ભૂતપૂર્વ ધારાસભ્ય ભગાભાઈને ભાજપ ભારે ભરાવે છે

કોંગ્રેસનાં પૂર્વ ધારાસભ્ય ભગાભાઈ બારડની મુશ્કેલીઓ દૂર થવાનું નામ નથી લઈ રહ્યું. ભગાભાઈને થયેલાં કન્વિક્શન પર સ્ટે આપવાનો સેશન્સ કોર્ટે ઈનકાર કરતાં તેમણે ફરી એકવાર ગુજરાત હાઈકોર્ટનાં દ્વાર ખખડાવ્યાં છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, તાલાળાના ધારાસભ્ય ભગા બારડને સુત્રાપાડા મેજીસ્ટ્રેટ કોર્ટે રૂા. 2.83 કરોડની ખનીજ ચોરી કેસમાં ગત તા.1/3/2019ના બે વર્ષ નવ મહિનાની સજા ફટકારી હતી. જે સજાના હુકમ સામે ભગા બારડે વેરાવળ સેશન્સ કોર્ટમાં અપીલ કરતા ગત તા.7/3/19ના રોજ સેશન્સ કોર્ટે સજાનો હુકમ સસ્પેન્ડ કરી જામીન આપ્યા હતા. વેરાવળ સેશન્સ કોર્ટના આ હુકમ સામે રાજય સરકારે હાઇકોર્ટમાં સજા પર સ્ટે હટાવવાની અરજી કરવામાં આવી હતી. જેની સુનાવણી થતા જસ્ટીસ સોનિયાબહેન ગોકાણીએ સરકારપક્ષની દલીલો માન્ય રાખી આ કેસ રીમાન્ડ કરવા હુકમ કર્યો હતો. જેથી કેસ વેરાવળ સેશન્સ કોર્ટમાં ફરી ચાલવા પર આવતા સેશન્સ કોર્ટે સજા સામેનો સ્ટે હટાવી દીધો હતો. જેથી ભગા બારડે હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. જે અરજી ચાલી જતા પુરતા કારણો સાથે હુકમ આપવાના નિર્દેશ સાથે હાઇકોર્ટે ફરી કેસ રિમાન્ડ કર્યો હતો.
બારડે ફરી એકવાર હાઈકોર્ટનું શરણું લીધું
ભગાભાઈ બારડે આજે ફરી એકવાર સેશન્સ કોર્ટ દ્વારા યોગ્ય કારણો આપ્યા વગર તેમની અરજી ફગાવી હોવાની રજૂઆત સાથે ગુજરાત હાઈકોર્ટનું શરણું લીધું છે. તેમણે કરેલી અરજીમાં જણાવ્યું હતું કે, હાઈકોર્ટે પૂરતાં કારણો સાથે હુકમ આપવાનો નિર્દેશ આપ્યો હોવા છતાં સેશન્સ કોર્ટ દ્વારા યોગ્ય કારણો વગર તેમણે કરેલી અરજી ફગાવી દીધી છે. આજે આ પ્રકારની અરજી હાઈકોર્ટમાં કરવામાં આવતાં તેની સુનાવણી આવતીકાલે હાથ ધરાશે એવું સૂત્રોએ જણાવ્યું હતું.
૨૩ વર્ષે ખનીજ ચોરી કેસનો ચુકાદો આવ્યો
વર્ષ 1995માં ભગા બારડ સામે ગૌચરની જમીનમાંથી રૂ. 2.83 કરોડના ખનીજ ચોરીનો કેસ નોંધાયો હતો. 24 વર્ષ પછી સુત્રાપાડાની કાર્ટે તેમને બે વર્ષ અને 9 મહિનાની સજા ફટકારી છે. સુપ્રીમ કોર્ટે વર્ષ 2013માં આપેલા ચૂકાદામાં ચૂંટાયેલા જનપ્રતિનિધી સામે કોઈ પણ કોર્ટ બે વર્ષથી વધુની સજા ફટકારે એ ક્ષણેથી તેનું ધારાસભ્ય કે સાંસદનું પદ રદ કરવુ એમ કહેવાયુ છે.
ભગાભાઈનો મામલો શું છે?
કોંગ્રેસના તાલાલાના ધારાસભ્ય ભગા બારડને ખનીજ ચોરીના 24 વર્ષ જૂના કેસમાં સૂત્રાપાડાની મેજિસ્ટ્રેટ કોર્ટે દોષિત ઠેરવી બે વર્ષ નવ મહિનાની સજા કરી હતી. તેથી વિધાનસભાના સ્પીકરે તેમને ધારાસભ્ય તરીકે ગેરલાયક જાહેર કર્યા હતા. બીજી તરફ ચૂંટણી પંચે તાલાલા બેઠક પર પેટા ચૂંટણીની જાહેર કરી હતી. તેથી વિધાનસભા અને ચૂંટણી પંચના નિર્ણયને તેમણે હાઇકોર્ટ સમક્ષ પડકાર્યો હતો.
સ્ટે મળ્યો નહીં, આખા પાસા પલટાઈ ગયા
બે વર્ષથી વધુની સજાના કેસમાં દોષિત જાહેર થતા જનપ્રતિનધિ એ જ કોર્ટમાંથી સ્ટે મેળવે તો તેનુ ધારાસભ્ય કે સાંસદનું પદ રદ્દ થઈ શકે નહી. અહીં, સુત્રાપાડાની મેજિસ્ટેરિયલ કોર્ટે બે મહિના અને 9 મહિનાથી સજા ફટકાર્યા બાદ ભગા બારડે જ્યુડિયશિયલ કસ્ટડી અર્થાત જેલવાસ સામે મનાઈ હુકમ મેળવ્યો. પરંતુ, ખનિજ ચોરીમાં દોષિત હોવાના ચૂકાદા સામે સ્ટે મેળવી શક્યા નહોતા. આથી, તેમનું સભ્યપદ રદ થયુ છે.
બાબુ બોખીરિયા દોષિત હોવા છતાં ધારાસભ્ય છે
ખનિજ ચોરીના કેસમાં તત્કાલિન મંત્રી બાબુ બોખિરિયા સામે પોરબંદરની કોર્ટે 15 જૂન 2013માં સજાનો હુકમ કર્યા પછી પણ ધારાસભ્યપદે યથાવત છે. વાસ્તવમાં સુપ્રીમ કોર્ટે દોષિત જાહેર થતા વેંત  જનપ્રતિનિધિત્વપદેથી ગેરલાયક ઠરે તેવો ચૂકાદો 10 જૂલાઈ 2013ના રોજ આપ્યો હતો. બોખિરિયા તે પહેલા દોષિત જાહેર થયા હોવાથી તેમનું સભ્યપદ સલામત રહ્યુ છે.
હવે શું થશે?
હવે જ્યારે ભગાભાઈ બારડે સેશન્સ કોર્ટનાં નિર્ણયને પડકારતી અરજી કરી છે ત્યારે આવતીકાલે હાથ ધરાનારી સુનાવણીમાં જોવું એ રહ્યું કે હાઈકોર્ટ ફરી એકવાર કેસ રિમાન્ડ કરે છે કે પછી બારડને સજામાંથી રાહત આપે છે.