વડગામ, તા.૨૬
બનાસકાંઠા જિલ્લાની પૂર્વે આવેલા વડગામ તાલુકાના મુકતેશ્વર-ડેમમાં ભાદરવા મહિનાના ભરપૂર વરસાદ વચ્ચે પણ પાણીની આવક નહીંવત થતાં ડેમનું તળિયું દેખાતા જગતના તાત ગણાતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે.
લોક માતા સરસ્વતી નદી ઉપર વર્ષો પહેલાં સિંચાઈ વિભાગ દ્વારા ડેમ બાંધવામાં આવ્યો હતો. પરંતુ તાલુકામાં નહેરોના અભાવે હજુ સુધી વડગામ તાલુકાના ૧૧૦ ગામોને સિંચાઈનું પાણી મળ્યું નથી, કારણ જે તે વખતે ડેમના બાંધકામ દરમ્યાન પાણીના વહેણ કે આવરાને ધ્યાનમાં લીધા વગર આડેધડ બાંધકામ કરી દેવાયું હતું. તેથી માત્ર દાંતા તાલુકામાં વરસાદ પડે તો ડેમમાં પાણી આવી શકે છે. એ સિવાય પાણીનો અન્ય કોઈ વિકલ્પ જ નથી.
આ વખતે પ્રારંભે રિસાયા બાદ પાછળથી મેઘરાજા જિલ્લા ઉપર પુરેપુરા રિઝયા છે, તેથી ભાદરવા મહિનામાં પણ છુટાછવાયો ભરપુર વરસાદ વરસી રહ્યો છે પરંતુ કમનસીબે જંગલ વિસ્તાર ધરાવતા દાંતા તાલુકામાં આ વખતે ઓછો વરસાદ થયો છે. તેથી વર્તમાન ચોમાસાની સિઝનમાં વરસાદના નવા-નિર નહીં ઉમેરાતાં મુક્તેશ્વર ડેમનું તળિયું દેખાતા ખેડૂતોમાં ચિંતાના વાદળાં છવાયા છે. ગયા વર્ષે પણ વડગામ તાલુકામાં નહિવત વરસાદ થયો હતો અને આ વખતે પણ ઓછો વરસાદ થયો છે, અધૂરામાં પૂરું, જીવાદોરી સમાન મુક્તેશ્વર ડેમ પણ ખાલી છે.
તેથી ભૂગર્ભ જળમાં ચિંતાજનક હદે ધરખમ ઘટાડો નોંધાયો છે. જેના કારણે તાલુકાના એકમાત્ર ખેતીના વ્યવસાયને પણ મરણતોલ ફટકો પડવાની શક્યતા નકારી શકાતી નથી આમેય મંદી અને મોંઘવારીમાં આમ પ્રજા પીસાઈ રહી છે. ત્યાં કુદરત રુઠતા સ્થિતિ અતિ ગંભીર બની રહી છે. જેનો એકમાત્ર રામબાણ ઉપાય ડેમમાં નર્મદાના નીર ઠાલવી કુદરતી કરમાંવાદ સરોવરને પણ સજીવન કરવાની તાતી જરૂરીયાત છે. જે બાબતે પ્રજાના પ્રતિનિધિઓ સાથે સરકાર પણ જાગૃતિ દાખવે તે સમયનો તકાજો છે.