ભાજપ માટે નબળું પડેલું સૌરાષ્ટ્ર જીતવા મોદી રાજકોટથી ચૂંટણી લડે તેવા પ્રયાસો

નરેન્દ્ર મોદીએ કેશુભાઈ પટેલને ઉથલાવી દીધા બાદ તેઓ પ્રથમ ચૂંટણી રાજકોટથી જ લડ્યા હતા. જ્યાં કેશુભાઈના ખાસ એવા વજુભાઈ વાળાની બેઠક ખાલી કરાવીને તેઓ પેટા ચૂંટણી લડીને મુખ્ય પ્રધાન તરીકે ચાલુ રહ્યાં હતા. હવે સૌરાષ્ટ્રમાં ભાજપનું પ્રભુત્વ ઘટી ગયું છે. 2017માં વિધાનસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં કોંગ્રેસના ધારાસભ્યો વધુ ચૂંટાયા છે અને ભાજપના ઓછા તેની સીધી અસર લોકસભાની બેઠક પર થઈ શકે તેમ છે. તેથી ભાજપને સૌરાષ્ટ્રની રાજકોટ સિવાય તમામ લોકસભા બેઠક ગુમાવવી પડે તેમ છે. તેથી રાજકોટ બેઠક પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી લડે એવા પ્રયાસો થઈ રહ્યાં છે. 2014માં તેઓ વડોદરા અને વારાણસીથી લડેલાં હતા અને મધ્ય ગુજરાત ભાજપે મજબૂત કર્યું હતું.

રાજકોટ લોકસભા બેઠક પરંપરાગત રીતે ભાજપની સલામત બેઠક ગણાય છે. ૧૯૮૯ પછી ભાજપ માત્ર એક જ વખત (૨૦૦૯માં) આ બેઠક  હાર્યું છે. તેના માટે ઉમેદવાર પ્રત્યને સ્થાનિક કાર્યકરોની નારાજગી જવાબદાર રહી હતી. ૨૦૧૪નાં ભાજપનાં ઉમેદવાર મોહન કુંડારિયા આ બેઠક પરથી  ૩૫.૪૫% મતોનાં તફાવતથી જીત્યા હતા. કોંગ્રેસનાં મજબૂત નેતા અને કોળી આગેવાન કુંવરજી બાવળીયા હવે ભાજપમાં જોડાય ગયા છે. વિજય રૂપાણી મુખ્ય પ્રધાન છે. રાજકોટ  લોકસભા બેઠકમાં સાત વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. જેમાં રાજકોટ ગ્રામ્ય, રાજકોટ પૂર્વ, રાજકોટ દક્ષિણ, રાજકોટ પશ્ચિમ, જસદણ, ટંકારા અને વાંકાનેર  બેઠક. ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ ચાર બેઠકો અને કોંગ્રેસ ત્રણ બેઠકો (જસદણ, ટંકારા, વાંકાનેર) જીત્યુ હતું. જો કે, કુંવરજી બાવળીયા ભાજપમાં જોડાયા અને પેટા ચૂંટણીમાં આ બેઠક ભાજપ જીત્યુ છે. વળી, મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટ પશ્ચિમ બેઠક ૫૩૭૫૫ મતની લીડથી વિધાનસભા ચૂંટણી જીત્યા છે. શહેરી મતદાર ભાજપ માટે અકબંધ છે અને કુંવરજી બાવળીયાનાં આવવાથી ગ્રામ્ય મતદારો પણ ભાજપ તરફ વળશે તેમ સ્થાનિક આગેવાનો માની રહ્યા છે. નરેન્દ્ર મોદીનું રાજકોટ કનેકશન જાણીતું છે. ૨૦૦૧માં જયારે તેમણે ગુજરાતનું સુકાન સોંપવામાં આવ્યુ ત્યારે મોદી પેટા ચૂંટણી રાજકોટ (૨)થી લડ્યા હતા અને જીત્યા હતા. આ બેઠક પરથી હવે વિજય રૂપાણી જીતે છે. ભાજપનાં એક નેતાએ જણાવ્યું કે, છેલ્લા થોડા સમયથી જે સ્થિતિ આકાર લઇ રહી છે તે જોતા જણાય છે કે, આ બેઠક પરથી કોઇ ‘મોટા’નેતા અહીંથી ચૂંટણી લડશે.  જેમાં મોદી પણ હોઇ શકે છે. ‘સૌ પહેલા તો રાજકોટને એઇમ્સ હોસ્પિટલ મળી. ૨૦૧૭માં મોદીએ રાજકોટને આંતરરાષ્ટ્રિય એરપોર્ટ માટે ખાતમુહૂર્ત કર્યું. આ સિવાય, રાજકોટ-અમદાવાદ સિકસ-લેન હાઇ-વેની સાથે સાથે હવે રાજકોટ-જેતપુર હાઇ-વેની પણ જાહેરાત કરવામાં આવી છે. તાજેતરમાં માધાપુર ચોકડી પર ફલાઇય ઓવર બનાવવાની જાહેરાત થઇ અને ગોંડલ ચોકડી પર પણ ઓવર બ્રીજ બનાવવાની જાહેરાત કરવામાં આવી.’ આ નેતાએ ઉમેર્યુ કે, રાજકોટની જીવાદોરી સમાજ આજી (૧) ડેમમાં સૌની યોજનાનું પાણી લાવવામાં આવ્યુ છે અને ટૂંક સમયમાં ન્યારી (૧)માં પણ સૌની યોજના થકી પાણી લવાશે.  રાજકોટને નવી જીઆઇડીસી ફાળવવામાં આવી છે. રાજકોટને કન્ટેનર ડેપો પણ આપવામાં આવ્યો છે. સૌથી અગત્યની વાત એ છે કે, જે ટાઉન પ્લાનિંગ સ્કિમો છેલ્લા ૨૦ વર્ષની મંજુર થતી નહોતી પણ છેલ્લા છ મહિનામાં ૨૨ ટાઉન પ્લાનિંગ સ્કીમો રૂપાણી સરકારે મંજુર કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રમાં સાત લોકસભા બેઠકો છે જેમાં રાજકોટ, જામનગર, જુનાગઢ, પોરબંદર, અમરેલી, ભાવનગર અને સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે. એક ગણીત એવું ચાલી રહ્યું છે કે, જો નરેન્દ્ર મોદી રાજકોટ બેઠક પરથી ચૂંટણી લડે તો ભાજપ માટે સમગ્ર સૌરાષ્ટ્રમાં વાતાવરણ ફરે અને ભાજપને તેનો ફાયદા થાય. કેમ કે,  આ વખતે, અમરેલી, જુનાગઢ અને પોરબંદર બેઠક પર ભાજપને ચિંતા છે. નરેન્દ્ર મોદી રાજકોટથી લડશે કે નહીં તે તો સમય જ બતાવશે પણ રાજકોટનાં રાજકારણમાં ગરમાવો જરૂર આવ્યો છે