાર્યકરોને હરામજાદા કહેતા તેની સામે ફરિયાદ નોંધાઇ હતી. સુરત અદાલતે તેની તપાસ કરવાનો આદેશ કર્યો છે.
સુરત શહેર કોંગ્રેસના પ્રવક્તા અને આ કેસમાં વકીલ તરીકે હાજર રહેલા કિરણ રાયકાના જણાવ્યા અનુસાર જીત વાઘાણીએ અમરોલીની સભામાં બેફામ નિવેદનો કર્યા હતા. તેમણે એવો આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસના લોકો અધાંધૂધી અને અરાજકતા ફેલાવવા નીકળ્યા છે. તેમણે લુખ્ખા અને ગુંડા સુધી કહી દીધા હતા. કોંગ્રેસના લોકોને સુરતની બહાર કરી દઇશુંથી લઇને હરામજાદા સુધીના શબ્દોનો ઉપયોગ કરી નાંખ્યો હતો.નિવેદનો સામે ચૂંટણી પંચે સ્યુઓ મોટો ફરિયાદ લીધી હતી પરંતુ તેમણે ક્લીનચીટ આપી હતી. જોકે, કોંગ્રેસ તરફથી આ બાબતે કોંગ્રેસની લીગલ સેલ દ્વારા એડીશનલ સીનીયર સિવિલ જજની કોર્ટમાં ફરિયાદ કરી હતી. કોંગ્રેસની દલીલ છે કે આવા નિવદનો કરીને જીત વાઘાણી સમાજની શાંતિ અને સુલેહ ભંગ કરવા માગે છે. કોર્ટે તેમની અરજીનો સ્વીકાર કર્યો હતો. કોર્ટે આ અંગેની તપાસ કરવા માટે સલાબતપુરા પોલીસને આદેશ કર્યો છે. સૂત્રો કહે છે કે ઇલેકશન કમિશને ભલે વાઘાણીને ક્લીન ચીટ આપી પરંતુ પોલીસ તપાસ પછી જો કોર્ટમાં સાબિત થઇ જશે તો તેમને ભારે પડી શકે છે. જીતુ વાઘાણીનો છેલ્લા કેટલાક સમયથી સમય ખરાબ ચાલી રહ્યો હોય તેમ લાગે છે. થોડા સમય અગાઉ જ તેમનો પુત્ર કોલેજની પરીક્ષામાં કોપી કરતા પકડાયો હતો ત્યારે તેમણે જવાબ આપવાનો ભારે પડી ગયો હતો.
