ભાવનગર કલેક્ટર અને શિક્ષણ મંત્રી આમને સામને, જુઓ વિડિયો.

પ્રજાના પ્રશ્ને કામ કરવાને બદલે લોકોને ઉત્સવમાં રાખવામાં માહિર સરકાર હવે ભાવનગરના ત્રણ દિવસ જન્માષ્ટમીનો મેળો કરવા જઈ રહી છે, જો કે મંત્રી વિભાવરી દવેનો દાવો છે કે આ મેળો ભાજપ દ્વારા આયોજીત છે પરંતુ શહેરમાં લાગેલા હોર્ડીંગમાં યુવક સેવા અને સાંસ્કુતિક વિભાગના નામનો ઉલ્લેખ જોવા મળે છે, જો કે શનિવારે આ અંગે જાણકારી આપવા મંત્રી વિભાવરી દવેએ બોલાવેલી પત્રકાર પરિષદમાં પત્રકારોએ રાઈડઝને કલેકટર દ્વારા મંજુરી આપવામાં આવી નથી તેવો પ્રશ્ન ઉપસ્થિત કરતા મંત્રીએ મંજુરી આવી જશે તેમ કહી રાઈડઝના માલિક દ્વારા દોઢ કરોડનો વીમો લેવામાં આવ્યો હોવાનો જવાબ આપ્યો હતો. જોકે આ અંગે હજુ સુધી (આ લખાય છે ત્યાં સુધી) કલેક્ટર દ્વારા મંજુરી આપવામાં આવી નથી.

રાજ્યના વિવિધ વિસ્તારમાં ચાલતી રાઈડઝના પરવાના અંગે તંત્ર બેદરકાર હોવાને કારણે એક મહિના પહેલા જ અમદાવાદના કાંકરિયા વિસ્તારમાં રાઈડઝ તુટી પડી હતી. જેના પગલે રાજ્યની તમામ રાઈડઝને બંધ કરી દેવાનો આદેશ આપ્યો હતો, ખાસ કરી મેળામાં આ પ્રકારની રાઈડઝનો ઉપયોગ થાય છે. જેમાં પણ તંત્ર દ્વારા મંજુરી આપવામાં આવી રહી નથી, ખાસ કરી શ્રાવણ માસ દરમિયાન સૌરાષ્ટ્રમાં આ પ્રકારના અનેક મેળાઓ થાય છે. જેમાં ધંધુકા અને રાજકોટમાં થનાર મેળામાં રાઈડઝને મંજુરી આપવાનો કલેકટર દ્વારા ઈન્કાર કરી દેવામાં આવ્યો છે. તેવી જ રીતે જાણકારી મળી રહી છે કે ભાવનગરના કલેકટર હર્ષદ પટેલે પણ મંજુરી આપવાની ના પાડી છે.

જો કે ભાવનગરમાં તા 23થી 25 ઓગષ્ટના રોજ જવાહર મેદાનમાં યોજાઈ રહેલો જન્માષ્ટમી લોકમેળામાં વિવિધ પ્રકારની રાઈડઝ પણ મુકી દેવામાં આવી છે. આ બધી રાઈડઝ સ્થાનિક કક્ષાએ અહીંના કારગીરોએ તૈયાર કરી છે, આ રાઈડઝ બનાવનાર અને તેને ચલાવનાર કોઈ તાલીમ પામેલા એન્જીનિયર નથી. આમ છતાં પ્રજા માટે અમે ઘણું કરીએ છીએ તેવું બતાડવા માટે વિભાવરી દવે દ્વારા આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. વિભાવરી દવેનો દાવો છે કે આ મેળો તંત્ર દ્વારા નહીં પણ ભાજપ દ્વારા થઈ રહ્યો છે, જ્યારે ભાવનગરમાં લાગી ચુકેલા હોર્ડીંગમાં યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ અને વિભાવરી દવેના નામનો ઉલ્લેખ છે, આમ એક તરફ રાજ્ય સરકાર રાઈડઝ ઉપર પ્રતિબંધ મુકે છે ત્યારે બીજી તરફ રાજય અને મંત્રી પ્રેરીત મેળામાં મંજુરી વગર રાઈડઝ મુકવામાં આવી રહી છે.

શનિવારે મંત્રી વિભાવરી દવે દ્વારા યોજવામાં આવેલી પત્રકાર પરિષદમાં જયારે રાઈડઝની મંજુરી અંગે પ્રશ્ન ઉપસ્થિત કર્યો ત્યારે તેમણે મંજુરી મળી જશે તેવું જણાવી, રાઈડઝ સંચાલક દ્વારા દોઢ કરોડનો વીમો લીધો છે તેવું જણાવ્યું હતું. આમ લોકોના જીવ કરતા વીમો કેટલો મોટો છે તેની જાહેરાંત મંત્રીએ કરી હતી. આ મેળાનું ઉદ્દઘાટન ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી કરવાના છે, જ્યારે રાજયના મંત્રી મંડળના સભ્ય ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને કુવરજી બાવળીયા સહિત કેન્દ્રીય નેતા મનસુખ માંડવીયા અને પુરૂષોત્તમ રૂપાલા પણ આવવાના છે.

મેળામાં રાઈડઝને મંજુરી મળી છે કે નહીં આ બાબતને સત્તાવાર રીતે જાણવા માટે ભાવનગરના કલેકટર હર્ષદ પટેલના સરકારી નંબર 9978406202 ઉપર ફોન કરવામાં આવતા તે નો રિપ્લાય થયો જયારે મંત્રી વિભાવરી દવેનો પણ તેમના સરકારી નંબર 9978407683 ઉપર ફોન કર્યો ત્યારે તે પણ કાયમ પ્રમાણે નો રીપ્લાય થયો. કલેકટર અને મંત્રી બંન્નેને મંજુરી આપવા અંગે પ્રશ્નનો મેસેજ કરવામાં આવ્યો આમ છતાં તેમના તરફથી મેસેજનો જવાબ પણ મળ્યો નથી. સામાન્ય રીતે આ પ્રકારના સમાચાર પ્રસિધ્ધ થયા બાદ સંબંધીત અધિકારી મંત્રી ખુલાસાઓ મોકલે છે પરંતુ સમાચાર પ્રસિધ્ધ થતાં પહેલા જયારે તેમનો મત જાણવા પ્રયત્ન થાય ત્યારે તેઓ સંપર્ક ટાળે છે. અમારા સંવાદદાતા દ્વારા તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ નિષ્ફળ નિવડયો હતો. જેના કારણે આ બાબતનો અત્રે ઉલ્લેખ કરીએ છીએ.