ભ્રષ્ટાચારમાં ડૂબેલા તંત્રએ વડોદરાને ડૂબાડયું, કરોડોનો ખર્ચ અને પ્લાન નિષ્ફળ

અડધો અડધ સોસાયટીના મકાનો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.

જૂન પહેલા 90 ટકા પ્રિમોન્સુન કામગીરી પૂર્ણ કર્યાનો દાવો પણ બધું પાણીમાં. આજવાની સપાટી ૨૧૨ ફૂટે અને વિશ્વામિત્રીની ૩૦ ફૂટે પહોંચી અને ૩૨ ફૂટને પાર કરે તો અડધું વડોદરા પાણીમાં ગરકાવની સ્થિતિ, ૨૦૦૫માં ૪૦ ફૂટ સુધી વિશ્વામિત્રી પહોંચી ગઈ હતી અને શહેરમાં પાણી ફરી વળ્યા હતા. વડોદરા મહાનગર પાલિકા દ્વારા જૂનના પ્રારંભમાં શહેરમાં ૯૦ ટકા પ્રિમોન્સુનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. એવી જાહેરાત જે તે સમયે કરવામાં આવી હતી. પરંતુ વરસાદ આવતાં જ તંત્રના આવા દાવાઓનું સૂરસૂરિયું થઈ ગયું હતું. જેને લઈને વડોદરાને ભ્રષ્ટાચારમાં ડૂબેલા તંત્રએ જ પાણીમાં ડૂબાડયું હતું.

શહેરની ૫૦૦થી વધુ સોસાયટીઓના મકાનો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આ ઉપરાંત જ્યાં કદીયે પાણી ભરતું નહોતું, એવા ચાર દરવાજા વિસ્તારમાં પણ પાણી ભરાતાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાવા પામી હતી. શહેરની અડધો અડધ સોસાયટીઓના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. ત્રણથી પાંચ ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે સ્થાનિક રહીશો માટે વિકટ સ્થિતિ સર્જી હતી. એક અંદાજ મુજબ ૫૦૦થી વધુ સોસાયટીઓના મકાનોમાં પાણી ભરાઈ જતાં જળબંબાકાર જેવી સ્થિતિ જોઈને નાગરિકો ફફડી ઉઠ્યા હતા.

પાણી ભરાવા અંગે પાલિકા તંત્રનો સંપર્ક કરનારા લોકોને તંત્ર દ્વારા હાસ્યાસ્પદ તેમજ ઉડાઉ જવાબો આપવામાં આવ્યા હતા. જેના કારણે તંત્ર વાહકો સામે પ્રજા રોષે ભરાઈ હતી. જો કે, પાલિકા તંત્ર દ્વારા રાત્રે આઠ વાગ્યા સુધીમાં ટીમોને નીચાણવાળા વિસ્તારમાં રવાના કરવામાં આવી હતી.

વિશ્વામિત્રી નદીએ ૩૦ ફૂટની ભયજનક સપાટી વટાવતા નીચાણવાળા આવા વિસ્તારોને ખાલી કરાવવામાં આવ્યા હતા.

રાત્રે નવ વાગ્યા સુધીમાં ૩૫૦ પરિવારજનોને ૧૬ રાહત કેન્દ્રો ખાતે ખસેડવામાં આવ્યા હતા તેમ પાલિકાના ડેપ્યુટી કમિશનર પી.એમ. પટેલે જણાવ્યું  હતું. એકાએક પડેલા સાંબેલાધાર વરસાદના લીધે શહેરનો એક પણ વિસ્તાર એવો નથી કે જ્યાં પાણી ભરાયા ન હોય. શહેરમાં ચોતરફ જળબંબાકાર જેવી સ્થિતિને કારણે પાલિકા તંત્રની લોલમલોલ ખુલ્લી પડી ગઈ હતી.