ભિલોડા નજીક બે અકસ્માતમાં બે આશાસ્પદ યુવાનોએ જીવ ગુમાવ્યો : ૩ યુવકો ગંભીર ઈજાગ્રસ્ત

ભિલોડા, તા.૨૧

અરવલ્લી જીલ્લામાં વાહન ચાલકો બેફામ ગતિએ વાહન હંકારતા અકસ્માતની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. ભિલોડાના કલ્યાણપુર નજીક પસાર થતી સીફ્ટ કારના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા ઝાડ સાથે ભટકાતા કાર ચાલકનું મોત નીપજ્યું હતું. કારમાં સવાર બે યુવાનોના શરીરે નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. અન્ય એક અકસ્માતમાં ધુળેટા ગામ નજીક બાઈકને અડફેટે લેતા એક યુવકનું ઘટનાસ્થળે પ્રાણપંખેરું ઉડી ગયું હતું. એક યુવકના શરીરે ગંભીર ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે દવાખાને ખસેડાયો હતો. અકસ્માતના પગલે દોડી ગયેલી ભિલોડા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

ભિલોડા તાલુકાના ભાણમેર ગામનો મહેશભાઈ જગદીશભાઈ મેણાત તેના મિત્રો સાથે કામકાજ અર્થે સ્વીફ્ટ કારમાં નીકળ્યા હતા. ટાકાટુકા નજીક આવેલા કલ્યાણપુરા ગામ નજીક સ્વીફ્ટ કારના ચાલક મહેશભાઈ મેણાતે કારનું ટાયર ફાટતા સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા રોડ પરથી ઉતરી ઝાડ સાથે ભટકાતા ગમખ્વાર અકસ્માતમાં કાર ચાલકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. કારમાં સવાર રાહુલ ભરતભાઈ ડામોર અને હર્ષદ નારણભાઇ ડામોરના શરીરે ઈજાઓ પહોંચતા સારવાર અર્થે દવાખાને ખસેડાયા હતા. અકસ્માતના પગલે દોડી આવેલી ભિલોડા પોલીસે મૃતકની લાશને પીએમ માટે ખસેડી રણજીતકુમાર ડામોરની ફરિયાદના આધારે અકસ્માતે મોતનો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

પ્રાપ્ત માહિતી અનુસાર, ભિલોડા તાલુકાના ખેરોજ કંપાના સચિન મુકેશભાઈ માકાણી તેના ભાઈ સાથે કામકાજ અર્થે હિંમતનગર ગયા પછી પરત ઘર તરફ આવી રહ્યા હતા. ધુળેટા-વાંટડી રોડ પરથી પસાર થતા પુરપાટ ઝડપે પસાર થતી બોલેરો કારે બાઈકને ધડાકાભેર ટક્કર મારતા બંને ભાઈઓ રોડ પર પટકાતા સચિનનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. બાઈક સવાર ભાઈના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા અકસ્માતના પગલે દોડી આવેલા પરિવારજનોએ સારવાર અર્થે હિંમતનગર સારવાર અર્થે ખસેડ્યો હતો.