ભાભી અને તેના પરિવારે ઘરનું તાળું તોડ્યું : 9 સામે નામજોગ અને 50ના ટોળા સામે ગુનો

મહેસાણા, તા.૦૩

મહિલાએ પરિવારજનો સાથે મળી મહેસાણાની વૃંદાવન પાર્ક સોસાયટીમાં આવેલા સસરાના મકાનનું તાળું તોડી પ્રવેશ કરવાની સાથે સસરાને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. મહિલાએ તેની ભાભી, 9 વ્યક્તિઓ અને 50ના ટોળાએ મકાનમાં ગેરકાયદે પ્રવેશ કર્યાની બી ડિવિજન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. બનાવ ગત 19 મેના રોજ બન્યો હતો, જેની ફરિયાદ 4 મહિના બાદ પોલીસે લેતાં તર્ક-વિતર્ક સર્જાયા છે.

હાલ અમદાવાદ રહેતાં સોનાબેન ભગવાનભાઇ પટેલના પિતાનું મકાન મહેસાણાના રાધનપુર રોડ પર વૃંદાવન સોસાયટીમાં આવેલું છે અને તેનો ભાઇ અમેરિકા ગયા બાદ તેના કહેવા મુજબ પિતાએ આ મકાનની પાવર ઓફ એટર્ની કરી આપી હતી. સોનાબેનના ભાઇ અને અમદાવાદમાં રહેતા ભાભી કિરણબેન પટેલના લગ્ન જીવનના ખટરાગ વચ્ચે 19 મેએ કિરણબેન તેમના પરિવારજનો સહિતની સાથે વૃંદાવન સોસાયટીમાં સસરાના મકાનનું તાળું તોડી પ્રવેશ કર્યો હતો.

ડી.એન. પટેલ સહિત 9 સામે ફરિયાદ કિરણબેન ગોવિંદભાઇ પટેલ, રમીલાબેન ગોવિંદભાઇ પટેલ, બળદેવ નારાયણભાઇ પટેલ, બાબુ શિવરામભાઇ પટેલ, ડી.એન. પટેલ (પાટીદાર સમાજના પ્રમુખ), જયંતીભાઇ એ. પટેલ, આશાબેન પટેલ, શોભનાબેન પટેલ, સોમાભાઇ પટેલ અને 50 વ્યક્તિઓનું ટોળાએ મકાનમાં ગેરકાયદે પ્રવેશ કર્યાની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાવી છે.