ભાવનગરના ભેજાબાજ તોફીક શેખે માલ વિના 107 કરોડનું કૌભાંડ કર્યું

GSTનું રૂપિયા 100 કરોડનું કૌભાંડ, જાણો ભાવનગરનો ભેજાબાજ કોણ

રાજ્યમાં ટેક્સના નામે સરકારને ચૂનો લગાવવાના કૌભાંડો સામે આવી રહ્યાં છે, શેલ કંપનીઓ ઉભી કરીને સરકાર પાસેથી ટેક્સ ક્રેડિટ મેળવવાનો વધુ એક કૌભાંડનો પર્દાફાશ થયો છે, ભાવનગરના ભેજાબાજ શખ્સ તોફીક શેખે માલની હેરાફેરી કર્યા વિના જ 107 કરોડ રૂપિયાના ખોટા બિલો આપીને 25 કરોડ રૂપિયાની ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી લીધી હોવાનું સામે આવ્યું છે, ભેજાબાજ તોફીક શેખે વડોદરામાં નવ કંપનીઓ માત્ર કાગળ પર બનાવી હતી અને તેમાંથી ત્રણ કંપનીની સેન્ટ્રલ જીએસટી વડોદરા-1 ના ઓફિસરોએ તપાસ કરી હતી, છેવટે આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે, જેમાં મેસર્સ કેપિટલ ઈમ્પેકસ, મેસર્સ ક્રિષ્ના સ્ટીલ અને મેસર્સ મિલેનિયમ સ્ટીલ સામે કેસ દાખલ કર્યો છે.

જીએસટીના અધિકારીઓને તપાસમાં જાણવા મળ્યું કે આ વ્યક્તિએ જીએસટી રજિસ્ટ્રેશન મેળવી લીધુ હતુ, અને આ ભેજાબાજ વ્યક્તિ બોગસ બિલો આપીને ઈનપુટ ટેકસ ક્રેડિટ મેળવીને જુદી જુદી પેઢીઓને પાસ ઓન કરતો હતો, ત્યારે હાલમાં આ વ્યક્તિની તપાસમાં અનેક કંપનીઓ તેની સાથે સંકળાયેલી હોવાનું જાણવા મળ્યું છે અને હજુ પણ કૌભાંડનો આંકડો મોટો નીકળે તેવી શક્યતા છે.