ભાજપ સરકારના પૂર્વ પ્રધાન બિમલ શાહને કોંગ્રેસમાં લાવવા કવાયત

છેલ્લા થોડા સમયથી ખેડા લોકસભા બેઠકના રાજકીય સમિકરણોમાં ધરખમ ફેરફારો આવે તેમ મનાય છે. ગત વિધાનસભા વખતે ભાજપથી નારાજ થઇને કપડવંજની બેઠક પર અપક્ષ ઉમેદવાર તરીકે ઝુકાવીને 45,000  જેવા જંગી મતો લઇ જનાર પૂર્વ વાહન વ્યવહાર પ્રધાન બિમલ શાહનો ઝુકાવ કોંગ્રેસ તરફ ઢળ્યો છે. બિમલ શાહ કોંગ્રેસ આગેવાનોના સંપર્કમાં હોવાનુ મનાય છે. ખેડા લોકસભા બેઠક પર તે ભાજપનો મુકાબલો કરી શકે તેમ છે એવું ખેડા કોંગ્રેસનું પણ માનવું છે. જો રસ્તો થાય તો તેઓ ખેડાથી લોકસભાની ચૂંટણી લડી શકે છે. ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષે આગામી લોકસભા ચૂંટણીને અનુલક્ષીને રાજકીય ખેલ પાડવા ખભા ઉંચકયા છે. શંકરસિંહ વાઘેલા પણ જે રીતે બહાર આવ્યા છે તે જોતા હવે ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત ત્રીજો મોરચો આકાર લઈ રહ્યો છે.

આવું સુરેન્દ્રનગરમાં પણ થઈ શકે છે. ભાજપના પુર્વ ધારાસભ્ય પરંતુ સીટીંગ એમ.એલ.એ. હોવા છતા ગત વિધાનસભા ચૂંટણી નહી લડનાર લાલજીભાઇ પણ ભાજપ વિરોધમાં કોઇ ચોક્કસ નિર્ણય લઇ શકે છે. કોંગ્રેસી આગેવાનો તેમને કોંગ્રેસ તરફ ખેંચવા સક્રિય છે. ગોઠવાય તે તેઓ સુરેન્દ્રનગર લોકસભા ચૂંટણી પણ લડી શકે છે તેવી ચર્ચા છે.