ભાનુશાળી હત્યા કેસની સૂત્રધાર મનિષાનું રટણ, ‘હું કાંઈ જાણતી નથી'

અમદાવાદ, તા.07 જયંતિ ભાનુશાળીના ચકચારી હત્યા કેસમાં હત્યારાઓ અને સોપારી આપનાર છબીલ પટેલ વચ્ચે કડીરૂપ ભૂમિકા ભજવનારી મનિષા ગોસ્વામી હું કાંઈ જાણતી નથી તેવું સતત રટણ કરે છે. જો કે, મનિષા હત્યા કેસની માહિતી જાણવા નિયમિત રીતે ઓનલાઈન ન્યુઝ પેપર મોબાઈલ ફોનમાં વાંચતી હતી. મનિષા અને સુરજીત પરદેશી ઉર્ફે ભાઉ પાસેથી મહત્વના પૂરાવાઓ કબ્જે લેવા તેમજ વધુ પૂછપરછ કરવા સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમ આવેતીકાલે 14 દિવસના રિમાન્ડ મેળવવા ભચાઉ કોર્ટમાં અરજી કરશે.

સીઆઈડી ક્રાઈમ એન્ડ રેલવેની સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમે તાજેતરમાં ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ ખાતેથી મનિષા ગોસ્વામી અને સુરજીત ભાઉની ધરપકડ કરી હતી. બંને આરોપી પાસેથી પોલીસે બે મોબાઈલ ફોન, આધાર કાર્ડ અને અઢી હજાર જેટલી રોકડ કબ્જે લીધી છે. મનિષાની પ્રયાગરાજથી ધરપકડ કરી અમદાવાદ ખાતે લાવવામાં આવી ત્યાં સુધી તે હું કાંઈ જાણતી નથી તેમ સતત રટણ કરી રહી છે અને પોતાને આ કેસમાં ફસાવવામાં આવી હોવાનો દાવો કરી રહી છે. સતત દસ મહિના સુધી ફરાર રહેલી મનિષા અને સુરજીતને કોણે કોણે આશરો આપ્યો, આર્થિક મદદ કરી તેમજ કોના સંપર્કમાં હતા તેની વિગતો જાણવા પોલીસ પ્રયાસ કરી રહી છે. આ ઉપરાંત હત્યારાઓને ભાગી છૂટવા માટે મનિષાએ બનાવેલા જીપીએસ રૂટની માહિતી મેળવવા માટે સીટ રિકંસ્ટ્રકશન કરશે. ટ્રાન્ઝીટ રિમાન્ડ પર રહેલી મનિષા ગોસ્વામી અને સુરજીત ભાઉનું મેડીકલ કરાવવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યાનુસાર લાંબા પ્રવાસના કારણે મનિષાની તબિયત લથડતા તેને સારવાર પણ અપાવવામાં આવી છે.