અમદાવાદ, તા. 25
પ્રશાંત પંડિત
અમદાવાદ મહાનગરપાલિકા (અમપા) દ્વારા વર્ષ 2019-20 માટે વેરાની આવક રૂપિયા 1050 કરોડ અંદાજવામા આવી છે. કરદાતાઓને જે વેરાના બિલો પહોંચતા કરાયા છે એમાં સ્વચ્છતા સેસના નામે રહેણાંકની મિલ્કતોમાં વાર્ષિક રૂપિયા 365 અને કોમર્શિયલ મિલ્કતોમાં વાર્ષિક રૂપિયા 720નો વધારાનો બોજા નાંખવામાં આવ્યો છે. અમપા દ્વારા 18 વર્ષ પહેલા કરાયેલા ઠરાવ અને ગેઝેટને ઘોળીને પી જઈને શહેરમાં વસતા 3.28 લાખ જેટલા આર્થિક નબળા વર્ગના પરિવારો ઉપર સ્વચ્છતા સેસના નામે રૂપિયા બાર કરોડ જેટલો વધારાનો બોજ લાદવામાં આવ્યો છે. અમપાને સ્વચ્છતા સેસના નામે કુલ રૂપિયા 77 કરોડથી પણ વધુની આવક થવાની છે. પણ 18 વર્ષ જૂના ઠરાવ અને ગેઝેટને ઘોળીને પી જઈ ગરીબો ઉપર લાદવામાં આવેલા યૂઝર ચાર્જિસ મામલે ભાજપ કે કોંગ્રેસ કોઈ બોલવા તૈયાર નથી.
અલગ અલગ રીતે કરવેરાનો બોજ
સબ કા સાથ અને સબ કા વિકાસના સુત્રને વળગેલા ભાજપના જ શાસનમાં ઓક્ટોબર-2018થી અમલમાં આવે એ પ્રમાણે શહેરના તમામ રહેણાંક અને કોમર્શિયલ મિલ્કતોના વપરાશકારો ઉપર સ્વચ્છતા સેસ લાગુ કરી દેવામાં આવ્યો છે. વર્ષ-2001માં પહેલી ઓકટોબરના રોજ ગેઝેટ પ્રસિદ્ધ કરાયું હતું. જેમાં સાફ કહેવામા આવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં જે પરિવારો આર્થિક રીતે નબળા છે અને એફોર્ડેબલ હાઉસમાં વસવાટ કરે છે તેમને યૂઝર ચાર્જિસમાંથી મુકિત આપવી. આ મુકિત આપવા પાછળનુ કારણ એ હતુ કે જૂની કરવેરા પદ્ધતિમાં લેટીંગ રેટ આધારિત કરવેરો વસુલાતો હતો. જેમાં કર યોગ્ય કિંમત રૂપિયા 600 કરતા વધારે હોય એવી જ મિલ્કતોમાં સામાન્ય કર ઉપર ટકાવારી મુજબ, સામાન્ય કર, હલાલખોર તેમજ પાણી કર વસુલવામાં આવતો હતો. જ્યારે નવી કાર્પેટ એરિયા આધારિત ફોર્મ્યૂલામાં કર યોગ્ય કિંમતના બદલે કાર્પેટ એરિયાના ફેક્ટરો મુજબ ગુણાકાર કરતા જે સરવાળો આવે તેન સામાન્ય કર ગણીને તેના ઉપર વોટર, કોન્ઝર્વન્સી સહિતના વેરા વસુલવામાં આવે છે.
શહેરમાં કુલ મિલ્કતો અને અમપાનું કર ગણિત
અમદાવાદ શહેરમાં રહેણાંકની મિલ્કતો 16.21 લાખ
અમદાવાદ શહેરમાં કોમર્શિયલ મિલ્કતો 05.10 લાખ
આર્થિક રીતે નબળા ગરીબ પરિવારો 03.28 લાખ
ઝૂંપડા, અમપાએ ઝૂંપડાને કરની વ્યાખ્યામાથી રદ્દ કર્યા છે
સ્વચ્છતા સેસ રહેણાંક માટે વાર્ષિક રૂપિયા 365
સ્વચ્છતા સેસ કોમર્શિયલ માટે વાર્ષિક રૂપિયા 720
એફોર્ડેબલ હાઉસિંગ માટે સ્વચ્છતા સેસ 0.50 પૈસા
કેટલી આવકની ગણતરી મુકાઈ
શહેરમાં કુલ મળી 21.31 લાખ મિલ્કતોમાંથી રૂપિયા 77.32 કરોડ સ્વચ્છતા સેસની આવક
શહેરમાં બીપીએલ પરિવારો ૩.28 લાખની મિલ્કતોમાંથી રૂપિયા 11.99 કરોડ સ્વચ્છતા સેસની આવક
અદાણી–ટોરેન્ટ પાવરને લહાણી ગરીબોને અન્યાય
અમદાવાદ શહેરમાં અદાણી ગેસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ગેસ પાઈપ લાઈન નાંખવામાં આવી છે. અમપા વર્ષ 2010થી અદાણી પાસે વર્ષે રૂપિયા 7.15 કરોડ મિલ્કતવેરો વસુલે છે. આજ અદાણીને ભાડુઆતના ધોરણે આકારણી કરવામાં આવે તો વર્ષે દસ ટકાના અંદાજ મુજબ અમપાને સીધી દોઢ કરોડની આવક વધુ મળે એટલે કે અદાણી પાસેથી નવ કરોડ મિલ્કતવેરો મળે. આજ પ્રમાણે ટોરેન્ટ પાવર દ્વારા શહેરમાં નાંખવામા આવેલી વીજલાઈનોની આકારણી કરી કર વસુલવામા આવે તો 15 કરોડની આવક અમપાને થાય. આમ બન્ને પાસેથી જો 24 કરોડ વસુલાય તો બીપીએલ ધારકો પાસેથી સ્વચ્છતા સેસના નામે જે રકમ વસુલાઈ રહી છે તેમાંથી 3.28 લાખથી પણ વધુ પરિવારોને મુક્તિ મળી શકે એમ છે.
નિયમ કરતા વહેલું વ્યાજ કરદાતાઓ પાસેથી વસુલાય છે
બીપીએમસી એકટની કલમ-141(ક) મુજબ સરકારી વર્ષ શરૂ થયાની તારીખથી અને કરદાતા તેનો કર ભરે તે મુદતને ધ્યાનમાં રાખીને વ્યાજ ગણવુ પરંતુ અમપા ટેક્સ વિભાગ દ્વારા સરકારી વર્ષ પુરૂં થયા પહેલાંની તારીખમાં જ વ્યાજ ગણી કરદાતાઓ પાસેથી વ્યાજ વસુલાઈ રહ્યું છે.