અમદાવાદ, તા. 12.
ભાવનગર જિલ્લાના બગદાણાના કાદવાડી ખાતે ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાંચ (એલસીબી) અને સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (એસઓજી) દ્વારા સંયુક્ત રીતે દરોડો પાડીને મોટા પ્રમાણમાં ગાંજાના વાવેતરને પકડી પાડ્યું છે. આ સાથે પોલીસે ખેતરના માલિકની પણ ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે પકડેલા ગાંજાના છોડના જથ્થાની કિંમત અંદાજે 15.85 લાખ રૂપિયાની થવા જાય છે.
ભાવનગરની એલસીબી અને એસઓજીની ટીમને બગદાણા પાસેના કાદવાડી ગામની સીમમાં કપાસ અને જુવારની આડમાં ગાંજાનું વાવેતર કરવામાં આવી રહ્યું છે તેવી બાતમી મળી હતી. જે અંગે એલસીબી અને એસઓજીની ટીમે સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરીને દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં પોલીસે રૂ. 15,85,700 ની કિંમતનો 317 કિલો ગાંજાનો જથ્થો પકડી પાડ્યો હતો. આ સાથે પોલીસે ખેતરના માલિકની ધરપકડ કરવામાં આવી હતી.
બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો
ભાવનગર જિલ્લામાં નશીલા પદાર્થોનું ધૂમ વેચાણ થઈ રહ્યું હોવાની બાતમી પોલીસને મળી હતી. આ બાતમીના આધારે સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ખાસ તપાસ હાથ ધરવામાં આવી રહી હતી. જેમાં બાતમીના આધારે પોલીસની આ સંયુક્ત ટીમે મહુવા તાલુકાના મોણપર ગામની કાદવાડી સીમમાં સંજયભાઈ ધરમશીભાઇ પાંડર નામના વાડી માલિકે પોતાની વાડીમાં જુવાર-કપાસ પાકની આડમાં ગાંજાનું મોટાપાયે વાવેતર કર્યું હતું. જેથી પોલીસે ત્યાં દરોડો કરતા ત્યાં વાડી માલિક સંજય પાંડર પણ હાજર હતો. તેથી પોલીસે તેને સાથે રાખીને વાડીમાં તપાસ કરતા જુવાર-કપાસના વાવેતર વચ્ચે વાવેલા ગાંજાના ૪૦૫ છોડ મળી આવ્યા હતા. આ છોડમાં રહેલા ગાંજાનું કુલ વજન ૩૧૭ કિલો અને તેની બજાર કિંમત રૂ. ૧૫,૮૫,૭૦૦ નો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે ગાંજાના જથ્થા સાથે પોલીસે વાડી માલિક પાંડરની ધરપકડ કરી એન.ડી.પી.એસ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ભાવનગર જિલ્લામાં નશીલા પદાર્થોનું વેચાણ વધ્યું
ભાવનગર જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી નશીલા પદાર્થો જેવા કે ગાંજો, ચરસ, હશીશ વગેરેના વેચાણમાં વધારો થઈ રહ્યો છે. આ નશીલા પદાર્થોના વધી રહેલા વેચાણ ઉપરથી એવું સ્પષ્ટ થઈ રહ્યું છે કે ભાવનગરના યુવાનો આવા નશીલા પદાર્થના રવાડે ચડી રહ્યા છે. આવા નશીલા પદાર્થોનું વેચાણ કોલેજ વિસ્તાર, શ્રમજીવી વિસ્તાર જેવા વિસ્તારોમાં થતું હોવાનું માનવામાં આવી રહ્યું છે. જો કે પોલીસ આવા નશીલા પદાર્થોનું વેચાણ કરતાં શખ્સોને ઝડપી લેવા માટે પ્રયાસો કરી રહી છે, તેમ છતાં પોલીસને જોઈએ તેટલી સફળતા મળી નથી રહી.
ભાવનગરમાં દર મહિને નશીલા પદાર્થના સરેરાશ એક કેસથી બે કેસ
ભાવનગર જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી નશીલા પદાર્થોનું વેચાણ વધી ગયું છે. તેનો પુરાવો દર મહિને નશીલા પદાર્થોના વેચાણ અંગેના સરેરાશ એકથી બે કેસ નોંધાઈ રહ્યા છે. જેમાં ગાંજા, ચરસ, હશીશ, કોકેઇન હેરોઈન જેવા પદાર્થોના વેચાણના કેસો ઉપરાંત ગાંજાના વાવેતરના વાવેતરના કેસો પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે. આ અંગે પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી જિલ્લા દર મહિને સરેરાશ ઓછામાં ઓછા એકથી બે કેસ નાર્કોટિક્સ (નશીલા પદાર્થ) ના નોંધાય છે. જેની ઉપરથી કહી શકાય છે કે જિલ્લામાં નશીલા પદાર્થોના વેચાણનું પ્રમાણ વધ્યું છે.