માલપુર, તા.01
માલપુર તાલુકાના ભેમપોડામાં 13 વર્ષના બાળકને આરોગ્ય વિભાગના સર્વેક્ષણ દરમિયાન ડિપ્થેરિયાના લક્ષણો જણાતાં અમદાવાદ સિવિલમાં બાળકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ડિપ્થેરિયાથી બાળકનું મોત થતાં ચકચાર મચી ગઇ છે. નોંધનીય છે કે અરવલ્લી જિલ્લામાં ડિપ્થેરીયાથી મોતનો આ પ્રથમ કેસ નોંધાયો છે.
આરોગ્ય વિભાગ માલપુરના સર્વેક્ષણ દરમિયાન ભેમપોડામાં તપાસ કરતા ખાંટ જયપાલ કિશનભાઇ (13) માં ડિપ્થેરિયાના લક્ષણો જણાતાં સિવિલ અમદાવાદ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.જેને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરી સારવાર શરૂ કરી હતી. દરમિયાન તા. 28-10-2019 ના રોજ મોત થયું હતુ. માલપુર આરોગ્ય વિભાગના ડો. ગોસ્વામી દ્વારા ચાર ટીમો બનાવી ભેમપોડામાં બાળકના સંપર્કમાં જેટલા લોકો આવ્યા હતા તેમને સારવાર માટે ઇરીથોમાઇસીન,એજીથોમાસિનની રસી તેમજ ટેબલેટ, સિરપની દવાઓ આપવામાં આવી છે. ઘણી વખત આવા રોગ પશુઓમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે અને જે પશુમાં આવો રોગ હોઇ તેના સંપર્કમાં વધુ રહેતા હોઇ તેમને આ રોગ થવાની શક્યતાઓ પ્રમાણમાં હોઈ શકે છે.
ડિપ્થેરીયાના લક્ષણો આ મુજબ છે,
ગળામાં દુખાવો થવો, ગળાના અંદરના ભાગે ચાંદી પડવી, ગળું ફુલી જવું, સોજો આવવો, રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવી, બાળકોને ત્રિગુણી રસીના મૂકાવી હોય તેને પણ થઈ શકે છે.