31 ઑગસ્ટ 2018માં હાર્દિક પટેલના ઉપવાસના સાતમા દિવસે ગઢડાના સ્વામિનારાયણ મંદિરના મહંત એસ.પી. સ્વામીએ હાર્દિકની મુલાકાતે પહોંચ્યા હતા. હાર્દિકે તેમની આ મુલાકાતના ફોટો ફેસબુક પર શેર કર્યો હતો. તેમાં હાર્દિકે લખ્યું કે તેમણે તેને પાણી પીવા માટે ખૂબ આગ્રહ કર્યો હતો. સ્વામીએ હાર્દિકને પાણી પીવડાવ્યું હતું. તેઓ હાર્દિક પટેલ સાથે ઊભા રહ્યા હતા. તેનો સીધો મતલબ કે સરકાર સામે બાંયો ચઢાવી હતી. સરકાર સામે લડવા માટે સ્વામીએ ગમે ત્યારે ભોગવવું પડે તેમ હતું. કારણ કે અક્ષર પુરુષોત્તમ મંદિરના ધાર્મિક નેતાઓ પહેલેથી નરેન્દ્ર મોદીને ટેકો આપી રહ્યાં છે. જ્યારે એસ.પી. સ્વામી મંદિરની દિવાલ બાબતે લડત આપી રહ્યાં હતા.
દિવાલનો વિવાદ અને ભાજપનું વલણ
આખરે ભાજપની ધર્મ વિરોધી સરકારે એવું જ કર્યું છે. ગઢડા ગોપીનાથ મંદિરના એસ.પી.સ્વામી સહિત, ઘનશ્યામ શાસ્ત્રી અને પાર્ષદ મોલિક ભગત એમ ત્રણ વ્યક્તિની ભૂતકાળના કેસમાં પોલીસે અટકાયત કરી છે. ઈ.સ. 2007માં મંદિરની દિવાલના મામલે એસપી સ્વામી અને કોઠારી સ્વામી વિરુદ્ધ 307 હેઠળ નોંધાયેલા ગુનામાં પોલીસે તેમની અટકાયત કરી હતી. આ સિવાય મૌલિક ભગત ઉપર પણ દિવાળી સમયે મંદિરની દુકાનો બાબતે થયેલ ઝગડાને લઈ ભૂતકાળમાં પણ ગુનો દાખલ થયો હતો.
સર્વોચ્ચ અદાલતનો આદેશ
દેશની સર્વોચ્ચ અદાલતે મંદિર ટ્રસ્ટની ચૂંટણી કરવાનો આદેશ આપતા 5 મે 2019ના રોજ ગઢડા ગોપીનાથજી મંદિરની ગઢડા ટેમ્પલ કમિટીની ચૂંટણી થવાની છે. દર 5 વર્ષે ટેમ્પલ બોર્ડની ચૂંટણી યોજાય છે. ચૂંટણી શાંતિ પૂર્ણ થાય તેમજ કોઈ અનિછનીય ઘટના ન બને તેને લઈ ભૂતકાળના ગુનાને ધ્યાને લઈ 151 હેઠળ તમામ લોકોની અટકાયત કરવામાં આવી છે. પોલીસે તેમને મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર કરતા મેજિસ્ટ્રેટે જામીન આપ્યા હતા.
આચાર્ય પક્ષ અને દેવ પક્ષ સામ સામે
આ ચૂંટણીને કારણે ગોપાનીથજી મંદિર હંમેશા વિવાદોમાં રહેતી હોય છે. મતદાર યાદીમાં નામ ઉમેરવાના વિવાદના કારણે છેલ્લા 10 વર્ષથી ચૂંટણીને લઈ વિવાદ ચાલતો હતો. મંદિરના વિવાદમાં આચાર્ય પક્ષ અને દેવ પક્ષ સામ સામે હોઈ મતદાર યાદીમાં નામને લઈ મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો. ત્યાર બાદ સુપ્રિમ કોર્ટના હુકમ મુજબ આગામી 5 મેના રોજ ગઢડા મંદિરની ચૂંટણી યોજાશે. જેને લઈ કોર્ટના આદેશ મુજબ નિવૃત્ત જજ એસ.એમ.સોનીને મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે જવાબદારી આપવામાં આવી છે. મતદાનમાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે તેમને નિયુક્ત કરાયા છે.
ઉગ્ર ચર્ચા
મંદિરની ચૂંટણીમાં મતદારને લઈ થતી ચર્ચા દરમિયાન સંતો અને હરિભક્તો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને એસ.પી. સ્વામીએ ગુસ્સામાં આવીને એક હરિભક્તને લાત મારી હતી. હરિભક્તને લાત મારતો વીડિયો વાઈરલ થતાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં ચર્ચાનો વિષય બન્યો હતો. હરિભક્તો અને સંતો સામસામે આવી ગયા હતા.
મતદાર યાદીમાં ગોટાળો
મંદિરના મહંત એસ પી સ્વામિ મુજબ હાલ મંદિરના જેટલા હરિભક્તો છે તેના સિવાય જે લોકો કે જેમને મંદિરમાં પણ ક્યારેય જોવા મળ્યા ન હોય તેવા લોકોના નામ મતદાર યાદીમાં છે. જે લોકો મંદિરમાં નિયમિત આવતા હોય, સત્સંગી હોય, હરિભક્તો હોય તેવા લોકોના નામ મતદાર યાદી માંથી ગાયબ થયા છે. તેતી હજારો હરિભક્તો નારાજ થયા છે, બોટાદના સ્વામિનારાયણ મંદિરમાં 10 વર્ષ બાદ ચૂંટણી યોજાવવા જઈ રહી છે. 10 વર્ષ પહેલા ચૂંટણીની તારીખ જાહેર થતા મામલો વડી અદાલત અને સર્વોચ્ચ અદાલત સુધી પહોંચ્યો હતો. જેમાં 5 તારીખે ચૂંટણી કરવા માટે આદેસ આપવામા આવ્યો છે.
પ્રચાર શરૂ
5 મે 2019ના રોજ મંદિર ટ્રસ્ટના સભાસદોની ચૂંટણી યોજાશે. ચુટાયેલા સભાસદો કોઠારી તેમજ ચેરમેનની વરણી કરે છે. આ ચૂંટણીમાં આચાર્યપક્ષ અને દેવપક્ષ વચ્ચે જંગ જોવા મળશે. આ ચૂંટણીને લઈને બન્ને પક્ષો દ્વારા પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે. બન્નેપક્ષોના સંતો-હરિભક્તોએ સભાઓ અને બેઠકો શરૂકરી છે.