ભાવનગર અને અમરેલીમાં જીતે તેને કોંગ્રેસની ટિકિટ નહીં, હારે તેને ટિકિટ

ભાવનગર અને અમરેલી બેઠક ભાજપ જીતે એવું ગુપ્ત આયોજન કોંગ્રેસના નેતાઓએ કરી લીધું છે. કારણ કે આ બન્ને બેઠક પરથી જે જીતે તેવા ઉમેદવારોને ટિકિટ આપવાના બદલે તેમને કાપીને જે જીતે તેમ નથી એવા ઉમેદવારની શોધ કોંગ્રેસના ચારેય નેતાઓએ ગઈ રાતથી શરૂ કરી છે.

અમરેલીની બેઠક પર જેની ઠુંમર જીતી શકે તેમ છે અને ભાવનગરની બેઠક પર મનહર પટેલ જીતી શકે તેમ છે. આ બન્ને બેઠક પર ભાજપે સૌથી વધું ધ્યાન કેન્દ્રીત કર્યું છે. કારણ કે અમરેલીમાં કોંગ્રેસનો વિજય જેનીબેન ઠુંમરના કારણે અને ગઈ વિધાનસભાના પરિણામ પછી નક્કી માનવામાં આવે છે. પણ અહીં જેનીબેન ઠુંમરને કાપી કાઢવા માટે કોંગ્રેસના નેતાઓએ તેના વિકલ્પે બીજા કોલોનો ટિકિટ આપવાની ઓફર કરી છે.

કોંગ્રેસ માપદંડ નક્કી કર્યા હતા કે જે જીતે તેને જ ટિકિટ આપવી પણ આ બન્ને બેઠક પર કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી, શક્તિસિંહ ગોહિલ અને ગુજરાતના રાહુલ ગાંધીના દૂત રાજીવ સાતવેએ સાથે નક્કી કર્યું હોય તેમ આ બન્ને બેઠક પર જીતે નહીં તેવા ઉમેદવાર પસંદ કરીને ભાજપના પ્રદેશ પ્રમુખ જીતેન્દ્ર વાઘાણીને મદદ કરવી.

ભાવનગરમાં 7 વખત કોળી અથવા દરબારને ટિકિટ આપી પણ તેમાં કોંગ્રેસને વિજય મળતો નથી. તેથી ત્યાં જીતના પ્રબળ દાવેદાર મનહર પટેલને ટિકિટ આપવાનું સ્થાનિક નેતાઓએ નક્કી કરી લીધું હતું. રાજીવ સાતવેની હાજરીમાં નક્કી ભાવનગરમાં મનહર પટેલ ચૂંટણી લડશે એવું નકકી કર્યું હતું. કારણ કે અહીં ભાજપના પ્રદેશ પ્રમુખ જીતેન્દ્ર વાઘાણીને સ્થાનિક પાટીદારો મદદ કરવા તૈયાર નથી. તેઓ કોંગ્રેસમાં કોઈ મજબૂત ઊમેદવાર શોધી રહ્યાં છે. અહીં 3.50 લાખ પાટીદાર મતદારો છે. અગાઉ શક્તિસિંહ ગોહિલને વારંવાર ટિકિટ આપીને કોંગ્રેસ હારતી આવી છે. તેથી ભાવનગર જિલ્લો કોંગ્રેસ માટે ખતમ થઈ ગયો છે. એક નબળા નેતા શક્તિસિંહ માટે થઈને ભાવનગરને કોંગ્રેસે નબળો બનાવીને જીતુ વાઘાણીને મજબૂત કરવાનું કામ કર્યું છે. નાનુ વાઘણી પણ અહીંના દાવેદાર છે. પણ તેઓ વારંવાર હારતા આવ્યા છે. ભીખાભાઈ ઝાઝરીયા એ પણ ટિકિટ માંગી હતી. પણ તેઓ મેરિટમાં આવી શકે તેમ નથી.

પરેશ ધાનાણી અને અમિત ચાવડા ગઈ કાલથી સાવ અજાણ લોકોને ફોન કરીને કહે છે કે તમે ચૂંટણી લડવાની તૈયારી કરો. પરેશ અહીં રહસ્યમય રીતે ખાનગી ડિલ કરી રહ્યાં છે. અલંગના શિપ બ્રેકરને ટિકિટ આપીને ચૂંટણી લડવા માટે જણાવી રહ્યાં છે. પહેલા રાહુલ ગાંધીનું નામ વટાવીને અને સરવેના નામે સમય પસાર કર્યો હતો. હવે નવા અને સાવ અજાણ્યા કે જે ચૂંટણી હારી જાય તેમ છે એવા ઉમેદવારોને ફોન કરીને ચૂંટણી લડવા માટે તૈયાર રહેવા કહે છે.

અમરેલીમાં જેની ઠુમર જીતે તેમ છે, છતાં ત્યાં એક ઉદ્યોગપતિને જાણી જોઈને ટિકિટ ઓફર કરવામાં આવી રહી છે. એવું ભાજપ પોતે પણ ઈચ્છે છે. ભાજપની ઈચ્છા પ્રમાણે ગુજરાત કોંગ્રેસના નેતાઓ વર્તન કરી રહ્યાં હોવાના અનેક પૂરાવા ઉપલબ્ધ છે. દાવેદારોને ભેગા થઈને આવવાનું કહેવામાં આવે છે. પણ દાવેદારો એક કઈ રીતે થઈ શકે.

કનુભાઈ બારૈયાને ચૂંટણી લડવા માટે પણ કહ્યું હોવાનું માનવામાં આવે છે. ત્યારે તેમણે સ્થાનિક નેતાઓ અને પ્રદેશ નેતાઓને કહી દીધું હતું કે, હું જીતી શકું તેમ નથી તેથી તો મેં ટિકિટ માંગી નથી. તો મને શા માટે લોકસભા લડવાનું કહેવામાં આવી રહ્યું છે. તે ગણિત કોંગ્રેસના કોઈ નેતા સમજી શકતા નથી અને ગણિત સમજાવી શકતા નથી. તેમણે પણ મનહર પટેલને ટિકિટ આપવા માટે ભલામણ કરી હતી. માત્ર આ બે નેતા જ નહીં પણ સાતવેએ પણ ફોન કરીને ચૂંટણી લડવા કહ્યું હતું. હવે સંભવિત ઉમેદવાર પોતે જ કહી રહ્યા છે તે જીતી શકે તેમ નથી. છતાં તેમને ટિકિટ આપવાનું રહસ્ય તો ભાજપ તરફ જ દોરી જાય છે.

જેની ઠુંમરને ટિકિટ ન આપવાના કોંગ્રેસના જ એક નેતાએ સોપારી લીધી છે. જે રીતે સૌરભ પટેલને બોટાદમાંથી જીતાડવા માટે મનહર પટેલને 15 મિનિટ પહેલાં ખસેડી લેવામાં આવ્યા હતા અને કોંગ્રેસના એક નેતાના ખાતામાં પૈસા ટ્રાન્સફર થયા હતા એવું હવે ભાવનગરમાં કરવામાં આવી રહ્યું છે.

ભાજપ સાથે સારા સંબંધ ધરાવતાં ઉદ્યોગપતિ મેહુલ પટેલ શિપ બ્રેકર છે. પરેશ ધાનાણીએ તેમને ફોન કરીને કહ્યું કે તમે ચૂંટણી લડવા તૈયાર રહેજો. તેનો મતલબ રાજનેતાઓ સારી રીતે જાણે છે. રાહુલ ગાંધીએ જે સરવે કરાવેલો તેમાં જીત માટે જે નામ આવે છે તેને કાપવામાં આવી રહ્યાં છે. શક્તિસિંહ ગોહિલ પોતે ભાવનગરમાં રાજકીય રીતે ખતમ થઈ ગયા અને ભાવનગર કોંગ્રેસને ખતમ કર્યું છે, પક્ષને પણ રાજ્ય કક્ષાએ તેઓ ખતમ કરતાં ગયા છે. એવું કહેવાય છે કે શક્તિસિંહના પેટમાં હોય તે બહાર ન આવે. બોલે તે કરે નહીં. તેનો કોંગ્રેસનો એક ટકો ફાયદો ભાવનગરને મળ્યો નથી. તેઓ પોતે હારતાં આવ્યા છે. તેમણે ભાવનગર લોકસભાની બેઠક વન વે ભાજપ માટે કરી આપી છે.