રાજ્યમાં સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારો-ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે. ઠેર ઠેર રોડ, રસ્તા અને નાના પુલો તૂટી ગયા છે. સમગ્ર રાજ્યમાં વરસાદના કારણે રસ્તા અને પુલોમાં થયેલા મોટાપાયે ભ્રષ્ટાચારની પોલ ખોલી નાંખી છે. અનેક જિલ્લાઓમાં હજારો પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે.
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના સેદરડા ગામે કોંોંગ્રેસ નાપ્રદેશ પ્રમુખ અમીત ચાવડા તથા સ્થાનિક આગેવાનો અતિવૃષ્ટિના કારણે સ્લેબ તૂટવાથી મૃત્યુ પામેલ યુ. એન. માંડવીયાના પરિવારજનોને સાંત્વના પાઠવી એજ ગામના અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલ 9 જેટલા બાળકોના પરિવારજનોની મુલાકાત લઈ ખબર અંતર પુછી ત્યાંથી ભાદરોડ-મફતપુરા ખાતે અસરગ્રસ્તો અને જરૂરિયાતમંદ કુદરતી આફતનો ભોગ બનેલા પરિવારજનોને કોંગ્રેસ પક્ષ દ્વારા તૈયાર કરેલ કીટ વિત્તરણ કરવામાં આવ્યું હતું. તેમજ વાઘનગર, કતપર ગામોના અસરગ્રસ્ત પરિવારો અને ગ્રામજનોની મુલાકાત લઈ તેઓની તકલીફો – લાગણીઓનો ચિતાર મેળવીને તેઓના દુઃખમાં સહભાગીદાર બન્યા હતા.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, અતિવૃષ્ટિમાં અસરગ્રસ્તોને મદદ કરવા રેસક્યુ ઓપરેશન અને રાહત કામગીરીમાં ભાજપ સરકાર નબળી સાબિત થઈ છે. જ્યારે ભાજપ પોતાના કાર્યક્રમો સરકારી ખર્ચે મોટા પાયે ભીડ એકત્ર કરવા માટે સરકારી તંત્રનો દુરપયોગ કરે પણ અતિવૃષ્ટિમાં ભોગ બનેલાં અસરગ્રસ્તોને સલામત સ્થળે ખસેડવા સાથો સાથ ભોગ બનનાર પ્રજાની પડખે ઉભા રહેવામાં ભાજપ સરકાર સરકારી તંત્રનો ઉપયોગ કરવામાં કેમ પાછળ રહે છે?
અતિવૃષ્ટિને કારણે હજારો હેક્ટર ખેતી લાયક જમીનનું ધોવાણ થયું છે. તેવા સમયે સરકારે ખેડૂતોના હિતમાં વળતર તાત્કાલિક ચુકવવું જોઈએ. કુદરતી આપદામાં નાગરિકોને મદદ કરવી માનવધર્મ છે ત્યારે કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો સ્થાનિક કક્ષાએ અતિવૃષ્ટિને કારણે મુશ્કેલીમાં મુકાયેલા પરિવારોને શક્ય મદદ કરે તેવી અપીલ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારને વિનંતી છે કે, મોટી મોટી જાહેરાતો કરવાને બદલે જે વિસ્તારમાં ભારે વરસાદના કારણે પાણીમાં ફસાયેલા નાગરિકો-પરિવારને તાત્કાલિક અસરથી યોગ્ય સલામત જગ્યાએ ખસેડવામાં આવે અને તાકીદે રાહત સામગ્રી પહોંચાડવામાં આવે. સરકાર અને વહીવટી તંત્ર જે કઈ કામ કરે કે ના કરે પણ અતિવૃષ્ટીમાં મુકાયેલા અને ફસાયેલા નાગરિકોને માનવીય અભિગમથી મદદ કરવા માટે કોંગ્રેસ પક્ષ દ્વારા અસરગ્રસ્તોને સહાય કરવા માટે તાકીદે વ્યવસ્થા કરવામાં આવી છે અને રાજકોટ, સુરત તેમજ અમદાવાદ ખાતે કંટ્રોલ રૂમ શરુ કરવામાં આવ્યા છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમીત ચાવડા, ધારાસભ્ય કનુભાઈ બારૈયા, ધારાસભ્ય પ્રવિણભાઈ મારૂ, ભાવનગર જિલ્લા પ્રમુખ પ્રવિણ રાઠોડ, રાજ મહેતા, વિજયભાઈ બારૈયા, લાલભા ગોહિલ સહિત કોંગ્રેસ પક્ષના સ્થાનિક આગેવાનોએ અસરગ્રસ્ત વિસ્તારોની રૂબરૂ મુલાકાત લઈ તેઓની હાલાકી-પરેશાની અંગે ચિતાર મેળવ્યો હતો અને પૂરગ્રસ્ત વિસ્તારોમાં અસરગ્રસ્તોને સહાય પહોંચાડવાનું આયોજન કર્યું હતું.